આરોગ્ય વિભાગ પર કામગીરીનું ભારણ વધ્યું:આરોગ્યના અધિકારી-કર્મીઓ ક્યાં ફરજ બજાવે છે તેનો દૈનિક રિપોર્ટ આપવા સૂચના

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રવિવારની ડ્રાઇવમાં 38 કર્મચારીઓ ગેરહાજર રહ્યા બાદ
  • તંત્રના નવા ફતવાથી THO કચેરીએ કામગીરીનું ભારણ વધ્યું

કચ્છ જિલ્લામાં હાલ આરોગ્ય વિભાગ પર કામગીરીનું ભારણ વધી ગયું છે. કારણકે એકતરફ મેલેરિયા અને ચિકનગુનિયા સહિત વાયરલ તાવના કેસો સતત વધી રહ્યા છે.કડકડતી ઠંડી વચ્ચે પણ વાયરલ બીમારીએ પોતાનો કહેર યથાવત રાખ્યો હોવાથી જિલ્લાના સરકારી દવાખાનામા દર્દીઓની ભીડ જોવા મળે છે. બીજી તરફ કોવીડ વેકસીનેશનની કામગીરી પણ હમણાં ચર્ચાના સ્થાને છે. કારણકે કે જિલ્લામાં એકલ દોકલ કોરોનાના કેસો આવતા હોવાથી તંત્ર દ્વારા રસીકરણની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં પ્રથમ ડોઝ તો ઠીક પણ પ્રથમ ડોઝ મુકાવ્યા બાદ બીજો ડોઝ ન મુકાવ્યો હોય તેવા લોકોને શોધી શોધીને રસી આપવામાં આવી રહી છે.

હર ઘર દસ્તક અભિયાનના ભાગરૂપે ચાલી રહેલી આ ઝુંબેશમાં રવિવારે જાહેર રજા હોવા છતાં જિલ્લામાં રસીકરણની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. જોકે આ દરમ્યાન ચેકિંગ કરવામાં આવતા તબિબો સહિત 38 જેટલો આરોગ્ય સ્ટાફ ગેરહાજર જોવા મળતા સજાના ભાગરૂપે તેઓનો 1 દિવસનો પગાર કપાત કરવામાં આવ્યો હતો. જેનાથી આરોગ્ય કર્મચારીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.જોકે તંત્ર દ્વારા ડ્રાઇવ બાદ સોમવારથી વધુ કડક પગલા લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે જેમાં તાલુકા વાઇઝ આરોગ્યના અધિકારી-કર્મચારીઓ ક્યાં ફરજ બજાવે છે. તેનો ડેઇલી રિપોર્ટ આપવા THOને સૂચના આપવામાં આવી છે.

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સોમવારે દરેક તાલુકાના આરોગ્ય અધિકારીને આ મુદ્દે જાણ કરવામાં આવી હતી. જેમાં તાલુકામાં ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓના નામ અને હોદા સાથે આજે તેઓએ ક્યાં ફરજ બજાવી તે વિગત માંગવામાં આવી છે. જેમાં ખાસ આગ્રહ કરવામાં આવ્યો છે. THOની સહી સાથેનો રિપોર્ટ દરરોજ મેઈલ કરવાનો રહેશે અને હાર્ડ કોપી પણ સહી સાથે મોકલવાની રહેશે.

તંત્રનો હેતુ ભલે સારો હોય જોકે આ નિર્ણયથી તાલુકાના આરોગ્ય વિભાગમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. કારણકે ઓછા સ્ટાફમાં વેકસીનેશન સહિતની કામગીરી સુપેરે પાર પાડવાની ઉપરાંત દરરોજ આવતા નવા ફતવા પ્રમાણે વિગતો પણ આપવાની. જેથી રૂટિન કામ કરતા રિપોર્ટિંગ અને ડેટા એકત્ર કરવાની કામગીરી વધી ગઈ હોવાનો વસવસો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

લાયઝનિંગ ઓફિસરની નિમણુકમાં પ્રોટોકોલ ન જળવાયો
જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા દરેક તાલુકામાં તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા કરવામાં આવતી કોરોના વેકસીનેશન અને પરીક્ષણ સહિતની આરોગ્યલક્ષી કામગીરીના સુપરવિઝન અને મોનિટરીગ માટે લાયઝનિંગ ઓફિસરોની નિમણુંક કરવામાં આવી છે. જેઓના આકસ્મિક ચેકિંગ દરમ્યાન રવિવારે 38 કર્મચારીઓ ગેરહાજર જણાઈ આવ્યા હતા.જોકે આ નિમણુંક પ્રક્રિયામાં પ્રોટોકોલ ન જળવાયો હોવાનો કચવાટ જોવા મળી રહ્યો છે. કારણકે THO વર્ગ 2 કક્ષાના અધિકારી છે જેથી કામગીરીનું મોનિટરીગ તેમના ઉપરી અધિકારી કરે તે યોગ્ય કહી શકાય.જોકે આ કિસ્સામાં વર્ગ 3 ના 4 અધિકારીઓને પણ જવાબદારી સોંપી દેવાઇ હોવાથી અંદરખાને નારાજગી અને તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...