તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • In Rural Areas, Members Were Elected Only To Give Consent To The Development Works Of The 15th Finance Commission Grant!

ચૂંટણી:ગ્રામિણ વિસ્તારમાં 15મા નાણાપંચની ગ્રાન્ટના વિકાસ કામોમાં માત્ર સંમતિ આપવા જ જાણે સદસ્યો ચૂંટાયા !

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહીવટી અધિકારીઓએ નક્કી કરેલા કામોમાં લોક પ્રતિનિધિઓની ભૂમિકા આંગળી ઊંચી કરવા પૂરતી
  • માજી વિપક્ષીનેતાએ પંચાયતી રાજ ભાંગી નાખવાનો પ્રયાસ ગણાવ્યો

જિલ્લા પંચાયતના માજી વિપક્ષીનેતા વી. કે. હુંબલે માધ્યમોને માહિતી આપતા જણાવ્યું હતું કે, 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસ કામો વહીવટી અધિકારીઓ નક્કી કરવાના છે અને ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ માત્ર સંમતિ આપવા આંગળી ઊંચી કરવા પૂરતા જ ઉપયોગમાં લેવાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારે પંચાયતી રાજને ખતમ કરી નખવા વહીવટી અધિકારીઓને વિકાસ કામો નક્કી કરવાની સત્તા સુપરત કરી દીધી છે! વિપક્ષીનેતા વી. કે. હુંબલે વધુ પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, દરેક નાણા પંચનો સમયગાળો પાંચ વર્ષનો હોય છે.

નાણાપંચ મારફતે ગામડામાં વિકાસ કાર્યો કરવાની નીતિ નક્કી કરવામાં આવે છે, જેમાં 14માં નાણાપંચ સુધી ગ્રામ્ય વિસ્તારોમાં 100 ટકા નાણાની ફાળવણી કરવામાં આવતી હતી. પરંતુ, 15માં નાણાપંચમાં ગ્રામ્ય વિસ્તારની ગ્રાન્ટમાં કાપ મૂકી 70 ટકા કરવામાં આવી છે. બાકી 30 ટકામાંથી તાલુકા પંચાયતોને 20 ટકા અને જિલ્લા પંચાયતને 10 ટકા ગ્રાન્ટ ફાળવવાની નીતિ ઘડવામાં આવી છે. અગાઉ નાણાપંચની ગ્રાન્ટના કામો મંજુર કરવાની સત્તા તાલુકા અને જિલ્લા પંચાયતોની સામાન્ય સભાની હતી, જેમાં દરેક ચૂંટાયેલા સદસ્યોના સૂચનો મુજબ દરેક વિસ્તારોમાં કામો થાય એ રીતનું આયોજન કરવામાં આવતું હતું.

પરંતુ, 15માં નાણાપંચની 2021ની 9મી ઓગસ્ટથી જોગવાઈ બદલી દેવાઈ છે, જેમાં હવેથી ગ્રામ્ય વિસ્તારોના કામો વહીવટી અધિકારીઓની સમિતિ નક્કી કરશે. જે કામોને તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મૂકવામાં આવશે. ચૂંટાયેલા સદસ્યોની ભૂમિકા માત્ર હાથ ઊંચા કરી બહાલી આપવાની પૂરતી રહી ગઈ છે. કદાચ સામાન્ય સભા બહાલી ન આપે તો પણ વહીવટી અધિકારીઓએ નક્કી કરેલા કામોને ઉપલી કચેરી મંજુરી આપી દેશે. આમ, ચૂંટાયેલા સદસ્યોને અપમાનજનક સ્થિતિમાં મૂકી દેવાયા છે.

આયોજન સમિતિના 13 સભ્યોમાંથી 12 સદસ્યો વહીવટી અધિકારી
15માં નાણાપંચની જોગવાઈ મુજબ તાલુકા પંચાયત આયોજન સમિતિના કુલ 13 સભ્યોમાંથી એક માત્ર તાલુકા પંચાયતના પ્રમુખ સિવાય બાકીના 12 સદસ્યો જુદા જુદા વિભાગના વહીવટી અધિકારીઓ રાખવામાં આવ્યા છે. એવી જ રીતે જિલ્લા પંચાયતની આયોજન સમિતિમાં કુલ 16 સભ્યો હશે, જેમાં પણ પ્રમુખ સિવાયના 15 સભ્યો વહીવટી અધિકારી હશે. આમ, વહીવટી અધિકારીઓ સમગ્ર કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ કામો માટેનો પ્લાન તૈયારી કરીને સામાન્ય સભામાં મૂકશે. જેને ચૂંટાયેલા સદસ્યોએ આંગળી ઊંચી કરી માત્ર બહાલી જ આપવાની રહેશે. બહાલી નહીં આપે તો પણ કામો મંજુર થઈ થશે.

