તઘલખી નિર્ણય:ફુડ વિભાગને માહિતી આપવાની મનાઇ ફરમાવાઇ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અનલોક-1 ટાણે થોડાક દિવસો ટીમ ચેકિંગમાં દેખાઇ બાદમાં નિષ્ક્રીય

બે મહિના સુધી દુકાનો, હોટલો તમામ બંધ રહ્યા બાદ અનલોક-1માં છુટછાટ અપાતા ફુડ વિભાગની ટીમે જુદા જુદા તાલુકા મથકોએથી સેમ્પલ લીધા હતા. બાદમાં નિષ્ક્રીય બનેલી ફુડ વિભાગની ટીમ તહેવાર ટાકણે દેખાતી હોય છે. સાતમ-આઠમના તહેવાર અનુસંધાને ફુડ વિભાગની ટીમે કયા જિલ્લામાંથી કેટલા ફુડના સેમ્પલ લીધા તે અંગેની માહિતી મેળવવા માટે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના એમ. જી. શેખ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ઉચ્ચ કક્ષાએથી ફુડ વિભાગની માહિતી અને ઇન્ટરવ્યુ આપવાની મનાઇ ફરમાવતો પત્ર મળ્યો હોવાનું માહિતી આપી શકાશે નહીં. એક તો કોરોના મહામારી અને બીજી તરફ વરસાદની સીઝન હોવાથી રોગચાળો ફેલાવવાનો ભય રહે છે ત્યારે ફુડ વિભાગની કામગીરીનું ચિત્ર સ્પષ્ટ ન થાય તે હેતુથી માહિતી બહાર લાવવામાં વિક્ષેપ ઉભો કરાયો હોવાનું માની શકાય છે.

વરસાદની સીઝન છે ત્યારે વાસી ચીજવસ્તુ અને ખોરાક વેચતા વેપારીઓ પાસે સેમ્પલ લેવાયા કે કેમ તેમજ કેટલા વેપારીઓને દંડ ફટકારાયો તેની માહિતી બહાર આવતી ન હોવાથી શહેરીજનોને કયો વેપારી વાસી ખોરાક કે ચીજવસ્તુનું વેચાણ કરતા હડફેટે ચડયો તેનું ધ્યાન આવતું નથી. ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારી શેખના નિવેદનથી અનેક શંકા-કુશંકાઓ ઉભી થવા પામી છે. ઉચ્ચકક્ષાએથી સેમ્પલની માહિતીઓ જાહેર ન કરવાનું ફરમાન કરાયું છે તેની પાછળના અનેક પરીબળો કામ કરતા હોવાનું અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...