ભુજ પાલિકાના 61 કર્મચારીઅોઅે મજુર અદાલતમાં કાયમી મહેકમમાં સમાવવા અને તે મુજબના લાભો મેળવવા દાદ માંગી હતી, જેમાં 1990ની 1લી જુલાઈના કર્મચારીની તરફેણમાં અેવોર્ડ થઈ અાવેલ. પરંતુ, પાલિકાઅે ચેલેન્જ અપીલ પણ ન કરી અને કર્મચારીઅોને નિયમિત કરવા મંજુરી મેળવવા માટે દરખાસ્ત પણ મોકલી ન હતી. અેટલું જ નહીં પણ કાયમી મહેકમ મુજબ લાભો અાપવાનું શરૂ કરી દીધું હતું. જેનો હકીકતલક્ષી અહેવાલ રાજકોટથી પ્રાદેશિક કમિશનરે ગાંધીનગરમાં કમિશનરને કરતા અેવોર્ડી કર્મચારીઅોમાં દોડધામ મચી ગઈ છે.
પ્રાદેશિક કમિશનરે છઠ્ઠા પગારપંચ મંજુર કરવા દરખાસ્ત સંદર્ભે હકીકતલક્ષી અહેવાલમાં લખ્યું છે કે, ભુજ નગરપાલિકામાં મૂળ 360 કર્મચારીઅોનું કાયમી સેટઅપ હતું. ત્યારબાદ કેટલાક કર્મચારીઅોઅે કાયમી મહેકમમાં સમાવવવા અને તે મુજબના લાભો મેળવવા મજુર અદાલતમાં દાદ માંગી હતી. મજુર અદાલતે અરજદાર કર્મચારીઅોની તરફેણમાં ચુકાદો અાપતા 90 દિવસમાં નિયમિત કરવા અને કાયમી કર્મચારીઅોને મળતા લાભો ચૂકવવા અાદેશ કર્યો હતો.
પરંતુ, ભુજ નગરપાલિકાઅે પ્રાદેશિક સ્તરે કોઈ જ દરખાસ્ત મોકલી નથી. ત્યારબાદ 2012ના મે મહિનાની 22મી તારીખે તત્કાલિન રાજકોટ પ્રાદેશિક નિયામકે અેવોર્ડથી ભરતી થયેલા કર્મચારીઅોની નિમણૂક સંબંધે સક્ષમ અધિકારીઅોની મંજુરી મેળવેલી ન હોય તો તેમને પાંચમાં પગારપંચ મુજબના ધોરણોથી પગાર ચૂકવવાનું બંધ કરવા કહ્યું હતું.
પ્રાદેશિક નિયામકના હુકમ સામે કરાઇ હતી પીટીશન
રાજકોટ પ્રાદેશિક નિયામકે અેવોર્ડી કર્મચારીઅોને પાંચમા પગાર પંચ મુજબ પગાર ચૂકવવાનું બંધ કરવાનું કહેતા કર્મચારીઅોઅે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. 2016ની 21મી સપ્ટેમ્બરે હુકમ થઈ અાવ્યો હતો, જેમાં પ્રાદેશિક નિયામકના પત્રો ગેરકાયદે ગણાવી રદ કરી દેવાયા હતા અને કાયમી મહેકમના નિયમિત કર્મચારીના લાભો ચૂકવવા અાદેશ કર્યો હતો. અેમાંય ભુજ નગરપાલિકાઅે અપીલ દાખલ કરી ન હતી. સીધી અમલવારી શરૂ કરી દીધી હતી. જોકે, અરજદાર કર્મચારીઅો ફરી 2018માં હાઈકોર્ટમાં પીટીશન રેગ્યુલરાઈઝ થવા દાખલ કરી હતી. અે પછીના ઘટનાક્રમમાં ભુજ નગરપાલિકાના તત્કાલિન મુખ્ય અધિકારી હાઈકોર્ટમાં ભુજ નગરપાલિકા કક્ષાઅેથી થયેલા હુકમો સોગંદનામા સાથે હાઈકોર્ટમાં રજુ કર્યા હતા. જે હાલ પેન્ડિંગ છે. જેની મુદ્દત 2022ની 27મી જૂને નિયત થઈ છે. અેવું પણ હકીકતલક્ષી અહેવાલમાં કહેવાયું છે.
61 કર્મચારીઅોની ભરતી દરમિયાન સરકારની મંજુરી લેવાઈ ન હતી
ભરતી કરાયેલા અને કાયમી કરાયેલા પરંતુ, ભરતી પ્રક્રિયા દરમિયાન સરકારની મંજુરી લીધી ન હતી અેવા કર્મચારીઅોની સંખ્યા 61 છે. પાલિકામાં ફરજ બજાવેલી હોય પરંતુ, કાયમી ન હોય તેવા કર્મચારીઅોની સંખ્યા 29 છે. હાલમાં કાયમી થવા દાદ માંગી હોય અેવા હાઈકોર્ટમાં પડતર કેસની સંખ્યા 10 છે.
છઠ્ઠા પગાર પંચ વિના સાતમાના લાભો અટક્યા
ભુજ પાલિકામાં કર્મચારીઅોની ભરતી મંજુરી વિના કરાઈ છે અને કાયમી થવા દાદ મંગાતી રહી છે. જે વચ્ચે સાતમાં પગાર પંચના લાભો અાપવાનો મુદ્દો પણ અટક્યો પડ્યો છે. કેમ કે, છઠ્ઠા પગાર પંચની પ્રક્રિયા પૂરી કર્યા વિના સાતમાં પગાર પંચની અમલવારી સંભવ નથી.
સમગ્ર પ્રકરણમાં દોષી કોણ
પ્રકરણમાં ગૂંચ સર્જાવા પાછળ દોષી કોણ છે અે પણ અેક પ્રશ્ન છે. પદાધિકારીઅો-મુખ્ય અધિકારી બદલતા હોય. પી.અેફ. સહિતના પ્રકરણે મહેકમ શાખાની બેદરકારી ખુલ્લી પડી ગઈ છે. અામ છતાં તેને દોષી કેમ ઠરાવવામાં નથી અાવતી અે પ્રશ્ન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.