લડતના મંડાણ:કચ્છમાં નર્મદાના નીર મુદ્દે કિસાનો પાણી બતાવશે: આજે તાલુકા મથકોએ ધરણા

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક મીલિયન એકર ફીટ પાણી માટે લડતના મંડાણ
  • દયાપરના વેપારીઅો 11થી 1 ધંધા-રોજગાર બંધ રાખશે: 2006થી વહીવટી મંજુરી મુદ્દે માત્ર લોલીપોપ

કચ્છને એક મીલિયન એકર ફીટ પાણી સત્વરે મળે અને અટકેલા કામોને તાત્કાલિક વહીવટી મંજૂરી મળે તે માટે સરકારને ઢંઢોળવા માટે કચ્છના કિસાનો પાણી બતાવશે અને તા.3-1, સોમવારના તાલુકા મથકોઅે ધરણા કરશે. દયાપરના વેપારીઅોઅે ખેડૂતોની લડતને ટેકો અાપી સોમવારના બપોરે 11થી 1 વાગ્યા સુધી પોતાના ધંધા-રોજગાર બંધ રાખશે.

નર્મદાના નીર કચ્છને સત્વરે મળે તે માટે ભારતીય કિસાન સંઘ-કચ્છ દ્વારા અનેક વખત રજૂઅાતો કરાઇ છે તેમ છતાં સરકારના બહેરા કાને સંભાળતું ન હોય તેમ નર્મદાના પાણી કચ્છમાં ઝડપભેર મળતા થાય તે દિશામાં નક્કર પગલા ભરાતા નથી. તાજેતરમાં જ ખેડૂતોઅે નર્મદા મૈયાની અારતી ઉતારીને લડતનું રણશિંગુ ફૂંક્યું હતું અને તે લડતને અાક્રમક બનાવવાની સાથે અાગળ ધપાવતાં નિંદ્રાધીન સરકારને ઢંઢોળવા માટે તાલુકા મથકોઅે મામલતદાર કચેરી સામે 3 કલાક ધરણા કરવામાં અાવશે.

કચ્છ જિલ્લા કિસાન સંઘના ઉપપ્રમુખ ભચાભાઇ માતાઅે સોશિયલ મીડિયા મારફતે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, ખેતી, સરહદ અને પશુધનને બચાવવા હશે તો કચ્છને હક્કના નર્મદા નીર અનિવાર્ય છે. 2006માં મોદી સરકારે નર્મદાના કામોને સૈધ્ધાંતિક મંજૂરી અાપી હતી અને ફરીથી રૂપાણી સરકારે પણ સૈધ્ધાંતિક મંજૂરી અાપી છે પરંતુ વહીવટી મંજૂરી અપાતી નથી, જેથી સત્વરે વહીવટી મંજૂરી સાથે કામો યુધ્ધના ધોરણે શરૂ કરવામાં અાવે તેવી માંગ સાથે ખેડૂતો ધરણા કરશે. તેમણે કચ્છના તમામ સમાજના લોકો, વિવિધ સંસ્થાઅો, સંગઠનો વગેરેને અા ધરણામાં જોડાવવા અપીલ કરી હતી.

નર્મદાના પાણીના કામોમાં ગતિ નહીં અાવે તો અાંદોલન
રાપરના ધારાસભ્ય સંતોકબેન ભચુભાઇ આરેઠિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી જીતુભાઈ ચૌધરી, કચ્છ કલેક્ટર વગેરેને લેખિત રજૂઅાત કરી જણાવ્યું હતું કે, કચ્છમાં નર્મદાના પાણીના કામોમાં ગતિ જણાતી નથી. જિલ્લા સરહદી ગામો સુધી પાણી પહોચાડવું અતિ આવશ્યક છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ બાબત અતિ ગંભીર હોઈ તાત્કાલિક છેવાડાના ગામોમાં પાણી નહી પહોચાડાય તો સરહદી ગામો ખાલી થઈ જશે. કચ્છને નર્મદાનાં વધારાના એક મીલિયન એકર ફીટ પાણી પહોચાળવા માટે 3475 કરોડ ફાળવવાની જાહેરાત છતાં આજ સુધી તેની વહીવટી મંજુરી અપાઈ નથી, જેથી સત્વરે વહીવટી મંજૂરી નહીં
અપાય તો અાંદોલન કરાશે.

ભુજમાં ટીનસિટી ખાતે વિવિધ મુદ્દાઓ પર તાલુકા સંઘ છેડશે આંદોલન
ખેતી વાડીમાં વીજ મીટર મરજીયાત કરવા, પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર આપવા અને નર્મદાના વધારાના પાણી માટે વહીવટી મંજૂરી આપવાની માગ સાથે તા. 3 ડિસેમ્બરે ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘ સવારે 10થી2 ટીન સીટી ગ્રાઉન્ડ ભુજમાં ધરણા કરશે.

અન્ય સમાચારો પણ છે...