કૃષિ:નખત્રાણા પંથકમાં મગફળીના પાકમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ

નાના અંગિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વરસાદ વચ્ચેનું અંતર વધુ હોતાં દાણા નાના-મોટા આવ્યા

કચ્છમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરતા નખત્રાણા પંથકમાં આ વર્ષે બે વરસાદ વચ્ચે સામાન્ય કરતાં વધુ અંતર રહેતાં પાકમાં દાણાનું કદ નાનુ-મોટું આવતાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળે છે. અંગિયા, વિથોણ, દેવપર, ધાવડા સહિતના વિસ્તારોમાં શ્રમિકોની અછત વચ્ચે મગફળી કાઢવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મગફળીના પાથરા કરવા માટે અને ત્યારબાદ તેને તડકા માં સુકાયા બાદ ઉપલરની મદદથી દાણા અને ચારો છૂટો પાડવામાં આવે છે.

સ્થાનિક મજૂરોને દૈનિક ત્રણસોથી સાડા ત્રણસો રૂપિયા મજૂરી આપવામાં આવે છે. એમાં પણ મજૂરોને ગામથી વાડીએ લઈ જવાની અને પરત લઈ આવવાની સગવડ આપવામાં આવે છે.જે ખેડૂતો પાસે ભાગ પર લીધેલા પર પ્રાંતીય શ્રમિકો છે તેવા ખેડૂતોની મગફળી નીકળી ગઈ છે. પણ જે લોકો પાસે પર પ્રાંતીય શ્રમિકો નથી તેવા કિસાનોને સ્થાનિક મજૂરો પર મદાર રાખવો પડતો હોય છે. મગફળીના પાક માં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો ભાસ થઈ રહ્યો છે.

બે વરસાદ વચ્ચેના સમયમાં તફાવતના કારણે મગફળીના દાણામાં જોઇએ તેવો કસ ન હોવાથી ખેડૂતોને વધારે ફાયદો નહીં થાય. આમ છતાં સરેરાશ ભાવની આસપાસ સોદા તો થશે જ. તમિલનાડુથી દર વર્ષે ખરીદી કરવા આવતા અન્ના તરીકે ઓળખાતા વેપારીઓ નખત્રાણા પંથકની મગફળી ખરીદવા પર પ્રથમ પસંદગી ઉતારતાં હોય છે અને તેઓ આ અઠવાડિયાથી જ્યાંથી વધુ જથ્થો મળી શકતો હોય તેવા સ્થળોની જાત મુલાકાત લઈને મગફળીની ખરીદી માટે તપાસ કરીને સોદા કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...