કિશાન સ્નેહમિલન:નખત્રાણા ખાતે જિલ્લા કિશાન સંઘના સ્નેહમિલનમાં નર્મદા મુદ્દે ખેડૂતો આકરા પાણીએ હોવાનો અંદેશો દર્શાવ્યો

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છની કૃષિ અને કિસાનોના ભાવિ માટે નર્મદા જરૂરી: સંઘ
  • કચ્છ જિલ્લા કિસાન સંઘ ગામોગામ ગ્રામ સમિતિ બનાવશે

નખત્રાણાના પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે આજે કચ્છ જિલ્લા ભારતિય કિસાન સંઘનું 20મુ સ્નેહમિલન ખેડૂત પરિવારોની મોટી સંખ્યા સાથે યોજવામાં આવ્યુ હતું. આ સમારોહમાં જિલ્લા કિસાન સંઘના અને પ્રદેશ કક્ષાના હોદ્દેદારોઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ખેડૂતલક્ષી વિષયો પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા જેમાં નર્મદા કેનાલના પાણી વધારવાનો મુદ્દો મુખ્ય રહ્યો હતો.

સ્નેહમિલન પ્રસંગે આયોજિત જાહેર સભાને સંબોધન કરતા કચ્છ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ શિવજીભાઇ બરાડીયા એ કહ્યું હતું કે કચ્છની શાન કૃષિને બચાવવી હશે તો નર્મદા લાવી અનિવાર્ય છે. કિસાનની જીવાદોરી નર્મદા મૈયા જ છે. હવે નર્મદા લાવવા માટે કિસાનો બિન રાજકીય આંદોલન છેડશે અને ગામે ગામ કિસાનોની ગ્રામ્ય સમિતિ બનાવી સંઘઠનને વધુ મજબૂત બનાવાશે. તેમાં જાતિવાદ અને સમાજવાદને જરા પણ સ્થાન નહીં હોય.

તેમણે આગળ કહ્યું હતું કે, કચ્છના 2 લાખ 18 હજાર ખેડૂતો કિસાન સંઘના હાથ પગ છે. આ સંખ્યાબળનો તેમના વિકાસ માટે ઉપીયોગ લેવાશે. કચ્છમાંથી અરબો ખરબોની ખનીજ સંપતિ તથા ખેતપેદાશો પેદા થાય છે તેમ છતાં સરકાર નર્મદા મુદ્દે કચ્છને શા માટે અન્યાય કરે છે? રાપર અને ભચાઉમાં પણ હજુ માત્ર ૨૫ ટકા પાણી મળે છે માટે સમગ્ર કચ્છને નંદનવન બનાવવા ભારતીય કિસાન સંઘ નર્મદા લાવવા પોતાની માગ બુલંદ કરશે. જરૂર પડશે તો આગામી સમયમાં 2લાખ 18 હજાર ખેડૂતો રોડ ઉપર પણ ઉતરી આવશે.

વારે ઘડી સ્નેહમિલનમાં નર્મદાનું મુદ્દો જ સર્વોપરી હોય છે પણ આવનારા સ્નેહમિલન માં નર્મદા લાવવાનો મુદ્દો નહીં પણ નર્મદા વધારવા માટે કિસાનો એક થઈ સ્નેહમિલન યોજશે.

પ્રદેશ પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધાત્રાએ કહ્યું હતું કે કચ્છના ખેડૂતે અનેક કુદરતી આફતો સહન કરી છે જેમાં વાવાઝોડું, અતિવૃષ્ટિ, દુષ્કાળ અને ધરતીકંપની સાથે કોરના જેવી મહામારીમાં પણ કાળી મજૂરી કરી કચ્છની ખેતપેદાશનું વિદેશ સુધી નિકાસ કરી કચ્છનું નામ રોશન કર્યું છે.બાગાયતી ક્ષેત્રે પણ કચ્છનું નામ રોશન કર્યું છે.

પ્રદેશ મંત્રી બીકે પટેલે પણ હાલના સમયમાં છેતરાઈ ન જવાય તે માટે દરેક ખેડૂતને પોતાનો કાંટો રાખવો પાકનું તોલમાપ કરવા આવનારના કાંટા ઉપર વિશ્વાસ કરવો નહીં અને વધુ ભાવની લાલચમાં પાક ઉધારમાં વહેંચવો નહીં. અત્યારે કચ્છમાં ખેડૂતોને શીશામાં ઉતારવા ગેંગ સક્રિય છે અને કરોડોના ફુલેકા ફેરવી ગયેલ છે. ત્યારે આ બાબતે કચ્છના ખેડૂત સાવચેત રહે. પોતાના પસીનાની કમાણીનું વળતર મેળવવા પૂરા હકદાર છે માટે લાલચમાં આવી ઉધારમાં પાક વહેંચવા નહીં. અત્યારે કચ્છમાં વિકાસના નામે કંપનીઓ વિનાશ આગ્રહી છે. ત્યારે કચ્છના ખેડૂત પોતાની વડીલોની જમીન ભોળા બનીને વહેંચી ના નાખે તે ખાસ જોવાનું છે.

સ્નેહમિલનમાં આડેસરથી અબડાસા સુધીના કિસાનો એકતાથી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. ચાલુ કાર્યક્રમમાં ત્રણ-ચાર વખત વીજ વિક્ષેપ સર્જાતા ખેડૂતો અકળાયા હતા અને કાયમ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવતા વીજ તંત્ર ઉપર નારાજગી દર્શાવી હતી.

આ પ્રસંગે મોરજર આખાડાના દિલીપ દાદા કાપડી, ભારતીય કિસાન સંઘ પ્રદેશ અધ્યક્ષ વિઠ્ઠલભાઈ દુધાત્રા, પ્રદેશ મહામંત્રી બાબુભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શિવજીભાઇ બરાડીયા, પ્રદેશ પ્રતિનિધિ વિઠ્ઠલભાઈ ભીમાણી અને કચ્છ જિલ્લા ઉપપ્રમુખ ભચાભાઈ સહિતના મહાનુભવો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હોવાનું લખનભાઈ દેસાઈએ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...