ભાસ્કર ઇમ્પેક્ટ:અંતે યુરિયા ખાતરનો જથ્થો રાજકોટથી કચ્છને ફાળવવાની કૃષિ મંત્રીએ બાંહેધરી આપી

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 60 હજાર મેટ્રિક ટનની જરૂરિયાત સામે માત્ર 40 હજાર મેટ્રિક ટન જ જથ્થો આવ્યો છે !
  • 1 હજાર ટન ખાતર રાજકોટથી બે દિવસમાં આપવામાં આવશે : કૃષિ મંત્રી રાઘવજીભાઈ

રવિપાકની સીઝન હવે પૂર્ણતાની નજીક આવી ગઈ છે પણ કચ્છમાં જોઈએ તેટલી માત્રામાં યુરિયા ખાતરનો જથ્થો સરકાર દ્વારા ફાળવવામાં આવ્યો નથી.જિલ્લામાં 60 હજાર મેટ્રિક ટન યુરિયા ખાતરની જરૂરિયાત સામે સરકાર દ્વારા માત્ર 40 થી 42 હજાર મેટ્રિક ટન જથ્થો આપવામાં આવ્યો છે,જરૂરિયાત પ્રમાણે ખાતર મળતું ન હોવાથી કિસાનોને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે.

આ બાબતે દિવ્ય ભાસ્કરમાં ગઈકાલે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તેમજ ભારતીય કિસાન સંઘ દ્વારા પણ રજુઆત કરાઈ હોઇ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા કચ્છને ખાતરનો જથ્થો ફાળવવાની બાંયધરી આપવામાં આવી છે. ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, ભારતીય કિસાન સંઘ ભચાઉ તરફથી રજુઆત આવી હોવાથી યુરિયા ખાતરનો 1 હજાર ટન જથ્થો રાજકોટથી કચ્છને બે દિવસમાં આપવામાં આવશે તેમજ આજે સોમવારે સમીક્ષા કરીને પરિસ્થિતિ ચકાસવામાં આવશે.

જ્યાંથી ખાતર જરૂરિયાતની રજૂઆત આવશે ત્યાં યુરિયા ખાતર પહોંચતું કરવામાં આવશે તેવું ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે,યુરિયા ખાતરની કચ્છ જિલ્લામાં મોટાપાયે અછત મુદ્દે મોટાભાગના રાજકારણીઓ ચૂપકીદી સેવીને બેઠા હતા,એકમાત્ર ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના હક્ક મુદ્દે અવાજ ઉપાડવામાં આવ્યો હતો જેને પગલે સરકાર હરકતમાં આવી ગઈ છે.

પાકની પેટર્ન બદલાતા જરૂરિયાત વહેલી ઉભી થઇ જેના કારણે સમસ્યા સર્જાઈ
દર વર્ષે મોટાભાગના ખેડૂતો જીરું વાવતા હતા પણ આ વર્ષે કિસાનો રાઈના પાક તરફ વળ્યા છે.રાઈના પાકમાં ખાતરની જરૂરિયાત વહેલા ઉભી થાય છે જેના કારણે પાકની પેટર્ન બદલાઇ જતા આ વખતે યુરિયાની જરૂરિયાત વહેલી ઉભી થઇ જેના કારણે ખાતરની અછતની સમસ્યા ઉદભવી હોવાનું ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું.

સપ્તાહમાં વધુ 2 હજાર મેટ્રિક ટન જથ્થો આવી જશે
જિલ્લા ખેતીવાડી અધિકારી દિનેશ મેણાતે જણાવ્યું કે,રાજકોટમાં આવતીકાલે રેક આવવાની છે.જેમાંથી કચ્છને મોટાભાગનું ખાતર ફાળવવામાં આવશે તેમજ કંડલા,મુન્દ્રા પોર્ટ તથા ભરૂચ,વડોદરા અને કલોલ ખાતે આવેલી ખાતરની કંપનીઓમાંથી પણ યુરિયા ખાતર આવવાનું છે. જેથી આ સપ્તાહમાં 2 હજાર મેટ્રિક ટન જથ્થો આવી જશે જે જરૂરિયાત પ્રમાણે આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...