સુવર્ણ(ભૂત)કાળ:કેશુભાઈની ભાજપ સરકાર કચ્છીઓ ઉપર ઓળઘોળ હતી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશ મહામંત્રી ચાવડા કરતા તત્કાલિન વચ્છરાજાણી વધુ વગદાર સાબિત થયા હતા
  • સુવર્ણ(ભૂત)કાળ : અધ્યક્ષ ધીરુભાઈ શાહ, બીજા સ્થાને કેબિનેટ કક્ષાઅે સુરેશભાઈ, ખનીજ વિકાસ નિગમના ચેરમેન મુકેશ ઝવેરી

તાજેતરમાં વિજયભાઈ રૂપાણીઅે મુખ્યમંત્રી પદેથી રાજીનામું અાપ્યા બાદ ભાજપે અાખું મંત્રીમંડળ જ ધરમૂળથી બદલી નાખ્યું છે, જેમાં કચ્છ જિલ્લાના અંજાર મત વિસ્તારના ધારાસભ્ય વાસણભાઈ અાહિરે મંત્રી પદ ખોયું અને નવા મંત્રીમંડળમાં પ્રબળ દાવેદાર ડો. નિમાબેન અાચાર્યને સ્થાન ન મળ્યું, જેથી કચ્છીઅો વેતરાઈ ગયાની ભાવના જાગી છે. જોકે, ભૂતકાળમાં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા અને સંગઠન ક્ષેત્રે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ભુજના અરુણભાઈ વછરાજાણી હતા ત્યારે કચ્છનું મહત્ત્વ વધ્યું હતું.

પરંતુ, હાલ વિનોદ ચાવડા મહામંત્રી છે ત્યારે મંત્રીમંડળમાં સ્થાન મેળવવા કચ્છનું કંઈ ઉપજ્યું નથી. અે પણ અેક હકીકત છે. હવે બંધારણીય રીતે સર્વોચ્ચ અધ્યક્ષના પદ ઉપર વરણી બાકી છે અને ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન અાચાર્યની વરણી નહીં થાય તો કચ્છીઅો અન્યાયની લાગણી અનુભવશે. કેમ કે, કચ્છે ભાજપને 6માંથી 5 બેઠકો ધરી દીધી છે, જેથી સ્વાભાવિક રીતે મંત્રીમંડળમાં ઉચિત સ્થાનની અપેક્ષાઅો હોય.

ભૂતકાળ ઉપર નજર કરીઅે તો ગુજરાતની રચના પછી ભૂતકાળથી અાજ સુધીની સરકારોમાં અેક અલગ સંસ્કૃતિ, પહેચાન અને અસ્મિતા ધરાવતા કચ્છને વિધાનસભાના મંત્રીમંડળમાં મહદ્અંશે અેના કદ અને મહત્ત્વની નજરે પૂરતું પ્રતિનિધિત્વ અપાયું જ નથી. અેકમાત્ર 1998ની કેશુભાઈ પટેલના નેજા હેઠળની ભાજપ સરકાર કચ્છીમાડું પર અોળઘોળ હતી. કેમ કે, અે સમયે વિધાનસભાના અધ્યક્ષ ધીરુભાઈ શાહ કચ્છી, પ્રધાનમંડળમાં બીજા સ્થાને કેબિનેટ કક્ષાઅે સુરેશભાઈ મહેતાયે કચ્છી અને રાજ્યના સાૈથી વધુ મહત્ત્વના અેવા ખનીજ વિકાસ નિગમના ચેરમેન પણ કચ્છી ધારાસભ્ય મુકેશભાઈ ઝવેરી હતા.

1998માં કચ્છે ભાજપ ઉપર અોળઘોળ થઈને પાંચ-પાંચ બેઠકો અાપી હતી તો અગાઉ 1995 ઉપરાંત 1998 પછી 2007 અને 2012માં પણ પાંચ પાંચ બેઠક ધરી દીધી હતી. 2017ની ચૂંટણીમાં 4 અને પેટા ચૂંટણીમાં વધુ 1 બેઠક અાપીને હાલની વિધાનસભામાં પણ પાંચ-પાંચ ધારાસભ્યો અાપ્યા છે. અામ છતાં કચ્છને ટૂંકો જ રખાયો છે. હા, ભૂકંપ પછીની નરેન્દ્ર મોદીની રાજ્ય સરકારે કચ્છના વિકાસને અને પ્રવાસન ઉદ્યોગને ચાર ચાંદ લગાવી દીધા હતા. પરંતુ, મંત્રીમંડળમાં કચ્છીઅોને પ્રતિનિધિત્વ અાપવામાં અેમણે પણ હાથ ટૂંકો જ રાખ્યો હતો.

કેબિનેટ કક્ષાઅે કોઈ કચ્છીને સ્થાન નહોતું અપાયું. જોકે, 2008માં અનંતભાઈ દવેને સરદાર સરોવર સહભાગી જળસંચય યોજનાના અધ્યક્ષપદે નિમણૂક અપાઈ હતી અને અે સ્થાન મહત્ત્વનું હતું. જો હવે નિગમો અને યોજનાઅોમાં પણ કચ્છને વિશેષ મહત્ત્વ અપાશે તો કચ્છીઅોના જખમ ઉપર મલમપટ્ટો થશે.

વધારાના નર્મદાના નીર પણ સૈદ્ધાંતિક મંજુરી પૂરતા
છેલ્લે ગુજરાત ભાજપ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.અાર. પાટીલે ભુજમાં સરપંચોના સન્માન સમારંભમાં કહ્યું હતું કે, ભાજપ સંગઠન અને ચૂંટાયેલા લોક પ્રતિનિધિઅોઅે કચ્છને વધારાના નર્મદાના નીર અાપવા અેકસૂરે રજુઅાત કરી છે. જે અપાશે. જે બાદ માત્ર સૈદ્ધાંતિક મંજુરી અપાઈ. પરંતુ, વહીવટી પ્રક્રિયા અાગળ વધી જ નહીં. જો ભાજપ સંગઠન અને ચૂંટાયેલા લોક પ્રતિનિધિઅો કચ્છને વધારાના નર્મદાના નીર અાપવા અેકસૂરે રજુઅાત કરી શકતા હોય તો મંત્રીમંડળમાં સ્થાન અપાવવામાં પણ અેકસૂરે રજુઅાત કરે તો કાંઈક ઉપજે. પરંતુ, સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અેકબીજાને કાપવામાં કચ્છનું સ્થાન જ કપાઈ જાય છે. જોકે, સામે અે પણ પ્રશ્ન થાય છે કે, વાસણભાઈને મંત્રીમંડળમાં સ્થાન મળ્યા બાદ પણ અેમણે શું ઉકાળ્યું હતું. કચ્છને અેવો તે કયો મોટો ફાયદો કરાવી અાપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...