તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પાન્ધ્રો ઉપસરપંચની ચૂંટણી વિવાદનો ચુકાદો દોઢ વર્ષે પણ હજી અધ્ધરતાલ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતના સભ્યે ફરી એકવાર જિલ્લા વિકાસ અધિકારીને કરી રજૂઆત

લખપત તાલુકાના પાન્ધ્રોમાં ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં યોજાયેલી ઉપસરપંચની ચૂંટણી નિયમો વિરૂધ્ધ હોવાના આક્ષેપ સાથે ખુદ ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને ઉપસરપંચની વરણી બાબતે વાંધો ઉઠાવાયો હતો. આ અંગે તેમણે દોઢ વર્ષ પહેલાં તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરતાં સુનાવણી હાથ ધરાઇ હતી. તે સંપન્ન થયાના એક વર્ષ બાદ પણ હજુ સુધી ચુકાદો આવ્યો નથી તેવી ધા ફરી એકવાર જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ નાખવામાં આવી છે.

વર્ષ 2020ના આરંભે જાન્યુઆરી માસમાં પાન્ધ્રોના ઉપસરપંચ પદ માટે ચૂંટણી યોજાઇ હતી જેમા સરપંચ દ્વારા પંચાયત અધિનિયમનો ભંગ થયો હોવાનું જણાતાં સીસી ટીવી ફૂટેજ સહિતના પુરાવા સાથે ગ્રામ પંચાયતના સદસ્થ સતુભા સવાઇસિંહ સોઢાએ જાન્યુઆરી માસના અંતમાં તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ વાંધા અરજી કરી હતી. તેમની આ રજૂઆતને લઇને ગત વર્ષે જૂન મહિનામાં ડીડીઓની ચેમ્બરમાં પાંચમી સુનાવણી સંપન્ન થઇ હતી અને તે સમયે એક અઠવાડિયામાં ચુકાદો આવી જશે તેમ અરજદારને જણાવાયું હતું.

ચૂંટણીને દોઢ વર્ષ અને સુનાવણી પૂરી થયાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં આ દિશામાં કોઇ કાર્યવાહી કરાઇ નથી અને સરપંચ તેમજ ઉપસરપંચ દ્વારા આજે પણ ભ્રષ્ટાચાર આચરાઇ રહ્યો છે તેવો આક્ષેપ કરતાં સોઢાએ નિયમોને નેવે મુકીને થયેલી ચૂંટણી અંગેનો સ્પષ્ટ ચુકાદો એક સપ્તાહમાં આપવા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ માગ કરી છે.

ચાલુ વર્ષના અંતે ટર્મ પૂરી થાય છે
ગ્રામ પંચાયતના સદસ્યે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષના અંતે તો ટર્મ પૂરી થાય છે. દોઢ વર્ષ જેવો સમય વીતી જવા છતાં વિવાદાસ્પદ ચૂંટણી અને નિયુક્તિ વિશે આજ સુધી કોઇ અંતિમ નિર્ણય લેવાયો નથી જેમાં કંઇક રંધાઇ રહ્યું છે તેવી આશંકા તેમણે વ્યક્ત કરી હતી. ચુકાદો આવી જાય તો અદાલતનું શરણુ લેવાનો માર્ગ મોકળો બને તેમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...