તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુજલામ અસફલમ્ યોજના:તળાવો ઊંડા કરવાને બદલે ડુંગર ખોદી, ખાનગી જમીન પર માટી પાથરીને કરાતી ખનીજ ચોરી

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેરરીતી, સુખપર અને નારાણપર સીમના તળાવોમાં ખનનમાં થયો વ્યાપક ભ્રષ્ટાચાર
  • અહો આશ્ચર્યમ્ , સિંચાઇ વિભાગની જાણ બહાર હજારો મેટ્રિક ટન માટી પગ કરી ગઇ

પાણી સંગ્રહના સારા ઉદ્દેશ સાથે ત્રણ વર્ષ અગાઉ શરૂ કરાયેલી સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત આ વર્ષે પણ એપ્રિલ-મે માં અનેક કામ કરાયા. સૌથી વધુ તળાવ ઊંડા કરવાના કામ થયા. સરકારી આંકડા જે બહાર આવે એ પણ વાસ્તવિક કામમાં ખાણેત્રા કરાયા તેની માટી સરકારી કામગીરી કે ખેડૂતોને બદલે ખાનગી પ્લોટ કે જમીનમાં નખાઈ ભ્રષ્ટાચાર થયો છે. ભુજની ભાગોળે સુખપર સીમમાં આવેલા શિવ પારસ પાસેના તળાવને ઊંડા કરવામાં આવું જ કાઇક બન્યું છે. તળ ઊંડા કરવાને બદલે બાજુનો ડુંગર ખોદી નાખ્યો છે.

જે વાસ્તવમાં સુજલામ સુફલામ્ યોજનાની આડમાં ખનીજ ચોરી જ કહી શકાય. ભુજ માંડવી રોડ પર એક એન.એ. થયેલા ખાનગી જમીન પર અંદાજે ચારસો જેટલા ડમ્પર ઠલવાઈ ગયા હતા તો હજી બસ્સો જેટલાની જરૂર પડી જાય તેવું સૂત્રોએ જણાવ્યું હતું. એકસાથે બે હિટાચી એસ્કવેટર અને દસથી વધુ ડમ્પર લગાવી હજારો મેટ્રિક ટન માટી ખાનગી જગ્યામાં પથરાઈ હતી. સરકારી નિયમ મુજબ ખેડૂતોને અથવા સરકારી કામમાં જ વાપરવાની છૂટ અપાઈ છે. તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવે તો અનેક કૌભાંડ બહાર આવે.

નારાણપર (રાવરી)ના શ્રીહરિ તળાવમાં પણ મોટે પાયે માટી ચોરીનો આક્ષેપ
ભુજ તાલુકાના નારાણપર (રાવરી)ના શ્રીહરિ તળાવમાં સર્વે નંબર 221 વાળી જગ્યામાં ખાણેત્રાના નામે ગેરકાયદેસર ખનન થતું હોવાનું ભુજ નગર પાલિકાના નગર સેવક મહેબૂબ પંખેરિયાએ આક્ષેપ કર્યો હતો. ખાણ ખનીજ વિભાગને કરેલી લેખિત ફરિયાદ મુજબ ગત શનિવારે બપોરે ભુજ એરપોર્ટ રોડ પર પ્રિન્સ હોમના સંચાલકો દ્વારા ખાનગી જમીન પર માટી નાખવામાં આવી રહી છે. જે નારાણપર તળાવમાંથી આવતી હતી. આ ખનન માટે સિંચાઇ વિભાગ દ્વારા કોઈ મંજૂરી અપાઈ નહોતી એવી જાણકારી મળતા આ ગામના સરપંચે મંજૂરી આપી હતી. પરવાનગી વગર લાખો રૂપિયાની ખનીજ ચોરી થતો હોવાનો આક્ષેપ કરી જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

કચ્છમાં સુજલામ સુફલામ જળ અભિયાનની 61 ટકા કામગીરી પૂર્ણ થઇ, આ છે સરકારી યાદી

કચ્છમાં યોજના અંતર્ગત 1364 કામો પૈકી 841 કામો પૂર્ણ, મનરેગા હેઠળ ચાર કરોડથી વધુની રોજગારી અપાઇ

ચોમાસા પહેલાં રાજયમાં જળસંગ્રહનો વ્યાપ વધે તે માટે તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ તથા રીપેરીંગ, હયાત જળાશયોનું ડીસીલ્ટીંગ, તળાવોના પાળા, વેસ્ટવિયરનું મજબૂતીકરણ, હયાત નહેરોની સાફસફાઇ મરામત જાળવણી, નદી, વોકળા, કાંસ, ગટરની સાફસફાઇ અને નદી પુનઃજીવીત કરવી વગેરે કામો લોકભાગીદારીથી હાથ ધરવા સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરાયેલ. કચ્છ જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.ની અધ્યક્ષતા હેઠળ એપ્રિલ-મે માસ દરમ્યાન સુજલામ સુફલામ જળ અભિયાનના કચ્છના લાયઝન અધિકારી જળસંપતિ સંશોધન વિભાગના ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર પી.પી.વાળાના જણાવ્યા પ્રમાણે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ 61.65 ટકા કામગીરી થઇ છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ 242 કામો પૈકી 165 કામો પૂર્ણ કરેલ છે જેમાં મનરેગા હેઠળ રોજગારી અપાઇ છે. જયારે બાકીના કામ પ્રગતિમાં છે, એમ નિયામક મેહુલભાઇ જોશીએ જણાવ્યું હતું. જયારે નાયબ વન સંરક્ષકની કચેરી હસ્તક 19 કામોનો લક્ષ્યાંક પૂર્ણ કરેલ છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા 38 કામો પૈકી 29 કામો થયેલા છે, એમ ભુજ નગરપાલિકા ચીફ ઓફિસર મનોજભાઇ સોલંકીએ જણાવ્યું છે.

પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ભુજ દ્વારા 42 કામો સામે 6 કામ પૂર્ણ થયેલાં છે. જળસંપિત વિભાગ દ્વારા 951 કામો પૈકી 582 કામો પ્રગતિ હેઠળ છે. જયારે જળસ્ત્રાવ નિગમ દ્વારા લક્ષ્યાંકના 39 કામો પરિપૂર્ણ કરેલ છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સુજલામ સુફલામ અભિયાન-202 હેઠળ 53 ટકા કામગીરી થઇ છે. જયારે આ અભિયાનમાં મનરેગા હેઠળ એક લાખ બાસઠ હજાર માનવદિનની રોજગારી પુરી પાડવામાં આવી છે. જે હેઠળ અંદાજે રૂ. 406 લાખનો ખર્ચ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...