અબડાસાની પેટા ચુંટણીને માત્ર દસ દિવસ છે, ત્યારે ગુરુવારે તાલુકા મથક નલિયા ખાતે જાહેર સભા સંબોધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પ્રદ્યુમનસિંહ ચુંટાઈ આવશે તો જે ઈચ્છશે તેનાથી સવાયું કામ થશે. તેઓ ભાજપના જ હતા, કોંગ્રેસમાં ધારાસભ્ય રહ્યા બાદ તેમને સમજાયું કે, વિકાસના કામ કોંગ્રેસમાં રહીને નહિ થાય માટે ફરીથી ભાજપમાં જોડાયા છે.
નવરાત્રિ પર્વ દરમિયાન ગુજરાતની આઠકોમાંથી નંબર વન અબડાસા સીટ પર આગામી ત્રણ તારીખે યોજાનાર પેટા ચુંટણીમાં અબડાસાના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહને જંગી બહુમતીથી વિજયી કરવા અપીલ કરતા સીએમ રૂપાણીએ કોંગ્રેસની નિષ્ફળતાઓ અને તેમની સરકારની સફળતાઓ જણાવી હતી. છેલ્લા બે વર્ષમાં 15 કોંગી ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી. અનેક મોરચે નિષ્ફળ ગયેલી કોંગ્રેસની કબર પર છેલ્લો ખિલ્લો મારી સમાપ્ત કરવાની વાત કહી હતી. ગુજરાતની ભાજપ સરકાર પશુઓની ચિંતા કરી, દુષ્કાળ વર્ષમાં દસ મહિના સુધી બે રૂપિયે કિલો ઘાસ અને પશુદીઠ 75 રૂપિયા સબસિડી આપી છે. તો દૂધ ઉત્પાદન વધે અને સારા ભાવ મળે તે માટે ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની યોજના અમલી બનાવી છે. ભાજપની સરકાર ખેડૂત, પશુપાલકો, ગરીબોની સરકાર છે.
ટેકાના ભાવે ખરીદી કરી ખેડૂતોને બેઠો કરવા છેલ્લા બે વર્ષમાં 15 હજાર કરોડની ખરીદી કરી. વીર અબડાની ભૂમિ નલિયા ખાતે સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજાયેલી સભામાં સીએમએ કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું હતું કે, મુસ્લિમોના હિતની વાત કરતી કોંગ્રેસ ક્યારેય તેમનું હિત નથી જોયું. લેન્ડ ગ્રેબીંગ એક્ટ અને ગુંડાઓ વિરુદ્ધ કડક કાયદા ઘડવામાં આવ્યા છે. નખત્રાણા, લખપત અને અબડાસાના અનેક પ્રશ્નો છે, જે આગામી દિવસોમાં ઉકેલવાની ખાતરી આપી હતી. જોકે તેમણે પશ્ચિમ કચ્છ (અબડાસા મત વિસ્તાર)ને પીડતા નર્મદાના નીર સહિતના પ્રદ્યમનસિંહે અગાઉ ઉઠાવેલા પાંચ પ્રશ્નોનો ક્યાંય ઉલ્લેખ કર્યો ન હતો. મુખ્યમંત્રી સાથે કચ્છ અબડાસા બેઠકના પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કે.સી પટેલ, અને કચ્છના પ્રભારી દિલીપ ઠાકોર સાથે સાંસદ પરબત પટેલ,નરહરી અમીન, બળવંતસિંહ રાજપુત તથા કચ્છ અને મોરબીના સાંસદ વિનોદ ચાવડા, સ્થાનીક કચ્છના ધારાસભ્યો સભામાં ઉપસ્થિત રહ્યા હતા. ખુલા મેદાનમાં આઠસો જેવી સીમિત જનસંખ્યા વચ્ચે જાહેરસભા યોજાઈ હતી.
ગુંડા તત્વોની ખેર નથી - આ ઈભલા શેઠનું નહિ, ગાંધીનું કચ્છ છે
નલિયામાં જાહેર સભા સંબોધતા મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ રાજ્યમાં ગુંડાગીરી ચલાવી લેવામાં નહિ આવે, કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે, તેવું કહી અગાઉ પણ કચ્છમાં બે વખત ચુંટણી પ્રચાર વખતે ઉલ્લેખ થયો હતો તે જ દોહરાવી અને સૂચક રીતે કહ્યું હતું કે, આ ઇભલા શેઠનું નહિ, પણ ગાંધીનું કચ્છ છે. સાત વર્ષની જેલ સુધીના કડક કાયદા ઘડાયા છે. જેનું સખત પાલન થશે. અહીં એ નોંધનીય છે કે હાજી ઇબ્રાહિમ મંધરા ઉર્ફે ઇભલા શેઠ સામે 1980ના દાયકમાં કસ્ટમ અને પોલીસ દ્વારા ચાંદીની દાણચોરીના અનેક કેસ થયા હતાં. જોકે તેમના મૃત્યુ પર્યન્ત એક પણ કેસ સાબિત થયો ન હતો. આમ છતાં ઇભલા શેઠનું નામ ગુજરાતમાં દાણચોરી ક્ષેત્રે ગાજતુ રહ્યું હતું. આ પૂર્વે 2019માં લોકસભાની ચૂંટણી વખતે રાપર આવેલા તત્કાલિન ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ઇભલા શેઠ વિરૂદ્ધ અભદ્ર ટીપ્પણી કરી હતી.
કોરોના ગાઇડલાઇનનું પાલન - મોદીની શિખામણ ઝાંપાની બહાર પણ પળાઇ
વડાપ્રધાન મોદીએ ગુરૂવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક સહિતની શિખામણો આપી હતી. નલિયાની જાહેર સભામાં તેનું મહદઅંશે પાલન થયેલું દેખાયું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.