ભુજમાં જૂની રાવલવાડી પાસે ગણેશ મંદિરની અાસપાસના રહેણાક વિસ્તારના માર્ગોના મંજુર થયેલા 5માંથી 2 કામ કરી બાકીના 3 કામ રદ કરી દેવાતા રહેવાસીઅો સોમવારે ભુજ નગરપાલિકામાં ધસી અાવ્યા હતા, જેમાં મહેશ્વરી સમાજે માજી નગરપતિ અશોક હાથીને પણ સાથે રાખ્યા હતા, જેથી પ્રમુખ ઘનશ્યામ રસીક ઠક્કરે અન્ય ગ્રાન્ટમાંથી રકમ ફાળવી સત્વરે હાથ ઉપર લેવા ખાતરી અાપી હતી.
ભુજ નગરપાલિકાની ગત બોડીના કારોબારી ચેરમેન ભરણ રાણાઅે નાણાપંચની ગ્રાન્ટમાંથી માર્ગોના કામો મંજુર કર્યા હતા. પરંતુ, ચાલુ સમિતિના ચેરમેન જગત વ્યાસે ગ્રાન્ટના અભાવે રદ કર્યા છે, જેમાં રાવલવાડી વિસ્તારના કામો પણ ટલ્લે ચડી ગયા છે, જેથી રાવલવાડી મહેશ્વરી સમાજના પ્રમુખ અને મંત્રી સાથે અગિયાર જેટલા અાગેવાનો અાવ્યા હતા. જેમણે પાણી અને રસ્તાની રજુઅાત કરી હતી. જેમની સાથે હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા જોડાયા હતા, જેમણે લેખિત અને માૈખિકમાં જણાવ્યું હતું કે, વોર્ડ 8ના 2019માં રોડના કામો માટે ગ્રાન્ટ ફાળવાઈ હતી. પરંતુ, કામો થયા નથી, જેથી મંજુર થયેલી ગ્રાન્ટની રકમ ક્યાં વાપરવામાં અાવી છે. અેવો સવાલ કર્યો હતો. જે વિસ્તારમાં પછાત વર્ગના લોકો રહે છે, જેથી સાંસદ, ધારાસભ્ય અને ભુજ તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી પણ વિકાસ કામો કરી શકાય. જો વિકાસ કામો 8 દિવસમાં શરૂ કરવામાં નહીં અાવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાળ સહિતના કાર્યક્રમો અાપશું. જોકે, પ્રમુખે માૈન વ્રત રાખ્યો હતો, જેથી માજી નગરપતિઅે બંને પક્ષે સંકલન સાધી હતી, જેમાં પ્રમુખે અન્ય ગ્રાન્ટમાંથી કામો હાથ ઉપર લેવા ખાતરી અાપી હતી.
વાહનો સાથે પોલીસ બંદોબસ્ત
રજુઅાત સમય કોઈ અનિશ્ચનીય ઘટના ન બને અેટલા માટે અગાઉથી જ વાહનો સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જોકે, રજુઅાત કરવા 8થી 10 વ્યક્તિ અાવી હતી અને શાંતિપૂર્વક રજુઅાત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.