પોલીસની કાર્યવાહી:મુન્દ્રામાં અનાજનો સરકારી જથ્થો બારોબાર વેચાણનું કારસ્તાન પકડાયું

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પુરવઠા તંત્રનું કામ પોલીસે કર્યું : પેરોલ ફર્લો સ્કવોડની ટીમે 5.2 ટન ઘંઉ, 4.4 ટન ચોખા સહિતનો 2.49 લાખનો જથ્થો કબજે કર્યો
  • ગોડાઉનમાં સરકારી જથ્થોબીજી પેકિંગમાં ફેરબદલ થતો હતો ને પોલીસ ત્રાટકી : ગોડાઉનમાંથી ત્રણ મજુરો, રાશનકાર્ડ, લેપટોપ, ફિંગર પ્રિન્ટ મશીન, વાઇફાઇ મોડેમ અને પેકિંગ મશીન મળી આવ્યું

મુંદરાના ગુંદી ફળીયામાં સરકારી અનાજની પેકિંગે બદલાવી બારોબાર વેંચવાનું કારસ્તાન સામે આવ્યું છે. રેન્જ આઇજીની પેરોલ ફરલો સ્કવોડની ટીમ ગોડાઉનમાં ત્રાટકી હતી જયાં ઘંઉ, ચોખા સહિતનો જથ્થો તેમજ ત્રણ મજુરો, વાઇફાઇ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

પેરોલ ફરલો સ્કવોડની ટીમે બાતમી આધારે મુન્દ્રા ગુંદી ફળીયામાં સસ્તા અનાજની દુકાન ધરાવતા વિરાટ સંપત મહેતાના ગોડાઉનમાં ત્રાટકી હતી. જયાં સરકારી અનાજનો જથ્થો સાદી પેકિંગમાં ફેરબદલ કરાતો હતો, ત્રણ મજુરો આ કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેમની પુછપરછ કરતા આ સરકારી જથ્થો ગોડાઉનમાં અન્ય પેકિંગમાં ફેરબદલ કરવાનું કામ ચાલુ છે તેમ કહ્યું હતું અને અન્ય બોરીઓ ગાડીમાં પડી હોવાની કેફીયત આપી હતી.

પોલીસને ગોડાઉનમાંથી 5200 કિલો ઘંઉ કિંમત 1,04,000 તેમજ 4400 કિલો ચોખા કિંમત 92400, 550 કિલો ચણા કિંમત 22 હજાર, ભારતીય ખાદ્ય નીગમના ખાલી બારદાન 160 કિંમત 1600, 68 રેશનકાર્ડ, લેનોવો કંપનીનું લેપટોપ કિંમત 25 હજાર, ફિંગર પ્રિન્ટ મશીન 1 હજાર, વાઇફાઇ મોડેમ કિંમત 1 હજાર, બારદાન સીલ કરવાનું મશિન કિંમત 2 હજાર મળી 2,49,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો બીજી તરફ, ગોડાઉનમાં જુણસ સાલેમામદ જુણેજા, રફીક મામદ સમેજા અને શાહબાજ નીરજાઅલી ખોજા (રહે. તમામ મુંદરા)વાળા મજુરી કામ કરતા હતા.

ડિજિટલાઇજેશન છતાંય લોકોનો જથ્થો સગેવગે !
સરકારી જથ્થો બારોબાર વેચાતો હોવાની ફરિયાદોને કારણે સરકારે આ કામગીરીમાં પણ ડિજિટલાઇઝેશન કરી દીધું છે. રાશનકાર્ડ ધારક સરકારી દુકાને આવીને ફિંગર પ્રિન્ટ કરે બાદમાં જ જથ્થો ઓનલાઇન રેકર્ડમાં નોંધાય છે અને એટલો જથ્થો દુકાનધારકને મળે છે. ગોડાઉનમાંથી જે રેશનકાર્ડ મળી આવ્યા છે તેમનો જથ્થો ગણવા જઇએ તોય એટલો આંક ન પહોંચે. આવા કેટલાય રાશનકાર્ડ ધારકોનો જથ્થો આવી રીતે સગેવગે કરી દેવા માટે ફિંગરપ્રિન્ટ ચોરાવી લેવાઇ હોવાનો અંદાજ છે.

પોલીસને દરોડામાં પંચનામું કરતા ચાર કલાક લાગ્યા
મુંદરાના આ ગોડાઉનમાં દરોડો પાડતા મજુરો દેખાયા હતા જેમની પુછપરછ કરતા સમગ્ર કેફીયત આપી દીધી હતી. સરકારી માર્કાવાળા બારદાનમાંથી આ જથ્થો સાદા કોથળાઓમાં પેકિંગ કરવાની કામગીરી તેમના શેઠના કહેવા મુજબ કરવામાં આવી રહી છે. પોલીસે તમામ જથ્થો ગણવામાં તેમજ પંચનામા સહિતની કામગીરી કરવામાં ચાર કલાક લાગ્યા હતા.

મુખ્ય સુત્રધાર પકડાયા બાદ આ પ્રશ્નો પરથી પડદો ઉંચકાશે

  • મોટી માત્રામાં જથ્થો પુરવઠા કચેરીએથી અહીં કેવી પહોંચ્યો ?
  • આ પ્રકરણમાં અન્ય કોની કોની સંડોવણી છે ?
  • ગોડાઉનમાંથી મળેલા રાશનકાર્ડ માત્ર કાગળ પર છે કે શું ?
  • 68 રાશનકાર્ડ અહીં કેવી રીતે પહોંચ્યા ?
અન્ય સમાચારો પણ છે...