દેશલસર તળાવમાંથી ચોમાસા પહેલા ગટરના મલિન પાણી બહાર કાઢવાના છે. પરંતુ, નગરપાલિકા પાસે હાઈ ડિવોટરિંગ મશીન હતું નહી, જેથી નગરપતિઅે વિધાનસભા અધ્યક્ષાને પરિસ્થિતિથી વાકેફ કર્યા બાદ વિધાનસભા અધ્યક્ષાઅે ગુજરાત વોટર રિસર્ચ ડેવલોપમેન્ટ કોર્પોરેશન જોડે બેઠક યોજી ટોકન ચાર્જે અપાવવા સમજાવ્યા છે, જેથી 15 કલાકમાં 1.44 કરોડ લિટર પાણી ખેંચી શકાશે.
ચેન્નઈની બિનસરકારી સંસ્થાઅે દેશલસર તળાવમાંથી અનિચ્છનીય વનસ્પતિ જળકુંભી ઉખેડી ફેંક્યા બાદ તળાવમાંથી ગટરના ગંદા પાણી ખેંચી બહાર કાઢવા નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કર પાસે રજુઅાત કરી હતી, જેથી સુશોભનનું કામ અાગળ ધપી શકે. અે ઉપરાંત તળાવની અંદર પથરાયેલી ગટરની ચેમ્બર ઊંચે લેવાનું કામ કરવાનું હતું, જેથી તળાવમાંથી ગટરનું મલિન પાણી ખેંચી બહાર કાઢવું જરૂરી હતું.
જે માટે હાઈ ડિવોટરિંગ મશીનની જરૂર હતી. જે ગુજરાત વોટર રિસર્ચ ડેવલોપમેન્ટ કોર્પોરેશન પાસે હતું. જેમની પાસેથી વિના મૂલ્ય મશીન અપાવી દેવા નગરપતિઅે વિધાનસભા અધ્યક્ષા ડો. નિમાબેન અાચાર્ય પાસે રજુઅાત કરી હતી, જેથી ડો. નિમાબેને બંને વચ્ચે બેઠક યોજી જી.ડબ્લ્યુ.અાર.ડી.અેસ.ને સમજાવવામાં સફળતા મેળવ્યાના હેવાલ છે.
33 લાખ રૂપિયા ખર્ચવાની નોબત નહીં અાવે
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગુજરાત વોટર રિસર્ચ ડેવલોપમેન્ટ કોર્પોરેશન ચોમાસાની ઋતુમાં સિંચાઈ વિભાગને શહેરમાંથી વરસાદી પાણી ખેંચવા અાપે છે. પરંતુ, અન્ય ઋતુમાં જોઈઅે તો 33 લાખ રૂપિયા ભાડું વસુલે છે. પરંતુ, લોક હિત અને સ્વાસ્થ્યનો પ્રશ્ન હોઈ કોર્પોરેશને હકારાત્મક વલણ અપનાવ્યાના હેવાલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.