તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:કચ્છમાં 94 હજાર મા કાર્ડની મુદત પૂર્ણ, રિન્યૂનું કામ ટલ્લે ચડશે

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે સમગ્ર રાજ્યમાં રાતોરાત મા કાર્ડની કામગીરી બંધ કરી
  • કોરોના મહામારી વચ્ચે આર્થિક રીતે નબળા લોકોની મુશ્કેલી વધી

સરકારે સમગ્ર રાજ્યમાં મા કાર્ડની કામગીરી રાતોરાત બંધ કરી દેતાં કચ્છમાં 94 હજાર જેટલા મા કાર્ડ રિન્યૂ ન થઇ શકતાં કોરોના વચ્ચે આર્થિક રીતે નબળા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.મુખ્યમંત્રી અમૃતમ્ યોજના-મા યોજના હેઠળ દરેક કુટુંબના 5 વ્યક્તિઓને કેન્સર, હૃદયરોગ સહિતની બીમારીઓમાં દર વર્ષે 2 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. આ માટે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં અમુક હોસ્પિટલો પણ નિયત કરવામાં આવી છે. આ યોજના રોજેરોજનું કમાઇને ખાતા લોકો માટે આશીર્વાદરૂપ હતી. કાર્ડની મુદત ત્રણ વર્ષની હોય છે, ત્યારબાદ રિન્યૂ કરાવવાના હોય છે.

જો કે, ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં મા કાર્ડ માટેની કામગીરી રાતોરાત બંધ કરી દેતાં કચ્છમાં 94 મા કાર્ડ રિન્યૂ કરવાના બાકી છે અને નવા કાર્ડ પણ નહીં બને.સરકારે કોરોના દર્દીઓને પણ 50 હજાર સુધીની સારવાર મા કાર્ડ હેઠળ વિનામૂલ્યે આપવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો જો કે, તેની અમલવારી તો માત્ર કાગળ ઉપર જ હતી.

તેમ છતાં કોરોના સિવાય અન્ય બીમારીઓ માટે મા કાર્ડ લોકો માટે આશીર્વાદરૂપ હતું, જેની કામગીરી બંધ કરાતાં લોકોની મુશ્કેલી વધી ગઇ છે.સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજ્યના આરોગ્યના અગ્રસચિવ જયંતી રવિની ઓચિંતી બદલી બાદ ઉપરી કક્ષાએ ઉભી થયેલી ખટપટના કારણે આ મા કાર્ડ માટેની કામગીરી ઓચિંતી બંધ કરી દેવાઇ છે.

રિન્યૂ માટે આવકનો દાખલો અનિવાર્ય જો કે, જનસેવા કેન્દ્રો હતા બંધ
મા કાર્ડ રિન્યૂ કરવા માટે આવકનો દાખલો અનિવાર્ય છે પરંતુ કોરોનાના પગલે જનસેવા કેન્દ્રો બંધ હતા, જેથી આવકનો દાખલો મળવો મુશ્કેલ બન્યો હતો. તા.1-6થી જનસેવા કેન્દ્રો તો શરૂ થયા છે પરંતુ તા.31-5ના રાતોરાત મા કાર્ડની કામગીરી સરકારે બંધ કરી દેતાં મુદત પૂર્ણ થઇ ગઇ હોય તેવા 94 હજાર મા કાર્ડ રિન્યૂ નહીં થઇ શકે કે, નવા કાર્ડ નહીં બને.

હવેથી આ કામગીરી એજન્સી નહીં તંત્ર કરશે
આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી માઢકનો સં૫ર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, મા કાર્ડ માટેની કામગીરી હવેથી ખાનગી એજન્સીને નહીં સોંપાય પરંતુ તંત્ર પોતે કરશે, જેના પગલે હાલ પૂરતી આ કામગીરી બંધ કરાઇ છે. કચ્છમાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં મા કાર્ડને લગતી કામગીરી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...