સન્માન:ખંભરાની યુવતીએ ધરતીકંપમાં પગ ગુમાવ્યો, હિંમત ન હારી ને પગભર બની

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિદડા સર્વોદય ટ્રસ્ટે શસ્ત્રક્રિયા સાથે નવજીવન આપ્યું
  • 21 ગામોમાં 5 હજાર મહિલાને સીવણની તાલીમ આપી

વર્ષ 2001ના ગોઝારા ભૂકંપમાં અંજાર તાલુકાના ખંભરામાં રહેતી યુવતીએ એક પગ ગુમાવ્યો છતાં હિંમત ન હારીને પડકાર ઝીલી લીધો હતો. 20 વર્ષની ઉમરે અંગ ગુમાવનારી આ યુવતીને બિદડાના સર્વોદય ટ્રસ્ટે પગની શસ્ત્રક્રિયા સાથે નવજીવન બક્ષતાં તેમણે આજ સુધી 21 ગામોમાં સીવણ ક્લાસ શરૂ કરીને 5 હજાર જેટલી મહિલાઓને તાલીમ આપી છે.ભવિતા અમૃતલાલ ચાવડાને ધરતીકંપમાં એક પગમાં ગંભીર ઇજાઓ પહોંચતાં પ્રાથમિક સારવાર અપાઇ હતી. દરમિયાન તેમને મળેલી માહિતીના પગલે બિદડાની સર્વોદય ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં પ્રોસ્થેસિસમાં જોઇન્ટ બેસાડાતાં પગ ફરી કામ કરતો થયો હતો.

તત્કાલિન ચેરમેન સ્વ. બચુભાઇ રાંભિયા, વર્તમાન ચેરમેન વિજય છેડા, કેશવજી છેડાએ ભૂકંપ વખતે આપેલી સેવાઓને બિરદાવતાં આ મહિલાએ શસ્ત્રક્રિયા કરનારા તબીબો, જયા રિહેબના ડો. લોગનાથન, હરીશચંદ્ર કુબલ, મુકેશ દોશી, વીરેન્દ્ર સાંડિલ્ય સહિતનાનો આભાર માન્યો હતો. બાળપણથી ગરબા રમવાનો શોખ હતો પણ પગ ગુમાવ્યો ત્યારે હવે ગરબા ક્યારેય નહી રમી શકાય તેવો વસવસો હતો પણ શસ્ત્રક્રિયા થઇ જતાં અનેક ગરબા સ્પર્ધામાં ભાગ લઇને ઇનામો પણ જીતનારી આ યુવતીનું તાજેતરમાં રાજ્યપાલના હસ્તે ભારત દિવ્યાંગ રત્નથી સન્માન કરાયું હતું. આ ઉપરાંત કચ્છ ગુર્જર ક્ષત્રીય સમાજ દ્વારા સેલ્યૂટ એેવોર્ડથી બહુમાન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...