તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • In The War Of 1971, The Women Of Kutch Made An Overnight 'runway' Amidst The Bombing Of Pakistan And Then The Air Force Called For A Riot.

ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા:71ના યુદ્ધમાં કચ્છની મહિલાઓએ પાકિસ્તાનના બોમ્બમારાની વચ્ચે રાતોરાત 'રન-વે' બનાવ્યો અને પછી વાયુસેનાએ બોલાવી ધડબડાટી

ભુજએક મહિનો પહેલાલેખક: મયુર ઠક્કર
  • 1971ના યુદ્ધમાં એરસ્ટ્રિપ તૈયાર કરનારી વિરાંગનાઓ સાઇરન વાગતાં જ સૈનિકોની જેમ બંકરમાં છુપાઈ જતી
  • 6 જેટલા પૂલિયાને પણ ગાય-ભેંસના છાણ દ્વારા લીંપણ કર્યું, જેથી દુશ્મનનાં વિમાનો હુમલો ના કરી શકે

વર્ષ 1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં કચ્છ ખાતે પાકિસ્તાન બોર્ડર પર વાયુસેનાએ મોરચો સંભાળ્યો હતો અને તેવામાં પાકિસ્તાનના બોમ્બમારામાં રનવેને ભારે નુકસાન થયું હતું, હવે આવા સંજોગો વાયુસેના અન્ય મોરચો ખુવારી બચાવે કે બાંધકામનો કરે, આવા મહામુલા કામમાં માધાપરની મહિલાઓ ચાલુ બોમ્બમારાની વચ્ચે જોડાઇ અને બે દિવસ-રાત મહેનત કરીને એરસ્ટ્રિપ તૈયાર કરીને પછી વાયુસેનાએ મોરચો સંભાળી લીધો અને પાકિસ્તાનને મુહતોડ જવાબ આપ્યો.

ઇતિહાસમાં ઓછી જાણીતી એવી આ બહાદુરીની આ ઘટનાના એક અઠવાડિયામાં જ પાકિસ્તાને હાર સ્વીકારી લીધી. આવી વિરાંગનાઓની કહાની ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મ 1971ના 50 વર્ષે રિલીઝ થઇ રહી છે. અદુભૂત શૌર્યગાથાના પચાસ વર્ષે પણ એજ જુસ્સો અને હિંમત આજે પણ વિરાગનાઓમાં જોવા મળી રહ્યો છે. આ રોમાંચક ઘટનાની સાક્ષી એવી મહિલાએ વીરતાની કહાની દિવ્ય ભાસ્કરને જણાવી જે કંઇક આ મુજબ છે.

ગણતરીની મીનીટોમાં નાગરિકો મદદે આવી ગયા
વર્ષ 1971ની આઠમી અને નવમી ડિસેમ્બરે ભુજમા પાકિસ્તાન સેનાએ ચાર વાર હુમલો કર્યો અને તેના કારણે હવાઇ પટ્ટી-રનવેને મોટે પાયે નુકશાન થયુ હતુ. હવે રન વે વિના ફાયટર પ્લેનને ઉડવું મુશ્કેલ થઇ ગયુ હતુ અને તેવા સમયે એરફોર્સ કમાન્ડર વિજય કર્ણિકે સમયસુચકતા વાપરીને સ્થાનિક લોકોની મદદ લેવાનું નક્કી કરીને, ભુજમાં કલેકટરનો સંપર્ક કર્યો હતો. કલેકટરે માધાપર ગામના સરપંચને વાત કરી અને ગણતરીની મીનીટોમાં નાગરિકો મદદે આવી ગયા તેમાં રનવે રીપેરીંગ કામ મહિલાઓને સોંપવામાં આવ્યું.

