• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • In The Village Of Ratanpar In The Inaccessible Khadir, At One Time Women Used To Wander For Water With Rafts, Now Water Is Available At Home.

પાણી માટે વલખાં મારવાની વાત બની ભૂતકાળ:દુર્ગમ ખડીરના રતનપર ગામમાં એક સમયે બેડા લઈને મહિલાઓ પાણી માટે રઝળપાટ કરતી, હવે ઘરે-ઘરે પાણી મળતું થયું

ભુજ6 મહિનો પહેલા
  • ગામમાં સીસીટીવી અને શૌચાલયની સુવિધાઓ પણ ઉપલબ્ધ
  • વર્ષ 2017થી પાણી સમિતિ બન્યા બાદ 2019 સુધીમાં પાણી સુવિધા માટે કામ શરૂ થયું હતું
  • ગામની મહિલાઓને પાણી ભરવા ગામના કૂવાઓ સુધી લાંબું થવું પડતું હતું

કચ્છ જિલ્લાની ઉત્તર-પૂર્વ દિશાએ આવેલા દુર્ગમ ખડીર વિસ્તારમાં આવેલું રતનપર ગામ આઝાદી બાદ હવે સંપૂર્ણ પાણીની સુવિધાથી સજ્જ બન્યું છે. ગામના દરેક વિસ્તારનાં તમામ ઘરોમાં હવે નળ મારફત પાણી મળતું થયું છે, જેનો આનંદ ગામની મહિલાવર્ગમાં વિશેષ જોવા મળી રહ્યો છે. પહેલાં કૂવામાંથી પાણી સીંચી બેડા ભરવા જવા પડતા હતા, એમાંથી હવે મહિલાઓને મુક્તિ મળી છે.

રતનપર ગામ ભચાઉથી 135 કિલોમીટર દૂર
વૈશ્વિક ધરોહર ધોળાવીરા નજીક આવેલું દુર્ગમ રતનપર ગામ તાલુકા મથક ભચાઉથી 135 કિલોમીટર દૂર વસેલું છે, જ્યાં 2011 સેશન્સ મુજબ 203 જેટલાં ઘર અને આશરે 989 લોકોની જેટલી વસતિ વસેલી છે. એવા જિલ્લાના છેવાડાના રતનપર ગામમાં મુખ્યત્વે આહીર, રબારી લોકોની વસતિ છે, જેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે. જિલ્લાના ઉત્તર-પૂર્વના દુર્ગમ એવા ખડીર વિસ્તારમાં આવેલી વિશ્વ ધરોહર ધોળાવીરાની નજીક વસેલા આ ગામનો પાણી બાબતે ભૂતકાળ ખૂબ નબળો રહ્યો છે.

બહેનોને ગામના છેવાડે આવેલા કૂવામાં પાણી ભરવા જવું પડતું
ગામમાં પાણીની સુવિધાના અભાવને લઈ બહેનોને ગામના છેવાડે આવેલા કૂવામાં પાણી ભરવા જવું પડતું હતું. આ માટે લાંબું અંતર કાપી બેડાં ઉપાડી તેઓ પાણી ભરી લાવતાં હતાં, જે ખૂબ જ કપરું કામ હતું, પરંતુ સમય જતાં પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થતાં ગામલોકો એકત્રિત થયા અને પાણી બાબતે નક્કર પગલાં લેવાનું નક્કી કર્યું તેમજ ગામમાં પાણી સમિતિની રચના કરી. આ માટે પાણી સમિતિ દ્વારા વાસ્મો પુરસ્કૃત ગ્રામ્ય આંતરિક પાણી વિતરણ યોજનામાં જોડાવા માટે નક્કી કરવામાં આવ્યું. ત્યાર બાદ લોકોએ સાથે મળી 10% લોકફાળો એકત્રિત કરવા સહમત થયા.

ત્રણ દાયકા પછી ઘરોમાં પાણી મળતું થયું
આ વિશે ગામનાં મહિલા સરપંચ વેજીબેન દશરથભાઈ આહીરે જણાવ્યું હતું કે લોકભાગીદારીથી અમે વર્ષ 2017માં ગામમાં વાસ્મો સાથે જોડાઈને અંદાજે રૂ. 24 લાખ 81 હજાર 200ની કિંમતની આંતરિક પાણી યોજના અમલી કરી, જેમાં મુખ્યત્વે પાઈપલાઈન, જમીન તળના 3ટાંકા અને પશુઓ માટે 3 અવાડા સહિતના ઘટકોનો સમાવેશ કર્યો છે. વધુમાં, વર્ષ 2019માં આ યોજના સાકાર કરી કાર્યાન્વિત કરવામાં આવી અને ત્રણ દાયકા પછી દલિતવાસ, રબારીવાસના વિસ્તારનાં ઘરોમાં પાઈપલાઈન મારફત પાણી મળતું થયું.

