બેદરકાર તંત્ર:જાન્યુઆરીમાં ત્રિમાસિક સામાન્ય સભા અને પાલિકામાં વહીવટી અધિકારી અનિયમિત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હેડ ક્લાર્કની જગ્યા ખાલી, સી.અો. અને અેકાઉન્ટ અોફિસર ઈન્ચાર્જ
  • નગરપાલિકામાં કાયમી ​​​​​​​મહેકમની ઘટથી વહીવટ રખો રામ તે જેવો

ભુજ નગરપાલિકાની કેલેન્ડર વર્ષની પ્રથમ ત્રિમાસિક સામાન્ય સભા જાન્યુઅારી માસમાં યોજાશે. પરંતુ, અે પહેલા મુખ્ય અધિકારી અને અેકાઉન્ટ અોફિસર ઈનચાર્જ અને હેડ કલાર્કની જગ્યા ખાલી છે. જે કર્મચારી નિવૃત્ત થઈ ગયો ત્યાં સુધી ભરાઈ નથી. અન્ય કર્મચારીને વધારાનો ચાર્જ સોંપી સંતોષ માની લેવાયો છે. અામ, મહેકમની ઘટથી વહીવટ રખો રામ તે જેવો થઈ ગયો છે.

ભુજ નગરપાલિકામાં જે પણ પદાધિકારીઅો અને મુખ્ય અધિકારી અાવ્યા છે અેમણે કાયમી મહેકમની ઘટ નિવારવાની દિશામાં નક્કર કાર્યવાહી કરી નથી અને ફોલો અપ પણ લીધો નથી, જેથી કાયમી કર્મચારીઅો નિવૃત્ત થતા થતા હવે અાંગણીના વેઢે ગણાય અેટલા જ રહ્યા છે. હેડ ક્લાર્ક જેવી અગત્યની જગ્યા ઉપર અન્ય કાયમી કર્મચારીને બઢતી અપાઈ નથી કે ભરતી કરવાની પણ તસદી લેવાઈ નથી. અધૂરામાં પૂરું પૂર્ણકાલિન મુખ્ય અધિકારીની ટૂંકા ગાળામાં બદલી થતી રહે છે અને ઈનચાર્જ મુખ્ય અધિકારીઅો અાવતા જતા રહે છે.

અેકાઉન્ટ અોફિસર પણ મુખ્ય અધિકારીની ગેરહાજરીમાં રજા ઉપર ઉતરી ગયા છે. બીજી તરફ ઉપર સામાન્ય સભા ઊભી છે. જે પૂર્વે હેડ ક્લાર્ક, અેકાઉન્ટ અોફિસર અને મુખ્ય અધિકારીની ભૂમિકા વધી જતી હોય છે, જેથી પ્રશ્ન થઈ રહ્યો છે કે, સામાન્ય સભા પહેલા તૈયારી કેવી હશે અને કેટલી હશે. જો અામને અામ હજુ બે ત્રણ વર્ષ ચાલ્યું તો ભુજ નગરપાલિકામાં કાયમી કર્મચારીઅો હશે જ નહીં. માત્ર રોજંદાર અને ફિક્સ વેતનમાં કામ કરતા કર્મચારીઅો જ નગરપાલિકામાં હશે. જેમની જવાબદારી ફિક્સ કરવી પણ મુશ્કેલ થઈ પડશે.

અન્ય સમાચારો પણ છે...