અેક બાજુ રાજ્યની સાથે કચ્છમાં દારૂબંધીની નિષ્ફળતાના લીધે વર્ષે કરોડોના દારૂની હેરાફેરી થઇ રહી છે તો બીજીબાજુ અને પ્રોક્ષી યુદ્ધના લીધે દરિયાઇ માર્ગ વડે નશીલા પદાર્થો ઘુસાડવામાં અાવી રહ્યા છે. જે સરહદી કચ્છ જેવા જિલ્લા માટે ખુબ જ જોખમી છે. કચ્છમાં છેલ્લા બે વર્ષમાં દારૂ અને નશીલા પદાર્થો મળી કુલ 38.83 કરોડનો જથ્થો પકડાયો છે. વિધાનસભામાં અા અાંકડા સરકારે અાપ્યા છે. પરંતુ અાશ્ચર્ય વચ્ચે મુન્દ્રામાંથી ડીઅારઅાઇઅે પકડેલા અધધ 21 હજાર કરોડના હેરોઇનના જથ્થા અંગેની માહિતી રાજ્ય સરકારે વિધાનસભામાં અાપી નથી ! કેન્દ્રીય અેજન્સીઅે અા કામગીરી કરી હોવાથી તેની માહિતી રાજ્યની વિધાનસભામાં અાપવામાં અાવી ન હતી ! વળી કચ્છમાં પકડાયેલા નશીલા પદાર્થો અંગે રાજ્યના કોંગ્રેસના 13 ધારાસભ્યોઅે પ્રશ્નો પૂછ્યા હતા ! જોકે તેઅોને જે જવાબની અપેક્ષા હતી તે મળ્યો ન હતો. સરકારે મુન્દ્રા હેરોઇનની માહિતી અાપી જ ન હતી.
કચ્છમાં વર્ષ 2020માં દારૂ તથા અન્ય નશીલા પદાર્થો મળી કુલ 28.19 કરોડનો જથ્થો પકડાયો હતો. જ્યારે વર્ષ 2021માં 10.63 કરોડના નશીલા પદાર્થો પકડાયા હતાં. કચ્છમાં વર્ષ 2020માં અધધ 7.23 કરોડનો અંગ્રેજી શરાબ પકડાયો હતો. જ્યારે વર્ષ 2021માં અા જથ્થો વધીને 7.76 કરોડ થયો હતો. ચોંકાવનારી વાત અે છે કે ચરસનો જથ્થો રાજ્યમાં સાૈથી વધારે કચ્છમાં પકડાયો છે. કચ્છમાં વર્ષ 2020માં અધધ 20.64 કરોડ અને 2021માં 2.26 કરોડનો ચરસનો જથ્થો પોલીસે પકડ્યો હતો. અાટલી મોટી માત્રામાં રાજ્યના અન્ય કોઇ જિલ્લામાં ચરસનો જથ્થો પકડાયો નથી.
કચ્છમાં 2020માં ચરસનો 1376 કિલો જ્યારે ગત વર્ષે 151 કિલો જથ્થો મળી અાવ્યો હતો. તો કચ્છમાં વર્ષ 2020માં અંગ્રેજી શરાબની 200974 બોટલ અને વર્ષ 2021માં 244680 બોટલ મળી અાવી હતી. જ્યારે બિયરની 2020માં 13218 બોટલ અને વર્ષ 2021માં 43713 બોટલ મળી અાવી હતી. તો દેશીદારૂ વર્ષ 2020માં 37603 લિટર તથા 2021માં 45817 લિટર પકડી પાડવામાં અાવ્યો હતો !
કોંગ્રેસના ધારાસભ્યોઅે સમય બરબાદ કર્યો
વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો સરકારની યોજનાના અેકના અેક પ્રશ્નો વારંવાર પૂછી સમય અને નાણાનો વેડફાટ કરતા હોય છે. ત્યારે હવે અેક જ જિલ્લાની અેક સરખી માહિતી કોંગ્રેસના અેકથી વધારે ધારાસભ્યો વિધાનસભામાં માંગી ભાજપની જેમ જ સમય અને નાણાનો વેડફાટ કરી રહ્યા છે. કચ્છના નશીલા પદાર્થોની માહિતી અેક-બે નહીં કોંગ્રેસના 13 ધારાસભ્યોઅે માંગી હતી.
કોંગ્રેસના સોજીત્રાના પુનમ પરમાર, અમરેલીના પરેશ ધાનાણી, મોડાસાના રાજેન્દ્રસિંહ ઠાકોર, બાપુનગરના હિંમતસિંહ પટેલ, વિરમગામના લાખા ભરવાડ, દાંતાના કાંતિ ખરાડી, દરિયાપુરના ગ્યાસુદીન શેખ, સિદ્ધપુરના ચંદનજી ઠાકોર, ઠાસરાના કાંતિ પરમાર, રાપરના સંતોકબેન અારઠિયા, દિયોદરના શિવાભાઇ ભુરિયા, થરાદના ગુલાબસિંહ રાજપૂત અને ધાનેરા નથાભાઇ પટેલે કચ્છમાં પકડાયેલા નશીલા પદાર્થો અંગે પ્રશ્નો પૂછ્યા હતાં. નોંધનીય છે કે તાજેતરમાં દેશની સંસદમાં પણ બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ સહિતના વિપક્ષી સભ્યોઅે મુન્દ્રા ડ્રગ્સ કાંડ અંગે પ્રશ્નો પૂછ્યા હતાં.
વર્ષ | દારૂ | બિયર | દેશી દારૂ | અફીણ | ચરસ | પોશડેડા | ગાંજો (રૂપિયા) |
2020 | 72382902 | 1323620 | 797450 | 0 | 206445000 | 857514 | 176532 |
2021 | 77646329 | 4350485 | 916340 | 15200 | 22657950 | 6201 | 746500 |
કુલ | 150029231 | 5674105 | 1713790 | 15200 | 229102950 | 863715 | 923032 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.