તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:જિલ્લામાં એકમ કસોટીનું ફારસ, ઉત્તરવહી આપવા વાલી-વિદ્યાર્થીઓની ભીડ જામે છે

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરી વિસ્તારની શાળાઓમાં મોટે ભાગે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું ન હોવાનું ચિત્ર ઉપસ્યું
  • દરેક ધોરણમાં પસંદ કરેલા બે વિષયના પ્રશ્નપત્રના જવાબો 10 તારીખ સુધી આપવાના છે

રાજ્યમાં બેકાબૂ બનેલા કોરોનાને પગલે શાળાઓ 31 ઓગષ્ટ સુધી બંધ રાખવાનો હાલ પૂરતો નિર્ણય લેવાયો છે તે વચ્ચે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા એકમ કસોટી લેવાઇ હતી જેની ઉત્તરવહીઓ આપવા માટે જે તે શાળામાં વાલીઓ કે વિદ્યાર્થીઓ જાય છે ત્યારે ભીડ જોવા મળે છે સરવાળે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા હોવાનું ચિત્ર ખાસ કરીને કચ્છના શહેરી વિસ્તારની શાળાઓમાં જોવા મળી રહ્યું છે.

રાજ્યભરમાં જુલાઇ માસના અંતમાં 29 અને 30 તારીખે ધોરણ 1થી 12 માટે પસંદ કરેલા કોઇ બે વિષયની એકમ કસોટી લેવાઇ હતી જેના પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓને વોટ્સેપ જેવા સોશિયલ મીડિયા પર મોકલાયા હતા અને પ્રશ્નના જવાબો લખીને તા. 10 ઓગષ્ટ સુધી જે તે શાળામાં પહોંચાડવા જણાવાયુ છે. હજુ મુદ્ત પૂર્ણ થાય તેને છ દિવસ બાકી છે તે પૂર્વે ઉત્તરવહીઓ આપવા માટે જે તે શાળામાં વાલીઓ કે વિદ્યાર્થીઓ પહોંચી જાય છે ત્યારે ભીડ જામતી હોવાનું જાણવા મળ્યું હતું. આ સંજોગોમાં ‘દો ગજ કી દૂરી’નો નિયમ નેવે મુકાઇ જાય છે જે કોરોનાને લઇને જોખમી સાબિત થઇ શકે છે તેમ ખુદ કેટલાક જાગૃત વાલીઓ જણાવી રહ્યા છે. ખાસ કરીને કચ્છની શહેરી વિસ્તારની શાળાઓમાં આ સમસ્યા સર્જાઇ રહી છે ત્યારે સ્વયં શિસ્ત જળવાય તે જરૂરી બન્યું છે.

યૂ-ટ્યૂબ પર પ્રશ્નોના ઉત્તર પણ આપી દેવાયા !
વિદ્યાર્થીઓએ ઘરમાં રહીને કરેલા અભ્યાસને ચકાસવાના મૂળ આશય સાથે લેવાયેલી એકમ કસોટીના તમામ પ્રશ્નપત્રોના જવાબ પણ યૂ-ટ્યૂબ પર અભ્યાસુઓએ ચડાવી દેતાં સરકારનું એકમ કસોટી લેવાનું પગલું ફારસ રૂપ બની રહ્યું છે તેમ કેટલાક વાલીઓએ રોષ સાથે જણાવ્યું હતું. જો કે, જેની નિષ્ઠા છે તેવા છાત્રોએ તેમની રીતે જ જવાબો લખ્યા છે તેમ જાણવા મળ્યું હતું.

ગ્રામ્ય વિસ્તારોના છાત્રોને મુશ્કેલી
અંતરિયાળ ગામોમાં મોબાઇલ નેટવર્કની સમસ્યા છે તેવામા વ્હોટ્સેપ પર મુકાયેલા પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓ સુધી કેમ પહોંચ્યા હશે તે સવાલ છે અને પહોંચી પણ ગયા હોય તો તેની ઉત્તરવહી જે તે શાળામાં પહોંચાડવા માટે વાલીઓને હાલાકી થશે કેમ કે, હાલે મોટા ભાગે ગામડાઓમાં એસટી બસની સેવા બંધ છે.

ભુજમાં ટ્યૂશન ક્લાસ પર પણ વાલીઓની ભીડ
શહેરમાં એક શાળામા હોય તેટલા વિદ્યાર્થીઓ જેટલી મોટી સંખ્યા ધરાવતા ટ્યૂશન ક્લાસના સંચાલકે પણ છાત્રો માટે હોમ વર્કની નોટ બૂક આપવા અને લઇ જવાનો નિયમ બનાવ્યો છે. વાલીઓને ક્લાસ પર બોલાવાય છે તે દરમિયાન પણ ભીડ જામતી હોવાનું સૂત્રો કહી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...