સમસ્યા:રેલવેના કોચ અને પ્લેટફોર્મ વચ્ચેનું અંતર વધી જતા મુસાફરોની સલામતીમાં ઘટાડો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા કોચ ફાળવાયા બાદ પ્રવાસીઅોને ઉતરવામાં મુશ્કેલી વધી ગઇ
  • ટ્રેનની ઝડપ વધારવા માટે રેલવે તંત્ર દ્વારા કોચની ઊંચાઇ વધારવામાં આવતાં સર્જાઇ સમસ્યા

રેલવે દ્વારા તાજેતરમાં જ કચ્છ અેક્સપ્રેસ અને બરેલીમાં નવા રેક ફાળવાયા છે. જે કોચ જુના આઇસીએફ કોચ કરતા ઊંચા હોવાને પગલે પ્લેટફોર્મ પર ઉતરવા માટે મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. તેમજ સલામતી સામે પણ પ્રશ્ન સર્જાયો છે. એલ એચ બી કોચની ડિઝાઈન એવી હોય છે કે ટ્રેનની સ્પીડ વધુ મળે પરંતુ આ ઝડપ વધારવા ને પગલે રેલવે દ્વારા મુસાફરોની પ્રાથમિક સુવિધા ટ્રેનમાં ચડવા ઉતરવાની મુશ્કેલી વધારી દીધી છે.

રેલવે દ્વારા તમામ ટ્રેનના રેક એલએચબી કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે અને તબક્કાવાર તમામ ટ્રેન ના રેક બદલવામાં આવી રહ્યા છે. પરંતુ તેને પગલે મુસાફરોને ટ્રેનમાંથી ઉતરતી વખતે એક સ્ટેપ ટ્રેનના પગથિયા ઉપર ઉતર્યા બાદ પ્લેટફોર્મ પર ઊતરવું પડે છે જ્યારે જૂના આઇસીએફ કોચમાં ટ્રેનમાંથી સીધો પ્લેટફોર્મ પર મૂકીને ઉતરી શકાતું હતું, જૂના કોચમાં બે પગથીયા જ હતા પણ નવા કોચમાં ત્રણ પગથીયા હોવાને કારણે પ્લેટફોર્મ અને કોચ વચ્ચેની ઉંચાઇમાં વધારો થયો છે જેના લીધે અકસ્માતની શક્યતા વધી શકે છે. અા જગ્યા કુલી, મહિલાઓ, વૃદ્વો અને બાળકો માટે આ જોખમી સાબિત થઇ શકે છે.

ઉકેલ શું | પ્લેટફોર્મની ઊંચાઇ અને લંબાઇ વધારવી પડે
રેલવે સાથે સંકળાયેલા સુત્રોઅે જણાવ્યું હતું કે આનો એકમાત્ર ઉકેલ પ્લેટફોર્મની લંબાઈ થોડી વધારવાની અને અડધો ફૂટ ઊંચી કરવાની જરૂર છે દેશમાં હવે તમામ ટ્રેનો એલએચબી રેક વાળી થવાની છે ત્યારે આ એકમાત્ર વિકલ્પ છે.

જનરલ કોચમાં ત્રણ દરવાજા હતા પણ હવે માત્ર બે
પ્લેટફોર્મ અને કોચની ઊંચાઈના પ્રશ્નની સાથે સંકળાયેલો જ વિષય એ છે કે, જનરલ કોચમાંથી બહાર પ્લેટફોર્મ પર ઉતરવા માટે ત્રણ દરવાજા હતા, જ્યારે હવે માત્ર બે જ દરવાજાઓ આવે છે. ઓછા સમયમાં ઊતરવા-ચડવામાં પણ વધુ જોખમ રહે છે.

હાઈટ ન ઘટાડાઇ તો લોકોના માથે અકસ્માતનું જોખમ
રેલવે તંત્ર દ્વારા ટ્રેનમાં જોડવામાં અાવેલા નવા કોચ અને પ્લેટફોર્મ વચ્ચે જગ્યા રહેતી હોવાથી અકસ્માતનું જોખમ સતત રહેલું છે. મહિલાઓ અને બાળકોઅે ખાસ સાવધાની રાખવી પડે છે ત્યારે રેલવે દ્વારા અા મુદ્દે ઘટતું કરવું જોઈએ અને કાયમી ઉકેલ શોધવો જોઈએ. પ્લેટ ફોર્મની હાઈટ વધારી દેવામાં અાવે તો ટ્રેનની રેક અને પ્લેટફોર્મ વચ્ચેનું અંતર ઘટી જાય. > અબ્દુલહમીદ સમા, પેસેન્જર

અન્ય સમાચારો પણ છે...