તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે શિક્ષક દિવસ:શિક્ષકની પ્રેરણાથી ગામના 5 બાળકો મજૂરીના બદલે શિક્ષણ તરફ વળ્યા

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ વર્ષે ધો. 12માં પાસ થનાર 5 વિદ્યાર્થીઓ અને વચ્ચે શિક્ષક ગણપતભાઇ - Divya Bhaskar
આ વર્ષે ધો. 12માં પાસ થનાર 5 વિદ્યાર્થીઓ અને વચ્ચે શિક્ષક ગણપતભાઇ
  • દેવીસર ગામના યુવાન પ્રવાસી શિક્ષકે ગામમાં જગાવી છે શિક્ષણની અનોખી જ્યોત

વિદ્યાર્થીઅોને ભણાવે તે શિક્ષક. અા વ્યાખ્યાથી જ અાપણે શિક્ષકને અોળખીયે છીઅે. પણ ખરો શિક્ષક અે જ છે જે બાળકનું ભાવિ ઘડતર કરે, વિદ્યાર્થીના ઉજ્વળ ભવિષ્ય માટે પથદર્શક બને, હંમેશા શિક્ષણ માટે પ્રોત્સાિહત કરે, આ તમામ બાબતો નખત્રાણા તાલુકાના દેવીસર ગામના રહેવાસી અને અહીંની માધ્યમિક શાળામાં પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતા ગણપતભાઇએ સાચી સાબીત કરી બતાવી છે અને શિક્ષક તરીકેની સાચી વ્યાખ્યાને સાર્થક કરી છે.

ગામના બાળકો ભણે, સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરે તે ઉદેશ્ય સાથે 25થી 30 જણાઅે ભેગા મળીને દેવીસર ગામમાં ડો. ભીમરાવ અાંબેડકર પુસ્તકાલયની સ્થાપના કરી.સપ્ટેમ્બર 2019થી શિક્ષક તરીકેને ફરજ સમજી અને આ પુસ્તકાલયમાં ગણપતભાઇ જેપાર સેવા આપવા લાગ્યા. શિક્ષક તરીકે તેમણે એક ઉમેદા કાર્ય કર્યું. અભ્યાસ મુકીને ઘરકામ અને મજૂરી કામમાં લાગેલા 5 બાળકોને ન માત્ર શિક્ષણ તરફ વાળ્યા પણ તેઓને ધો. 12માં એક્સ્ટર્નલમાં પાસ પણ કરાવ્યા. ગામમાં જ રહેતા ગરવા હંસા, પાયણ રમીલા, જેપાર હિના, પાયણ દેવજીભાઈ, પાયણ જયેશ જેઓ ધો. 10 પછીનો અભ્યાસ મુકી અને કામે લાગી ગયા હતા.

આ વાતની જ્યારે ગણપતભાઇને ખબર પડી ત્યારે તેઓ આ બાળકો અને તેમના વાલીઓને મળ્યા, તેમની સ્થિતિ જાણી અને ધોરણ 12ની પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યા અને એક્સ્ટર્નલમાં આ ચાર જણાના ફોર્મ ભરવ્યા. પુસ્તકાલયમાં આવતા બીજા વિદ્યાર્થીઓની સાથે આ 5 જણાઓ પણ જોડાઇ ગયા. અભ્યાસ મુકી દીધાના 3-4 વર્ષ પછી ફરી આ લોકોએ અભ્યાસ શરૂ કર્યું, કાર્ય અઘરું હતું પણ ગણપતભાઇના માર્ગદર્શન હેઠળ ધીમે ધીમે સરળ થતું ગયું. વર્ષ 2021માં પરીક્ષા લેવાઇ, પરિણામ આવ્યું અને મહેનત રંગ લાવી.

સિલાઇકામ અને ઘરકામ કરતી ગરવા હંસાને 68 ટકા, મજૂરી સાથે ઘરકામ કરતી પાયણ રમીલાને 64 ટકા, કડીયાકામ કરતા પાયણ જયેશને 60 ટકા જ્યારે પાયણ દેવજીને 49 ટકા અને હિનાને 44 ટકા આવ્યા. જે વિદ્યાર્થીઓ ભણવાની આશા મુકી અને મજૂરી તરફ વળ્યા હતા તેઓ માટે આ પરિણામ સિધ્ધી સમાન હતું. હવે આ ચારેય આગળ ભણવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને ગુરૂ, માર્ગદર્શક એવા ગણપતભાઇના આજીવન ઋણી બન્યા છે. આ સિવાય ગયા વર્ષે કુલ 8 દિકીરોઅો એક્સ્ટર્નલમાં પરીક્ષા આપી અને ધો. 12 પાસ કર્યું જેમાંથી એક દિકરી 70 ટકા સાથે ઉત્તીર્ણ થઇ હતી.

આ પુસ્તકાલયમાં હાલમાં ધો. 9-10ના 15, ધો. 12ના 15 અને કોલેજના અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા 8થી 10 વિદ્યાર્થીઓ અહીં આવે છે અને ગણપતભાઇ શિક્ષણ આપે છે. તેમની સાથે 2020મં બે મહિના સુધી કિશનભાઇ દાફડા વિદ્યાર્થીઓને ભણાવવા આવતા અને હાલમાં ધો. 9ના વિદ્યાર્થીઓને ભણાવવા માટે ભાવેશ પાયણ અને ગરવા યશોદા સેવા આપી રહ્યા છે.

કોઇ શિક્ષણથી વંચિત ન રહે તે જ મારો ઉદેશ્ય: ગણપતભાઇ
ભારતના દરેક બાળકને ભણવાનો અધિકાર છે અને કોઇપણ આ અધિકારથી વંચીત ન રહે તે તમામ નાગરીકની ફરજ છે. શિક્ષક હોવાના નાતે મારી વિશિષ્ઠ ફરજ બની જાય છે. જ્યારથી ગામમાં પુસ્તકાલય શરૂ થયું છે ત્યારથી હું મારી નૈતીક ફરજ સમજીને અહીં સેવા આપું છુ઼ં. ગામની જ શાળામાં પ્રવાસી શિક્ષક તરીકે કાર્યરત છું, સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી પણ કરું છું અને બપોર પછી અહીં વિદ્યાર્થીઓને ભણાવું છે. વિદ્યાર્થીઓ સફળતા મેળવે તે માટે નિયમિત પ્રેક્ટીસ પેપર પોતે તૈયાર કરું છું, જાતે ટાઇપ કરૂં છું, સ્વખર્ચે ઝેરોક્ષ કરી અને સમયાંતરે પરીક્ષા લેતો જેથી વિદ્યાર્થીઓ કયા વિષયમાં વધુ મહેનતની જરૂર છે તે જાણી શકાય. બોર્ડની પરીક્ષા આપનાર મારો વિદ્યાર્થી જ્યારે મારી પાસે આવીને કહે છે કે ‘સાહેબ હું પાસ થઇ ગયો’ બસ અે જ મારી ગુરૂદક્ષિણા છે અને મારી મહેનત લેખે લાગી ગણાય.

અન્ય સમાચારો પણ છે...