આજે અખાત્રીજ:શહેરમાં 5 કરોડથી વધુ રૂપિયાનું સોનુ વેચાય તેવો અંદાજ

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોનાના ભાવ 3 થી 4 હજાર ઘટીને 50 હજારની અંદર આવી જતા વેચાણ વધશે

આજે અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત,આજના દિવસે સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે ત્યારે આજે ભુજ શહેરમાં 5 કરોડ રૂપિયાથી વધુનું સોનુ વેચાય તેવો અંદાજ વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. જ્વેલર્સના મતે કોરોનાને પગલે ગત વર્ષે વેપાર પર અસર થઈ હતી, ત્યારે આ વર્ષે અખાત્રીજ વેપાર માટે શુભ મુહૂર્ત લઈને આવશે.અત્યારસુધી ભાવવધારાના કારણે લોકો સોનુ ખરીદતા ન હતા પણ છેલ્લા એક અઠવાડિયામાં સોનાનો ભાવ 3 થી 4 હજાર ઘટી ગયો છે.સોનાનો ભાવ જે અગાઉ 54 હજાર હતો જે હવે ઘટીને 49 હજારની આસપાસ છે.

દરમ્યાન કચ્છમાં પણ હવે અખાત્રીજનું છેલ્લા બે-ત્રણ વર્ષથી ચલણ વધ્યું હોવાથી આ દિવસે લગ્નપ્રસંગ માટે તો ઠીક પણ શુકન સાચવવા માટે પણ સોનાની ખરીદી કરવામાં આવે છે.જેથી આજે સોનાનો સારો એવો વેપાર થવાની આશા સોની વેપારીઓ દ્વારા વ્યકત કરવામાં આવી છે.સોનુ ઉપરાંત આજે તમામ શુભકાર્ય માટે ઉત્તમ દિવસ હોવાથી વાહન,મોબાઇલ,ઇલેક્ટ્રિક ઉપકરણો,મકાન સહિતની પણ ખરીદી થશે.

આજે પવનની દિશા પરથી ચોમાસાનો વર્તારો નક્કી થશે,ઉત્તર તરફનો પવન હોય તો સારો વરસાદ થાય
આજે અખાત્રીજના દિવસે પવનની દિશાના આધારે ચોમાસાનો વર્તારો નક્કી થાય છે.ઉત્તર તરફનો પવન હોય તો શ્રેષ્ઠ વરસાદ થાય, વાયવ્ય તરફથી પવન આવે તો પણ સારો વરસાદ વરસે તેવી વાયકા છે. પશ્ચિમ તરફથી પવન આવે તો વનરાજી ખિલે પરંતુ નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) તરફથી પવન આવે તો દુષ્કાળ પડે દક્ષિણનો પવન અનાજ માટે સારો નથી ગણાતો, પૂર્વનો પવન હોય તો અનાજ અને ઘાસનો અભાવ દેખાય તેમજ ઈશાનનો પવન હોય તો ઉંદર કે તીડ થકી પાકનો નાશ થાય છે.આજે સવારના 6 ક્લાકથી સાંજના 6 કલાક સુધી દર બે કલાકે કઇ દિશામાં પવન વાય છે તેની નોંધ બાદ આગામી ચોમાસાના વરસાદનો અંદાજો લગાવી શકાય તેવી વાયકા વર્ષોથી પ્રચલિત છે.

દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા વાળી તિથિ એટલે આજનો દિવસ
અક્ષય તૃતીયા એ સંસ્કૃત શબ્દ છે,અક્ષયનો અર્થ છે ‘શાશ્વત’ એટલે કે કાયમ, જેનો ક્ષય નથી તે.તૃતીયા એટલે ત્રીજ. આમ અક્ષય તૃતીયા એ ચિરંજીવી છે. સુખ, સફળતા અને આનંદની ક્યારેય ઓછી ન થવા વાળી લાગણી છે બીજા શબ્દોમાં દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા વાળી તિથિ એટલે અક્ષય તૃતીયા. જેથી અક્ષય તૃતીયાનો મહિમા ખૂબ જ અપાર છે.

અન્ય સમાચારો પણ છે...