બોમ્બમારા વચ્ચે કામે લાગેલી મહિલાઓની શૌર્યગાથા
માધાપરના નવાવાસમાં રહેતા 75 વર્ષીય મહિલા કાનબાઈ હીરાણી 1971ના ભુજના એરપોર્ટ માટે રનવે તૈયાર કરનારા મહિલાઓ પૈકીના એક છે. વાયુસેના માટે અત્યંત મહત્વના એવા રનવે રીપેરીંગ કરવા જતાં પરિવારજનોની ચિંતા કરવા કરતાં મરીશું, તો દેશમાટે અમર થઇશુ, એવી દેશદાઝની ભાવના સાથે કામે લાગેલા મહિલા કાનબાઇએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, યુદ્ધના દિવસો પસાર થઈ રહ્યા હતા તેમાં કચ્છ સરહદી વિસ્તાર હોવાથી હુમલાનો ભય વિશેષ હતો એ સમય દરમ્યાન રાત્રીએ લાઈટ તો શું કોઈ દીવો પણ ના પ્રગટાવી શકતા. ત્યારે ખબર પડી કે પાકિસ્તાનના પ્લેન દ્વારા કરવામાં આવેલા હુમલામાં એરપોર્ટ અને તેનો માર્ગ બોમ્બમારામાં તોડી પાડવામાં આવ્યો છે.

કલેકટરના કહેવાથી સરપંચ જાદવજી હીરાણી સાથે તાકીદની બેઠક યોજાઇ હતી અને ગામના અગ્રણી વી.કે. પટેલના સહયોગથી એરસ્ટ્રીપના બાંધકામનું શ્રમ કાર્ય કરતા સુંદરબાઈ જેઠા પટેલને જવાબદારી સોંપી, જેનો સુંદરબાઈએ પણ તુરંત સ્વીકાર કર્યો અને સમગ્ર ગામમાં વાત ફેલાવી રનવેના સમારકામ માટે મહિલાઓને તૈયાર કરી હતી, તેમાં અમે ગયા હતા.

માત્ર દિવસના અજવાળે કંઇ ખાધા વિના કામ શરુ કર્યુ
કાનબાઇએ એમ પણ કહ્યું હતુ કે, બીજા દિવસે સવારે વીરાગનાઓના લીડર સુંદરબાઈ, માધાપરની મહિલાઓ સાથે યુદ્ધના વાતાવરણમાં એરપોર્ટ માર્ગે પહોંચી સવારના સાત વાગ્યાથી કામની શરૂઆત પણ કરી દીધી હતી. પ્રથમ દિવસે તો કઈ જમવાનું પણ કોઈ સાથે લઇ ગયો ન હોતા, રિપેરીંગનુ કામ રાત્રે તો થઈ ના શકે એટલે દિવસના અજવાળે અમે કામ કરતા હતા. તેથી ગરમ પાણી પીને પણ સતત માર્ગ નિર્માણમાં સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી અમે બધા વ્યસ્ત રહેતા. આવા કપરા સમયે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા સુખડી અને ફળ પહોંચાડવામાં આવ્યા અને તેને અમે સાડી અને રૂમાલમાં છેડે બાંધી રાખીને અમારી જોડે રાખતા હતા.

ત્રણ દિવસમાં રનવે બનાવવાની કામગીરી પૂરી કરી
આ સિવાય એરપોર્ટ રોડથી રુદ્રમાતા ડેમ સુધીના 6 જેટલા પુલિયાને પણ ગાય ભેંસના છાણ દ્વારા લીંપણ કરી ઉપરથી દેખાય નહીં અને દુશ્મના વિમાન હુમલો ના કરી શકે એ રીતે બનાવી દેવાયા હતા. તેની સાથે રન વે બનાવવાનું કામ તો ચાલુ જ હતું જે ત્રણ દિવસમાં તૈયાર થઈ ચૂક્યું હતું, પરંતુ સંપૂર્ણ કામ થતા 5 દિવસ લાગ્યા હતા અને 8માં દિવસના બપોરે તો આપણા દેશના યુદ્ધ વિમાનો ઉડવાની શરૂઆત થઈ ગઇ હતી. તેના અઠવાડિયામાં પાકિસ્તાનને ભારતે હરાવી દીધુ હતુ.

