વણાટકામ:કચ્છમાં મશરૂ વણાટકામ મૃતપ્રાય જીવંત રાખવા માટે સંસ્થાઓ પ્રવૃત્ત

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક સમયે દોઢસો કારીગર હતા, આજે માત્ર માંડવી તાલુકામાં રહ્યા છે દસ

દેશના છેવાડાના સરહદી જિલ્લા કચ્છમાં ત્રણ સદી અગાઉ મશરુ વણાટ કામ શરૂ થયું હતું. સંસ્થાએ કરેલ સંશોધન મુજબ મોગલ સમયમાં પર્શિયાથી સમ્રાટે બે વણકર ભારતમાં બોલાવી અને આ કળા આગળ વધારવા સ્થાયી કર્યા. ભારતમાં સૌ પ્રથમ વણકર હિન્દુ ખત્રી હતા અને જે માંડવીમાં હતા. આનો વ્યાપ એટલો વધ્યો કે, એક સમયે દોઢસોથી વધુ કારીગરો હતા. ધીમે ધીમે યોગ્ય માર્કેટિંગનો અભાવ અને અન્ય હસ્તકળા આનાથી સસ્તું મળતા, તેમજ મશીન પર વણાટકામ વધતા એના કારીગરો ઘટતા ગયા. આજે ગોધરા, ડોણ અને મઉમાં માંડ આઠથી દસ કારીગરો રહ્યા છે.

એટલે લગભગ લુપ્ત થવાની કગાર પર છે. જો કે, સંસ્થાઓ સરકારના સહકારથી યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીને જીવંત રાખવા પ્રયાસ કરી રહી છે. માંડવીના ભોજરાજ કહે છે કે, આ કારીગરી હિન્દુ ખત્રીમાં હતી. પરંતુ આજે કોઈ તે પરિવારમાંથી નથી કરતું. હાલ જે કારીગર વણકર બચ્યા છે, તે મેઘવાળ મહેશ્વરી સમાજના છે.

અમુક કારીગરો છે કે, જેઓ આજથી દસ વર્ષ અગાઉ આ કામ કરી રોજગારી રળતા તેઓ પણ હવે કડિયા કામમાં જોડાઈ ગયા છે. આ કામમાં જે વળતર મળતું તેનાથી વધુ મજૂરીમાં મળે છે. અત્યારે કચ્છની સંસ્થાઓ જેવી કે, સૃજન, ખમીર, એલએલડીસી જેવી સંસ્થા સરકારના આર્થિક સહકાર સાથે આ કારીગરીને જીવંત રાખવા તેમજ યોગ્ય માર્કેટ મળે તે માટે પ્રયાસ કરે છે.

જે તે સમયે આ રીતે મશરુ વણાટ કળાની શોધ થઈ
જૂના સમયમાં ધાર્મિક પ્રતિબંધોને કારણે મુસ્લિમ પુરુષો માટે રેશમ પહેરવાની છૂટ નહોતી. જેના પર્યાય રૂપે રેશમ અને ઊન બંનેની એકસાથે વણાટ વિચાર વિકસિત થયો અને તેમાંથી પરિણમ્યું તે બન્યું, ‘મશરુ’. જો કે હવેનાં સમયમાં મશરુ દરેક જ્ઞાતિના લોકો પહેરે છે, તો આ વણાટકામથી તૈયાર વસ્ત્રો મહિલાની કુર્તી, ચોળી, ટોપ વગેરે પણ બનાવટ બજારમાં વેચાય છે. તો જે પરંપરાગત રંગો લાલ, પીળા, લીલા હતા તેની જગ્યાએ હવે નવી મિશ્રિત કલરની ડિઝાઇન આજની માંગ મુજબ બજારમાં મૂકવામાં આવી રહી છે.

મોંઘુ ગણાતું મશરુ, પહેરવેશ બન્યો ઝીણી કોમનો
રેશમ અને ઊનને સાથે ભેળવીને હાથશાળ પર બનતા વસ્ત્રો એક સમયે ઊંચી કિંમતે વેચાતા. માટે રાજા રજવાડા કે શ્રીમંત લોકો પહેરતા, છતાં પણ આ કાપડના વસ્ત્રો એક સમયે મારવાડા, મહેશ્વરી, ચારણ, રબારી, ગોત્રાઈ વગેરેમાં પહેરવેશ બન્યો. વણાટ તેમની કળા હોવાથી છેવટે તેઓનો પહેરવેશ બની ગયો.

કચ્છ હસ્તકળા વિશ્વ ફલક પર પ્રસિધ્ધ
સતત અછત અને કુદરતી પડકારોનો સામનો કરતી કચ્છની પ્રજાએ એક આગવી હસ્તકળા વિકસાવી છે, જેમાં બન્નીની હસ્તકળા, બ્લોક પ્રિન્ટિંગ, અજરખ, રબારીઓનું ભરતકામ, ગુંથણકામ વગેરેમાં તેની ભાત જોઇ શકાય છે. કચ્છની હસ્તકળાએ ન બલ્કે ભારતમાં પરંતુ વિશ્વમાં પણ વાહવાહી મેળવી છે. રણોત્સવ વગેરેના કારણે પ્રવાસનમાં વધારો થતાં હસ્તકળાના કારીગરોને પણ ફાયદો થયો છે ત્યારે મશરુ વણાંટકામની કળા લુપ્ત થાય તે પહેલા સરકારે તેના ઉત્થાન માટેના પ્રયાસો કરવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...