કચ્છ હિતચિંતક રાજવી:જીયે રા... પ્રાગમલજી ત્રીજા મૃત્યુ પછી પણ જીવી ગયા

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
અંજલિ - Divya Bhaskar
અંજલિ

કચ્છના રાજવી પરિવારના મોભી મ. શ્રી પ્રાગમલજી ત્રીજા હવે આપણી વચ્ચે નથી. શુક્રવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લેતાં એક યુગનો અંત આવ્યો છે. આમ તો કચ્છના જાહેરજીવનમાં તેમની કોઇ સક્રિય ભૂમિકા નહોતી, પરંતુ પ્રસંગોપાત જ્યારે પણ કોઇ મોકો મળતાે ત્યારે કચ્છ પોતાની આગવી સાંસ્કૃતિક પરંપરાઓ અને પહેચાન ગુમાવી રહ્યું છે એમ જણાવીને પ્રાગમલજી બાવા અલગ કચ્છની હિમાયત કરતાં અચકાયા ન્હોતા.

છેલ્લા દોઢેક વર્ષમાં બેવાર તેમને મળવાનો મોકો મળ્યો હતો, રાજવી પરિવારના શુભચિંતક રવીન્દ્રભાઇ સંઘવી અને ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાય સાથે અમે લોકો વિજયરાજજી લાયબ્રેરીના વિકાસ સંદર્ભે તેમને મળવા ગયા હતા. તેમણે કચ્છમાં પ્રવાસન પ્રવૃત્તિ વેગવંતી બની છે ત્યારે કચ્છના રાજવંશનો ઇતિહાસ રજૂ કરતો ‘સાઉન્ડ એન્ડ લાઇટ શૌ’ તૈયાર કરવા સૂચન કર્યું હતું. ઉપરાંત જો કોઇ વરિષ્ઠ પત્રકાર કે લેખક સમયનો ભોગ આપવા તૈયાર થાય તો પોતાના જીવનના મહત્ત્વના બનાવોના સંસ્મરણ કહેવાની તૈયારીએ બતાવી હતી.

જોકે, કોરોના મહામારી સહિતના કારણે એ શક્ય ન બન્યું, પણ તેમના 84મા જન્મદિન નિમિત્તે યોજાયેલા મિલનમાં રાજવી પરિવારના સભ્યો, ભાયાતો, સંબંધીઓ, ભુજ અને કચ્છના રાજકારણીઓ અને પત્રકાર મિત્રોની હાજરીમાં અલગ કચ્છની હિમાયત સાવધાનીભર્યા સૂરમાં કરી હતી. આ માટે કોઇ આંદોલન છેડવાની કે લડત કરવાની કોઇ વાત કરી નહોતી. કચ્છનો વિકાસ તો થઇ જ રહ્યો છે. પણ વધુ સારો વિકાસ અને ફાયદા માટે અલગ રાજ્ય જરૂરી હોવાનું જણાવ્યું હતું.

મ.શ્રી. પ્રાગમલજીના આ નિવેદનની ગંભીરતાથી નોંધ ભાગ્યે જ કોઇએ લીધી હતી. પણ આજે તેમની ચિરવિદાય વખતે આ નિવેદનનું હાર્દ અને અધિકાર સમજવા જેવા છે. અધિકાર એ રીતે કે પોતાની સંપૂર્ણ સત્તા હેઠળનો સ્વતંત્ર પ્રદેશ કલમને એક ઝાટકે ભારત સંઘને સુપ્રત કરનાર રાજવીને પાછળથી જો એમ લાગે કે એની સંભાળમાં કાંઇક ખૂટે છે તો ફરિયાદ કરવાનો એને સો ટકા અધિકાર-હક્ક છે. હવે નિવેદનના હાર્દની વાત કરીએ તો મુદ્દો ચિતનો છે. ભાગલા સમયે એક અલગ સાંસ્કૃતિક પહેચાન ધરાવતા કચ્છની અસલિયત જળવાઇ રહી હતી.

કારણ કે એને કેન્દ્રના શાસન હેઠળ મૂકાયો હતો. ભલે વિધાનસભા ન્હોતી મળી, પણ અિસ્તત્વ તો અલગ કેન્દ્ર શાસિત રાજ્યનું જ હતું. છતાં 1956માં રાજવી પરિવાર કે પ્રજાને પૂછ્યા વિના મુંબઇ સાથે અને પછી ગુજરાત સાથે ભેળવી દેવતાં એક અલગ પ્રદેશનું અસ્તિત્ત્વ જિલ્લાના રૂપમાં સંકોચાઇ ગયું. તેના કારણે ઊભી થયેલી સમસ્યાઓથી બળતરા-ચિંતા તો થાય જ ને ? છતા, મ.શ્રી પ્રાગમલજીએ પૂરા સંયમ સાથે નિવેદન કર્યું હતું.

બાકી સમસ્યાઓને સંબંધ છે ત્યાં સુધી કચ્છની લાગણીઓને અખબારો તેમ નેતાઓ દ્વારા વાચા અપાતી જ રહી છે. 65ના યુદ્ધ વખતે કચ્છને છાડબેટ ગુમાવવું પડ્યું. રાજકીય અવગણનામાં 20-20 વર્ષથી કેબિનેટકક્ષાનું સ્થાન કચ્છને નથી અપાયું. એઇમ્સ ન મળી, નર્મદાના પાણીની ફાળવણી અને વધારાના પાણી પ્રશ્ને અન્યાય... જો કે ધરતીકંપ પછીના અજોડ નવસર્જનોએ ઇતિહાસ છે, સફેદરણની વિશ્વ વિખ્યાતિ, ઉદ્યોગિકરણની હરણફાળ, કંડલા અને અદાણી જેવા બબ્બે મહાબંદરોએ કચ્છની કાયાપલટ કરી છે તેથી મ. શ્રી. પ્રાગમલજી એમ કહેતા કે વિકાસ તો થયો છે પણ વધુ સારો વિકાસ-ફાયદો જોઇએ છે... ઇશ્વર એમના આત્માને શાંતિ આપે.

અન્ય સમાચારો પણ છે...