એટલું જ નહીં, યુદ્ધના એ માહોલમાં મોતનો સતત ભય તોળાઈ રહ્યો હતો અને સમારકામ દરમિયાન ગમે ત્યારે જોખમ ઊભું થતું અને સાયરન વાગવા લાગતું, તો અમે નાની ટુકડીમાં મહિલાઓ દોડીને બાવળનાં ઝાડ તળે છુપાઈ જતાં હતાં અને જેવું જ સાયરન બંધ થાય કે ફરીથી રીપેરીંગ કામે વળગી જતાં હતાં.

સરપંચે હાકલ પાડી અને ગામની મહિલાઓ દેશ સેવા માટે તૈયાર થઇ
તે સમયે એરસ્ટ્રીપ ઉપયોગ માટે તૈયાર થઈ જતા તેસમયના કલેકટર દ્વારા કલેકટર કચેરી ખાતે તમામ બહેનોને બોલાવી સ્ટીલના ગ્લાસમાં શાકર નાખીને મોઢું મીઠું કરાવ્યું હતું. યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય થતા એ સમયના વડા પ્રધાન ઇન્દિરા ગાંધી ભૂજ આવી પહોંચ્યા હતા અને ભુજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડમાં ભવ્ય સભા મંડપના મંચ પર બોલાવી અહીંની તમામ બહેનોને સન્માનિત કર્યા હતા. વીરાંગના શબ્દથી ઉદબોધન કરી કચ્છની ઝાંસીકી રાણીઓ તમારો આભાર, મને ગર્વ છે તમારા દેશપ્રેમ ઉપર એમ પણ કહ્યું હતું. તે સમયે રાજયના રાજયપાલે પણ ગામને રૂ 50 હજારનુ ઇનામ આપ્યુ હતુ. સૈન્યના વડાઓએ પણ મુલાકાત લઇને તમામને બિરદાવ્યા હતા.

લીલા રંગની સાડી પહેરતા જેથી દુશ્મનની સીધી નજરમાં ન આવીએ
વાયુદળના વડા વિજય કર્ણીક દ્વારા 300 જેટલી વિરાંગના બહેનોને યુદ્ધની સ્થિતિમાં કોઇ જાનહાની કે મુશ્કેલી સર્જાય તો શું કરવું તે બાબતનુ ધ્યાન રાખવામાં આવ્યું હતું, એરસ્ટ્રીપ કાર્યમાં માર્ગદર્શન સાથે સલામતી પુરી પાડવા 20 જેટલા શસ્ત્રધારી સૈનિકોને ફરજ પર રખાયા હતા. ક્યારે આકાશમાંથી બોંબ આવી પડશે એ કોઈ કહી શકે એમ નહોતું અને જેવો પ્લેનનો અવાજ આવે એ પહેલાં જ મિલિટરીનું સાયરન વાગતું અને સાહેબની સૂચના મુજબ ઓજારો મૂકી નજીકના બંકર અંદર છુપાઈ જતા. મોટા ભાગની બહેનોએ એ સમયની મજબૂત કાપડ વાળી લીલા રંગની સાડીઓ પહેરી આવતી જેથી જમીનના ઝાડપાન સાથે ભળી જાય અને દુશ્મનના વિમાનો જોઈ ના શકે.

વિરાંગનાઓ સાથે સોનાક્ષી સિંહાએ વાત કરી હતી તેના અંશો

વાલીબાઈ જેઠા સંઘાણી
અમને કહેવામાં આવ્યું હતું કે સાયરન વાગે નજીકમાં ખાડી કે ઝાડીમાં છુપાઈ જશો. શાંતિનું સાયરન વાગે તો પાછા કામ પર આવી જજો.