ઘરદીઠ રૂ.20 પ્રતિ માસ પાણી વેરો ઉઘરાવાય છે
સરપંચ વેજીબેન વધુમાં કહે છે, હાલ ગામની પાણી યોજના સુચારુ રીતે કાર્યરત છે તથા ગામની કુલ 7 શેરીમાં તમામ ઘરોમાં દૈનિક બે કલાક પાણી અપાય છે. એટલું જ નહીં, તમામ વિસ્તારોને આવરી લેવા માટે વાલ્વ સિસ્ટમ બેસાડવામાં આવેલી છે. પાણી વિતરણ કરવાના એક કલાક પહેલાં ગામમાં અલગ અલગ જગ્યાએ લગાડવામાં આવેલી સાઉન્ડ સિસ્ટમ દ્વારા પાણી વિતરણની જાહેરાત કરવામાં આવે છે. આવી વિતરણ વ્યવસ્થાને કારણે ગામમાં જરૂરિયાત પૂરતું પાણી મળી રહે છે અને કોઈપણ પ્રકારનો પાણીનો બગાડ પણ થતો નથી. હાલ ગામમાં ઘરદીઠ રૂ.20 પ્રતિ માસ પાણીવેરો ઉઘરાવવામાં આવે છે.

અવાડાઓની નિયમિત સફાઈ કરાય છે
આમ, રતનપર ગામ દુર્ગમ વિસ્તારમાં વસેલું હોવા છતાં પણ ખૂબ જ સુંદર રીતે પાણી વ્યવસ્થા ચલાવે છે. પાણી વિતરણની વ્યવસ્થા માટે એક વાલ્વમેન રાખવામાં આવ્યો છે, જેને માસિક રૂ. 10 હજાર જેટલો પગાર ચૂકવવામાં આવે છે. દર મહિને ગામના તમામ ટંકાઓ તથા અવાડાઓની નિયમિત સફાઈ પણ કરાવવામાં આવે છે.

ગામમાં સીસીટીવી કેમરાની પણ વ્યવસ્થા
રતનપરની અન્ય વિષેશતાઓ વિશે વાત કરીએ તો ગામમાં ઘરે ઘરે શૌચાલય, પ્રાથમિક શાળા, પંચાયત કચેરી, વીજળી, ગટર વ્યવસ્થા, પેવર બ્લોક વગેરે સુવિધાઓ છે તથા એસટી બસની સેવા સમગ્ર વર્ષ ઉપલબ્ધ રહે છે. ગામનાં મહિલા સરપંચ તેમનાં ઉમદા કાર્યોને કારણે બીજી વખત ચૂંટાઈ આવ્યાં છે. તેમણે તમામ શેરીઓમાં તથા ગામના પાદરે શહેરોમાં હોય એવી સીસીટીવી કેમેરાની સિસ્ટમ બેસાડેલી છે, જેના દ્વારા ગામમાં રક્ષણાત્મક અંકુશ લાવી શકાયો છે. આ ઉપરાંત કોઈ અનિચ્છનીય, ગુનાહિત બાબત બનતી અટકાવી શકાય છે.

દરેક ઘરમાં ગટર-કનેક્શન અને શૌચાલય
એટલું જ નહીં, કોઈ ઘરમાંથી પાણી શેરીમાં નીકળતું હોય તો સીસીટીવી કેમેરા મારફત સાઉન્ડ સિસ્ટમમાં જાહેરાત કરવામાં આવે છે અને તાત્કાલિક પાણીનો નિકાલ અટકાવવામાં આવે છે. આમ, પાણીની તકલીફ વેઠનાર આ ગામ ખરેખર પાણી અને સ્વચ્છતાની દૃષ્ટિએ ખરા માપદંડોથી કામગીરી કરી રહ્યું છે. ગામની આ બાબતો નોંધપાત્ર અને સૌએ અનુસરવા જેવી છે, જેમ કે ગામનાં જાગ્રત અને સક્રિય મહિલા સરપંચ છે. દરેક ઘરમાં ગટર-કનેક્શન અને શૌચાલય છે.

અન્ય સમાચારો પણ છે...