તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બે દરોડામાં SOGએ 5 આરોપીને 31 હજારના ગાંજાના જથ્થા સાથે ઝડપ્યા

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંજા સાથે પકડાયેલા ઝુરાના શખ્સ પાસેથી બે આરોપીના નામ ખુલતાને એસઓજીને મળી સફળતા
  • એકતા સુપર માર્કેટ પાછળથી 2.600 ગ્રામ અને મીરજાપર હાઇવે પર 520 ગ્રામ ગાંજો પકડ્યો

બી ડિવિઝન પોલીસે ડિવિઝન પોલીસે બે દિવસ પૂર્વે માધાપર હાઇવે પરથી ઝુરાના યુવકને ગાંજા સાથે પકડી પાડ્યા બાદ તેના સાગરીત સહિત પાંચ શખ્સને પશ્ચિમ કચ્છ સ્પેશીયલ ઓપ્રેશન ગૃપની બે ટીમોએ અલગ અલગ બે દરોડો પાડીને કુલ 3 કિલો 120 ગ્રામ ગાંજો કિંમત રૂપિયા 31 હજારના જથ્થા સાથે ઝડપી લીધા છે. ગાંજા ઉપરાંત 28 હજારના 5 મોબાઇલ, રૂપિયા 7,250 રોકડા અને એક હજારના બે વજન કાંટા તેમજ 75 હજારના બે વાહનો સહિત રૂપિયા 1,42,447નો મુદામાલ ઝડપી પાડીને ગાંજાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ પોલીસે બાતમીના આધારે ઝુરા ગામનો ધીરજ શીવજીભાઇ ભાનુશાળી પકડાયા બાદ તેની પુછપરછમાં સહ આરોપી પવન સનત મહેતા સહિત બેનું નામ ખુલ્યું હતું. દરમિયાન એસોજીની ટીમને બાતમી મળી હતી કે, મીરજાપર-ભુજ હાઇવે પર બે યુવકો એક્ટિવા પર ગાંજાનું વેચાણ કરી રહયા છે.

પોલીસે છાપો મારીને મીરજાપર હાઇવે પરથી કારના શોરૂમ પાછળથી ભુજ ગણેશનગરમાં રહેતા અક્ષય ઇશ્વરભાઇ સોલંકી અને પંકજ ઉર્ફે પકો રમેશગર ગુસાઇ નામના બે યુવકોને 520 ગ્રામ ગાંજા સાથે પકડી પાડ્યા હતા. તેમના કબજામાં રહેલ રોકડ રૂપિયા 5,700, વજન કાંટો રૂપિયા 500 તથા 50 હજારની એક્ટિવા, 12 હજારના બે મોબાઇલ સહિત 73,400નો મુદામાલ કબજે કર્યો હતો.

તો બીજી તરફ એસોજીની અન્ય એક ટીમે ભુજની ભાગોળે એકતા માર્કેટ પાછળના ભાગે દરોડો પાડીને પવન સનાતન મહેતા રહે નરશી મહેતા નગર ભુજ, રામ ઉર્ફે લક્ષ ગોપાલભાઇ ગઢવી રહે સોનલ નગર ભુજ તથા અભિષેક સુદામાસિંગ યાદવ રહે એરપોર્ટ રોડ ગાંધીનગરી સહિત ત્રણ આરોપીઓને 2 કિલો 599.7 ગ્રામ ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા 25,997 તેમજ રોકડ રૂપિયા 1,550, વજન કાંટો કિંમત 500 અને 16 હજારના ત્રણ મોબાઇલ અને 25 હજારના બાઇક સહિત રૂપિયા 69,074ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આરોપીઓ વિરૂધ એ ડિવિઝન પોલીસ મથકમાં એનડીપીએસ એકટ તળે ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...