આખલો મકાનની છત પર ફસાયો:નખત્રાણાના મોટી વિરાણી ગામે આખલો નળીયા વાળા મકાન પર ચડી જતાં ફસાયો, ગ્રામજનોએ ભારે જહેમત બાદ નીચે ઉતાર્યો

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંધ પડેલા મકાન પર આખલો ચડી જતાં મકાનની છત તૂટી, મકાનમાં નુકશાન

કચ્છમાં અનેક સ્થળે રખડતા આખલાઓના કારણે લોકોને મુશ્કેલી ઉભી થતી હોય છે. અવારનવાર જાહેરમાં થતા આખલા યુદ્ધ અને રાહદારીઓને હડફેટે લેવાના કિસ્સા સામે આવતા રહ્યા છે. ત્યારે નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે એક નંદી મહારાજ નળીયા વાળા જૂના મકાન પર જઈ ચડ્યા હતા, સદભાગ્યે આ મકાન બંધ હોવાથી કોઈને હાનિ થઈ નહોતી. પરંતુ નળીયા તૂટી જતા મકાનમાં નુકશાન થયું હતું. અલબત્ત નળીયા વાળી છતમાં ફસાયેલા આખલાને લોકોએ ભારે જહેમત બાદ નીચે ઉતાર્યો હતો.

મોટી વિરાણી ગામના વથાણ ચોક સ્થિત જુના નળીયા વાળા મકાન પર આખલો જઈ ચડતા છત ઉપર ફસાઈ ગયો હતો. નખત્રાણાના લખન દેસાઈના જણાવ્યા અનુસાર બનાવ ગઈકાલે બુધવારે મોડી રાત્રે બન્યો હતો. જ્યાં ગામમાં ફરતો આખલો પાકા મકાનમાં રહેલી સીડી મારફતે ઉપરની છત પર ચડી ગયો હતો. તેમજ ત્યાંથી નીચે ઉતરવાના પ્રયાસમાં તે બાજુના પતરા પરથી દેશી નળીયા લાગેલા મકાન પર જતાં નળીયા તૂટી ગયા હતા અને આખલો તેમાં ફસાઈ ગયો હતો. જેમાં આજે ગુરૂવારે સવારે આ ઘટના ગ્રામજનોના ધ્યાનમાં આવતાં ભારે જહેમત બાદ આખલાને નીચે ઉતારવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ગામના ગૌપ્રેમી કાનજી બડીયા, જયેશ કાનાણી, નવીન ગોસ્વામી, ચાંપસીભાઈ, જેન્તીભાઈ ગોસ્વામી, રાહુલ ભાઈ, આશિષભાઈ વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...