ઉદેશનો ઉડશે છેદ : મનરેગા કામોમાં મજુરોની જ બાદબાકી
વહીવટી અધીકારીઓએ સૂચવેલા કામો પૈકી અમુક કામો 2થી 3 કરોડના લેવામાં આવ્યા છે. જેની સાથે મનરેગા યોજનાની ગ્રાન્ટ પણ જોડવામાં આવી છે, જેથી મનરેગાના કામો મજુરોને બદલે ઠેકેદારની મશીનરીથી કરવામાં આવશે, જેમાં મનરેગાનો મજુરોને રોજીરોજી આપવાનો મૂળ ઉદ્દેશનો જ છેદ ઉડી જશે.

પદાધિકારીઓની બેઠકમાં આરોગ્ય ચેરમેન અને ઉપપ્રમુખની ગેરહાજરીથી અટકળોનું બજાર થયું ગરમ

સદસ્યોને 12 લાખના કામ સૂચવાશે પણ સામાન્ય સભામાં લેવાશે નહીં !
કચ્છ જિલ્લા પંચાયતની ગુરુવારે સામાન્ય સભા મળવાની છે, જેમાં 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસ કામોને બહાલી આપવાની છે. પરંતુ, ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓએ સૂચવેલા કામોની જ બાદબાકી થઈ જવાની છે, જેથી ગુરુવારે શાસક પક્ષના ચૂંટાયેલા સદસ્યોની બેઠક બાદ શનિવારે વિવિધ સમિતિના ચેરપર્સનની બેઠક મળી હતી. જોકે, આરોગ્ય ચેરમેન અને ઉપપ્રમુખની ગેરહાજરીથી અટકળોનું બજાર ગરમ રહ્યું હતું.
સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વહીવટી અધિકારીઓએ ગામડામાં વિકાસકામોની ફાઈલ તૈયાર કરી લીધી હતી, જેમાં ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓએ સૂચવેલા વિકાસ કામો લેવાયા ન હતા, જેથી 15મા નાણાપંચમાં વિકાસ કામોની જોગવાઈની સમજ આપવા ગુરુવારે બેઠક બોલાવાઈ હતી. પરંતુ, બેઠકમાં અગાઉથી તૈયાર કરી રાખેલી વિકાસ કામોની દરખાસ્તો ઉપર સંમતિ આપવા કહેવાયું હતું, જેથી સદસ્યો નારાજ થયા હતા. જે બાદ શનિવારે વિવિધ સમિતિના ચેરમેનને સમજ આપવા પણ બેઠક મળી હતી, જેમાં ચૂંટાયેલા દરેક સદસ્યને 12-12 લાખના કામો સૂચવવા કહેવાશે એવી માહિતી અપાઈ હતી. પરંતુ, સામાન્ય સભાનો એજન્ડા અગાઉથી તૈયાર થઈ ગયો છે એટલે સામાન્ય સભા કામોનો સમાવેશ કરાશે કે કેમ એ પ્રશ્ને મગનું નામ મરી પડાયું ન હતું. આમ, વિકાસ કામોને બહાલી આપવા મુદ્દે સામાન્ય સભાનો એજન્ડા તૈયાર થઈ જાય અને ત્યારબાદ ચૂંટાયેલા સદસ્યોની બેઠક બોલાવાય, જેમાં વહીવટી અધિકારીઓ વિકાસ કામોની દરખાસ્તો ખુલ્લી પાડે એ વાતે સદસ્યો અપમાન અનુભવી રહ્યા છે. બીજી બાજુ માજી વિપક્ષીનેતાએ પંચાયતી રાજ ખતમ કરવાની નીતિ ગણાવી છે. પરંતુ, હાલના વિપક્ષીનેતા કે ચૂંટાયેલા વિપક્ષી સદસ્યો માૈન ધરી બેઠા છે, જેથી સામાન્ય સભામાં એમની ભૂમિકા મુદ્દે રહસ્ય સર્જ્યું છે.

લોકો દ્વારા ચૂંટાયેલા સદસ્યો સાથે સંકલન નથી કરાયું
નવાઈની વાત એ છે કે, જિલ્લા પંચાયતના વહીવટી અધિકારીઓ દ્વારા અનટાઈડના કામો કે જેમાં કુલ 47 કામો માટે 7 કરોડ 41 લાખ રૂપિયા, અનટાઈડના કામો કે જેમાં કુલ 18 કામો માટે 14.50 કરોડ રૂપિયાના વિકાસ કામો નક્કી કરી લેવામાં આવ્યા છે. પરંતુ, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો સાથે સંકલન કરવામાં આવ્યું નથી કે વિશ્વાસમાં પણ લેવાયા નથી. આમ જમીની સ્તરેથી કામો કરતા ચૂંટાયેલા સદસ્યોની ઉપેક્ષા કરાઈ છે અને એરકન્ડિશન ચેમ્બરમાં બેઠેલા વહીવટી અધિકારીઓને મનમાનીની છૂટ અપાઈ છે. જે જિલ્લા પંચાયતની આગામી ગુરુવારે મળનારી સામાન્ય સભામાં બહાલી અપાવાની છે. પરંતુ, વિપક્ષ સાથે શાસક પક્ષના સદસ્યોમાં નારાજગી પ્રવર્તી રહી છે.

અન્ય સમાચારો પણ છે...