વાગડ વિસ્તારમાં અખાત્રીજના દિવસે સેંકડો લગ્નો યોજાયા હતા આ દરમિયાન રાપર તાલુકાના પદમપરમાં બહારથી ગોર બોલાવવા બાબતે ગામના જ ગોરપદું સંભાળતા પાંચ જેટલા શખ્સોએ ચાલુ લગ્ન વિધિમાં ધમાલ કરતા ચકચાર પ્રસરી જવા પામી હતી. ધમાલ કરનારા શખ્સોએ યજમાનને પણ માર માર્યો હોવાની ફરિયાદ આડેસર પોલીસ મથકે નોંધાઇ છે. આ સમગ્ર ઘટના બાદ સર્જાયેલી બબાલનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં યજમાન પરિવાર અને આરોપીઓ વચ્ચે થતી રકઝક વીડિયોમાં જોવા મળી રહી છે.
આ વિશે નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ કરમશી ગોવિંદભાઈ સાંઢાએ આરોપીઓ ભાઈલાલ ભુરાલાલ લોદરીયા, કેશવલાલ ગેલારામ લોદરીયા, મેહુલ કેશવલાલ લોદરીયા, હસમુખ જોનીલાલ લોદરીયા અને મહેશ દયારામ લોદરીયા સામે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદીની પુત્રીના ગત અરસામાં લગ્ન ચાલુ હતાં, બાદરગઢથી જાન આવી હતી અને વિધિ માટે પીપરાળા ગામના ગોર દીલીપભાઈ રાજગોરને બોલાવવામાં આવ્યા હતા. લગ્ન ચાલુ હતા એ દરમિયાન ગામના ગોરપદું સંભાળતા પાંચ શખ્સોએ આવીને બહારથી કેમ મહારાજ બોલાવ્યા? તેમ કહી ગોર મહારાજ અને યજમાનને માર માર્યો હતો. જેના બાદ સર્જાયેલી બબાલ અને રકઝકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.