તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અટકળો:પાલિકા ગટરની ચેમ્બર્સની મશીનથી સફાઈનો ઠેકો આપવાની વેતરણમાં

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મશીનના માલિકની ઝોળીમાં નાખવા અાખરી અોપ અપાયાની અટકળો
  • સ્થાનિકોને રોજગારી અાપવાને બદલે ઠેકેદારને જવાબદારી સોંપાશે

ભુજ નગરપાલિકાઅે ગટર શાખાના રાત્રિ સફાઈ કામદારોને છુટા કર્યા બાદ શહેરની ગટર સમસ્યા વકરી છે, જેથી સુપર સકર મશીન ભાડે રાખીને સફાઈ શરૂ કરાઈ છે. પરંતુ, અે પછી ઊલ્ટું સમસ્યા વકરી છે. જોકે, ભુજ નગરપાલિકા હજુ પણ સુપર સકર મશીનથી સફાઈ કરાવવાની વેતરણમાં છે અને સુપર સકર મશીનના માલિકની ઝોળીમાં ઠેકો નાખવા અાખરી અોપ અપાયાની અટકળોઅે જોર પકડ્યું છે.

ભુજ નગરપાલિકાની ગટર શાખામાં દિવસના ભાગે 45 જેટલા સફાઈ કામદારોને સવારે 7થી બપોરે 3 વાગ્યા સુધી 8 કલાક માટે ફિક્સ વેતનથી રોક્યા છે. વધારાના 25 માણસોને સાંજે અથવા રાત્રે સફાઈની કામગીરી માટે રોક્યા હતા. પરંતુ, અપૂરતા વેતનને કારણે કેટલાક કર્મચારીઅો બંને શિફ્ટમાં કામ કરતા હતા, જેથી ગેરરીતિની અાશંકાથી બપોર પછીની બીજી શિફ્ટના કર્મચારીઅોને છૂટા કરીને અાખેઅાખી સિફ્ટ જ રદ કરી દીધી. જે પછી અોછા સફાઈ કામદારોને કારણે કામનું ભારણ વધ્યું, જેથી 200 જેટલી વરધી પેન્ડિંગ થઈ ગઈ.

કાદવ કાઢવાની 195 જેટલી અને ઢાંકણા બદલવાની 90 જેટલી વરધીનો નિકાલ થયો નથી. જે વરધી દિવસોદિવસ વધતી જ જાય છે. અે દરમિયાન સુપર સકર મશીનથી ચેમ્બર્સ અને પાઈપની સફાઈ શરૂ કરી દેવાઈ છે. પરંતુ, ગટર સમસ્યા ઉકેલાવાને બદલે વકરી છે. કેમ કે, સુપર સકર મશીન 8 કલાકમાં માત્ર 7થી 8 ચેમ્બર્સ જ સાફ કરી શકે છે. બીજી બાજુ ભુજ નગરપાલિકા પણ સ્થાનિક લોકોને રોજગારી અાપવાને બદલે જિલ્લા બહારથી મંગાવેલા સુપર સકર મશીનથી જ સફાઈ કરાવવાની વેંતરણમાં છે.

સૂત્રોઅે જણાવ્યું હતું કે, રાતોરાત ટેન્ડિંગ પ્રક્રિયા કરીને ટેન્ડર મંગાવાય છે, જેમાં અેક જ પાર્ટી સુપર સકર મશીનના માલિકના જ બે ટેન્ડર અાવ્યા છે. અામ, 2020ના વર્ષમાં દિવાળી સમયે જે સુપર સકર મશીનની કામગીરી શંકાના દાયરામાં અાવી ગઈ હતી અને સુપર સકર મશીનને દોઢેક માસમાં પરત રવાના કરી દેવાયા હતા. અેજ સુપર સકર મશીનને પુન: સફાઈની કામગીરી સોંપાતા શંકા કુશંકાને હવા મળી છે. કેમ કે, જે કામ 25 સફાઈ કામદારો દ્વારા મહિને 2થી 2.5 લાખમાં થઈ જતું હતું અેજ કામ હવે મહિને 18.90 લાખના ખર્ચે જશે. ટૂંકમાં સ્થાનિકોની રોજગારી છિનવીને જિલ્લા બહારને લાખો કરોડ રૂપિયા ધરી દેવાશે. જેની પાછળ કયા પરિબળો કામ કરી ગયા છે અે અેક સંશોધનનો વિષય થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...