લાલબાઈ કાનજી ભૂડિયા
સરપંચે રાતોરાત એરસ્ટ્રિપ બનાવવાનું કહ્યું ત્યારે અમે કંઈ જ વિચાર્યું નહોતું. અમે એકબીજા સાથે મળીને બાળકોને મૂકીને એરસ્ટ્રીપ બનાવવા ગયા હતા. ત્યારે માત્ર એક જ વિચાર હતો કે જો આપણે જીવતા રહીશું તો બાળકો રહેશે. દેશ બચશે તો બધા બચશે. ઘરમાંથી બધા નીકળી ગયા. ખાવાપીવાની ચિંતા ના કરી. મારી દીકરી હતી, તેને બીજાના ઘરે મૂકીને આવી હતી. તેમને માત્ર એટલું જ કહ્યું કે ભગવાન સંભાળશે. જો મને કંઈ થયું તો તેને મોટી કરીને સાસરે વિદાય કરજો.

સામબાઈ વિશારામ ભંડેરી
ત્યાં ગયા ત્યારે સમજાવી દીધું હતું કે અહીંયા બોમ્બ પડેલો છે. અહીંયા નુકસાન છે. અહીંયા ખાડો છે. આ કામ કરવાનું છે. બધા સાથે મળીને કામ કરવા લાગ્યા. વિજેતા થયા તો ઘણો જ આનંદ થયો હતો. બધાએ સાથે મળીને ઈનામ લીધું હતું.

અમરબાઈ જાદવજી હરશિયાની
પરિવારને એરબેઝ બનાવવા સમયે માત્ર એક જ વિચાર આવ્યો હતો કે ભગવાન બધાનું રક્ષણ કરશે. દેશનું કામ કરવું પડશે. દેશવાસીઓ જ કરે. અમે ખુશીથી આવ્યા. મારે એક વર્ષનો દીકરો હતો, તેને ભગવાન ભરોસે મૂકીને આવી હતી. અમે બચ્યા અને એરસ્ટ્રિપ બનાવી.

કાનબાઈ શિવાજી હિરાણી
સાસુએ ના પાડી હતી. એમને એવું કહ્યું કે તું મરી જઈશ તો ઘર કોણે સંભાળશે, પરંતુ મેં કહી દીધું કે હું જઈશ. ઘરે રહીશ તોય મરી જઈશ એના કરતાં ત્યાં જઈને મરું એ વધારે સારું. એક દિવસ તો જવાનું જ છે. તો ત્યાં જઈને મરવું વધુ સારું. ત્યાં ગ્રીન રંગની સાડી પહેરતા હતા, કારણ કે દુશ્મનના વિમાન આવે તો લાગે નહીં કે અહીંયા કોઈ કામ કરે છે. તે દિવસ બહુ જ ખરાબ હતો. મારે દેશ બચાવવાનો હતો. જ્યારે જીતી ગયા ત્યારે બહુ જ આનંદ થયો હતો. એવું થયું કે મારો દેશ બચી ગયો છે. અમે બહુ જ કામ કર્યું અને દેશ બચ્યો. માધાપરનું નામ રોશન થયું. માધાપરની બહેનોએ કામ કર્યું.

દેશ પ્રેમની વાત કરતી અતિ સુંદર ફિલ્મ: ભુજ -ફિલ્મના ડાયરેકટર અભિષેક દુધૈયા
ફિલ્મના ડાયરેકટર અભિષેક દુધૈયાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા હિન્દી ફિલ્મના માત્ર કચ્છ પરંતુ સમગ્ર ભારત દેશ માટે ગૌરવ લેવા જેવી વાત છે. ફિલ્મમાં માધપરની વિરાગના બહેનોએ 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં કરેલી અદભુત કામગીરી દર્શાવવામાં આવી છે. ખુબજ મહેનત સાથે બનાવેલી આ ફિલ્મ દેશ પ્રેમની વાત કરતી અતિ સુંદર ફિલ્મ છે એ ફિલ્મથી કચ્છનું નામ દેશ વિદેશમાં વધુ પ્રસિદ્ધિ પામશે. જોવા અને માણવા જેવી ફિલ્મ છે.

અન્ય સમાચારો પણ છે...