લક્ષ્યાંક:અંતે કચ્છમાં કોરોના રસીના બીજા ડોઝની કામગીરી 80 ટકાએ પહોંચી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છેલ્લી ઘડીએ લક્ષ્યાંક સિદ્ધ કરવા બોગસ મેસેજનો કરાયો હતો મારો
  • પ્રથમ ડોઝ મુકાવનારા 1.60 લાખ લોકો હજી પણ રસીથી અળગા

કચ્છ જિલ્લામાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરૂઆત થઈ છે.પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓને આવરી લેવાયા બાદ વૃદ્ધોને રસી આપવામાં આવી હતી.મેં મહિનાથી કચ્છ સહિત રાજ્યમાં યુવાઓના રસીકરણની શરૂઆત થતા આ કામગીરીમાં ઝડપ આવી હતી.જેમાં દરરોજ 15 થી 20 હજાર લોકો રસી મુકાવતા હતા.જોકે બાદમાં નવરાત્રી પછી કામગીરીમાં બ્રેક આવી ગયો હોય તેમ પ્રથમ ડોઝ મુકાવનારા લોકો બીજો ડોઝ મૂકાવવા માટે આવતા જ ન હતા.

આરોગ્ય વિભાગની ફોનથી વિનવણી છતાં પણ બીજો ડોઝ મૂકાવવા માટે લોકો આવ્યા નહિ અંતે મુદત બાદ બે થી ત્રણ મહિના વીતી ગયા હોય તેવા લોકોને રસી મુકાવી લીધાના ધડાધડ મેસેજ મોકલવામાં આવ્યા હતા.ભુજ,મુન્દ્રા,નખત્રાણા સહિતના વિસ્તારોમાં બીજો ડોઝ ડયું હોય તેવા લાભાર્થીઓને રસી મુકાવી લીધાના મેસેજ ઇસ્યુ થયા છે.જોકે તંત્ર દ્વારા આ વાતને ટેક્નિકલ એરર ગણાવાઇ રહી છે.

જિલ્લામાં રસીકરણના લાભાર્થીઓની જો વાત કરીએ તો મતદારયાદી પ્રમાણે 15.30 લાખ અને સરકારના ટાર્ગેટ પ્રમાણે 16.38 લાખ લોકોને રસી આપવાનું આયોજન છે. જેની સામે રવિવારની સ્થિતિએ કચ્છમાં 14.79 લાખ લોકોએ પ્રથમ ડોઝ જ્યારે 13.20 લાખ લોકોએ બીજો ડોઝ મુકાવી લીધો છે.

ટકાવારીની જો વાત કરીએ તો પ્રથમ ડોઝની 90 ટકા અને બીજા ડોઝની 80 ટકા કામગીરી થઈ છે.પ્રથમ ડોઝ મુકાવનારા 1.60 લાખ લોકો હજી પણ રસી મુકાવ્યા આવ્યા નથી તેમાંથી ઘણાખરા તો રસી મુકાવવાની ધરાર ના પાડી રહ્યા છે. જેથી હવે 100 ટકા ટાર્ગેટ પૂર્ણ કેવી રીતે કરવો તેની વિમાસણમાં તંત્ર મુકાઈ ગયું છે. દરમ્યાન અત્યારસુધી જિલ્લામાં કુલ 28 લાખ ડોઝ આપવામાં આવ્યા હોવાનું કોવિન પોર્ટલ પરથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...