બેઠક યોજાઈ:રસ્તા, જાહેર સ્થળો પર ઝાડી ઝાંખરા દૂર કરવા સહિતના મુદ્દા બેઠકમાં ચર્ચાયા

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંકલન સહ ફરિયાદ અને વિકાસ પ્રોજેક્ટ્સ કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
  • માંડવી અને અબડાસાના ધારાસભ્યઅે જનતાના પ્રશ્નોને વાચા આપી, ડી.ડી.ઓ.એ તાકીદ કરી

ભુજમાં કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિ બેઠક અને જિલ્લામાં ચાલી રહેલા વિકાસ પ્રોજેકટ અંગેની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી, જેમાં જિલ્લાના રસ્તા, જાહેર સ્થળો પર ઝાડી ઝાંખરા દૂર કરવા સાફ-સફાઈ, નેશનલ હાઇવે ઓથોરિટીની કામગીરીની છણાવટ, ખાણ-ખનીજના પ્રશ્નોની ચર્ચા દ્વારા વહીવટી અધિકારીઓ અને જન પ્રતિનિધિઓએ સામાન્ય જનતાના પ્રશ્નોને વાચા આપી તત્કાલ ઉકેલવાની તાકીદ કરાઈ હતી.

ડી.ડી.અો.ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મુન્દ્રા-માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ભુજ-ભચાઉ હાઇવે પર કબરાઉ પાસેની ગોળાઇ પાસેથી ઝાડી ઝાંખરા દુર કરવા, ભચાઉ ઓવર બ્રિજ પાસે સર્વીસ રોડ અંગે, મુન્દ્રા- માંડવી હાઇવે પર ઝાડી ઝાંખરા દુર કરવા તેમજ લાઇટ સુવિધા કરવા તથા માંડવી તેમજ મુન્દ્રા તાલુકાના મંજુર થયેલા વિવિધ રોડના કામ તાત્કાલિક શરૂ કરવા રજુઆત કરી હતી. અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ખેડૂતો સાથે સંકળાયેલ ખાણ-ખનિજના પ્રશ્નો તેમજ જંગલ વિસ્તારમાં ફરતા પશુઓ માટેના નીતિ નિયમો અંગે રજૂઆત કરી હતી.

ઉપરોકત પ્રશ્નો અંગે જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત વિભાગોને સત્વરે પગલા લેવા સુચના આપી હતી. જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિ ચેરમેનશ્રી કેશવજી રોશિયાએ અનુસુચિત જાતિ અંગેની વિવિધ સમિતિની નિયમીત બેઠક બોલાવા અંગે રજુઆત કરી હતી.

જિલ્લાના વિકાસ પ્રોજેકટ સ્મૃતિ વન, વીરબાળ સ્મારક, પાણી પુરવઠા યોજના, રીજીયોજનલ સાયન્સ મ્યુઝિયમ, ભુજ-ભચાઉ હાઈવે, નેશનલ હાઈવે પ્રોજેકટ, ઘડુલી સાંતલપુર રોડ, પૂંઅરેશ્વર મહાદેવ, નર્મદા કેનાલની કામગીરી, માતાના મઢ વગેરે પ્રોજેકટસની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ આ પ્રોજેકટસ સમય મર્યાદામાં પૂર્ણ કરવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સબંધિત અધિકારીઓને તાકિદ કરવામાં આવી હતી.

બેઠકમાં અધિક નિવાસી કલેકટર હનુમંતસિંહ જાડેજા, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, નાયબ વન સંરક્ષક સાદિક મુંજાવર, અંજાર પ્રાંત અધિકારી વિમલ જોશી, ભચાઉ પ્રાંત અધિકારી પી.એ.જાડેજા, મુન્દ્રા પ્રાંત અધિકારી કે.સી.ચૌધરી, અબડાસા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત, નખત્રાણા પ્રાંત અધિકારી ડો. મેહુલ બરાસરા, રાપર પ્રાંત અધિકારી જય રાવલ તેમજ જિલ્લા પૂરવઠા અધિકારી ડો.રીના ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક બી.એમ.દેસાઇ તેમજ વિવિધ વિભાગોના અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...