કચ્છના સટ્ટોડીયાઓના તાર છેક મુંબઇ સુધી જોડાયેલા છે ત્યારે કચ્છમાં સટ્ટાની બજાર ધમધમી રહી છે. હાલ હાલમાં આઇપીએલ મેચ પરાકાષ્ટાએ છે ત્યારે ક્રિકેટ સટ્ટાની બજારએ જોર પક્ડ્યું છે. કચ્છમાં એક દિવસમાં ભુજોડી પાસેના રિસોર્ટમાં, માંડવીના કોડય ગામે પોલીસે પાડેલા ત્રણ દરોડામાં 9 સટ્ટોડીયાઓ 1.23 લાખની રોકડ સહિત 4.36 લાખના મુદમાલ સાથે ઝડપાઇ ગયા હતા. જ્યારે બે નાસી ગયા હતા.
ભુજોડી પાસેના રિસોર્ટમાં રૂમભાડે રાખી સટ્ટો રમતા ભુજના 3 યુવક પકડાયા
ભુજના વાણીયાવાડના એન કે ચેમ્બર્સમાં રહેતો ચિંતન કિર્તીકુમાર મહેતા ભુજોડી ફાટક પાસે ફાર્મ વિલા રિસોર્ટમાં રૂમ ભાડે રાખીને મિત્રો ક્રિકેટ સટ્ટો રમતો હોવાની બાતમી પરથી એલસીબીએ રવિવારે રાત્રે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ચેન્નઈ અને દિલ્હી વચ્ચેની મેચ પર સટ્ટો રમતા ચિંતન મહેતા, જીગર શંકરભાઇ ઠકકર રહે જેષ્ઠાનગર ભુજ, અને લાયન્સનગરમાં રહેતા દીપ જયેશભાઈ રાજગોરને ઝડપી પાડ્યા હતા. તેમના કબજામાંથી 16 હજાર રોકડા અને 10 હજારનું લેપટોપ, 21 હજારના 5 મોબાઇલ તથા અઢી લાખની કાર મળીને કુલ રૂપિયા 2 લાખ 97 હજારનો મુદામાલ કબજે કરી ત્રણેય વિરૂધ પધ્ધર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
કોડાયમાં શાહરૂખ હેર સલુન બહાર સટ્ટો રમતા 3 જબ્બે, બચ્ચનનું નામ ખુલ્યું
માંડવી તાલુકાના કોડાય ગામે શાહરૂખ હેર સ્ટાઇલ નામની દુકાન બહાર મોબાઇલ પર ક્રિકેટ મેચમાં રન રેટનો જુગાર રમતા સરફરાજ અનવર લોઢીયા, ફારૂક અભુભખર લોઢીયા, રીયાઝ રફીક મેમણ રહે કોડાયવાળાઓને એલસીબીએ છાપો મારી રોકડ રૂપિયા 26,330 અને રૂપિયા 15 હજારના ત્રણ મોબાઇલ તથા ટીવી સેટઅપ બોક્ષ સહિત 32,830ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા. મોબાઇલ પર સટ્ટો રમવાની આડી મોકલનાર બચ્ચન રહે કોડાય અને મુળ કોડાય ગામના હાલ મુંબઇ વાસતા શશાંત લાલનના નામ ખુલતાં એલસીબીએ માંડવી પોલીસ મથકમાં પાંચેય શખ્સ વિરૂધ જુગારધારાની કલમ સાથે ફરિયાદ નોંધાવી હતી.
આદિપુરમાં ક્રિકેટ મેચ પર જુગાર રમતા 3 સટ્ટોડીયા જબ્બે
આદિપુરના ચોસઠ બજારમાં આવેલા ચામુંડા એવન્યુ કોમ્પલેક્સમાં ઓફિસ નંબર ડી/3 માં અંતરજાળનો આશીષગીરી ગોસાઇ ચેન્નઇ સુપર કિંગ તથા દિલ્હી કેપીટલ વચ્ચેની ક્રિકેટ મેચ દરમ્યાન ક્રિકેટ મેચ ઉપ૨ સટ્ટા બેટીંગનો જુગાર રમે છે તે બાતમીના આધારે દરોડો પાડી સ્થાનિક પોલીસે આશીષગીરી હર્ષદગીરી ગોસાઈ, દિપક ગોવિંદભાઇ જાદવ અને વિશાલ વાલજીભાઈ ઝરૂને રૂ.81,000 રોકડ તેમજ 3 મોબાઇલ સહિત કુલ રૂ.96,100 ના મુદ્દામાલ સાથે પકડી ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.