કચવાટ ફેલાયો:કચ્છમાં રજાના દિવસે રસીકરણ વખતે ગેરહાજર 38 કર્મીઓના પગાર કપાયા

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત ફરજ બજાવતા આરોગ્ય સ્ટાફનો પગાર કપાત થતા કચવાટ ફેલાયો
  • ​​​​​​​રવિવારની ડ્રાઇવમાં દરેક તાલુકામાં લાયઝનિંગ ઓફિસરના ચેકિંગ બાદ લેવાયા પગલાં

કચ્છ જિલ્લામાં પ્રથમ ડોઝ મુકાવનારા 3 લાખ જેટલા લાભાર્થીઓ મુદત વિતવા છતાં સેકન્ડ ડોઝ મુકાવવા માટે આગળ આવ્યા નથી. જેના પગલે તંત્ર દ્વારા હવે બીજા ડોઝની કામગીરી પર ખાસ ધ્યાન ફોક્સ કરવામાં આવ્યું છે.શનિવારે જિલ્લા પંચાયત ખાતે આ મુદ્દે બેઠક મળી હતી જેમાં રવિવારે બીજા ડોઝની કામગીરી માટે ખાસ હર ઘર દસ્તક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

સરકારી દવાખાના ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે જઈ સેકન્ડ ડોઝ ન મુકાવનારા લાભાર્થીઓને રસી આપવાના હતા. આ માટે 30 હજાર લોકોને રસી આપવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો.રવિવારે રજા હોવાથી લોકો ઘરે હાજર હશે તેવી આશાએ આ ડ્રાઇવ રાખવામાં આવી હતી.દરમ્યાન આ સાથે દરેક તાલુકામાં રસીકરણ અને કોરોના પરીક્ષણની કામગીરી પર મોનિટરીગ રાખવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લાયઝનિંગ અધિકારી મુકવામાં આવ્યા છે.

જેઓએ રવિવારની ડ્રાઇવ દરમ્યાન પોતાના તાલુકામાં ચેકિંગ કરતા પીએચસીમાં આરોગ્ય સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો હતો. જેથી તેઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા માટે 1 દિવસનો પગાર કપાત કરવામાં આવ્યો છે.કોરોનાકાળમાં રાત દિવસ ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓને ઇનામના બદલે એક દિવસનો પગાર કપાત કરવાની સજા આપવામાં આવતા ભારે કચવાટ ફેલાયો હતો.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકકુમાર માઢક દ્વારા લાયઝનિંગ ઓફિસર પાસેથી મળેલા અભિપ્રાય અન્વયે 38 જેટલા આરોગ્ય કર્મચારીઓના એક દિવસનો પગાર કપાત કરી કાયમી કર્મચારીઓની સેવાપોથીમાં આ બાબતની નોંધ દાખલ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

રાપર તાલુકામાં ભીમાસર ભૂટકીયા PHC તેમજ દેશલપર, રામવાવ-1, ત્રમ્બો, ફતેહગઢ, વલ્લભપર, આડેસર, ભચાઉ તાલુકામાં ધોળાવીરા, સામખીયાળી 02-04 અને શિકરા,અંજાર તાલુકામાં મેઘપર બોરીચી PHC,અબડાસામાં ખુદ THO ઓફિસના આયુષ તબીબ તેમજ તેરા અને વાયોર પીએચસી અને ભવાનીપર અને વરાડીયા સબ સેન્ટર,ભુજમાં માધાપર,નાગોર,દહીંસરા,નથ્થરકુઈ,સુખપર,માંડવીમાં કોટડી,વાંઢ અને દરશડી,નખત્રાણામાં તાલુકા હેલ્થ ઓફીસ,મંગવાણા,મંજલ,દેવપર,નિરોણા,મુન્દ્રામાં મોટા કાંડાગરા પીએચસીના વાંઢ અને દેશલપર ગામ સહિતના વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા ફરજ દરમ્યાન ગેરહાજર રહેનારા આયુષ તબીબ,મેલ અને ફિમેલ હેલ્થ સુપરવાઇઝર,ફાર્માસિસ્ટ સહિતનાને પગાર કપાતની સજા આપવામાં આવી હતી.

નોંધનીય છે કે,તાજેતરમાં આરોગ્ય કર્મચારીઓએ એવો નિર્ણય કર્યો હતો કે હવેથી તેઓ રવિવારે જાહેર રજા હોવાથી ફરજ બજાવશે નહિ. જેથી રવીવારે જિલ્લામાં રસીકરણની કામગીરી શૂન્ય રહેતી હતી પણ ડીડીઓ દ્વારા આરોગ્ય કર્મચારીઓને રવિવારે ફરજ બજાવવા માટે અનુરોધ કરવામાં આવતા રવિવારે જાહેર રજા હોવા છતાં સ્ટાફ દ્વારા ફરજ પર હાજર થઈ રસીકરણની કામગીરી કરવામાં આવી હતી.

રાપરના બે તબીબની સેવા સમાપ્ત કરવાનો હુકમ જાહેર,તંત્રએ કહ્યું ઉતાવળ થઈ ગઈ
રાપર તાલુકા હેલ્થ ઓફિસમાં ફરજ બજાવતા બે આયુષ તબીબની સેવા રવિવારે એકાએક સમાપ્ત કરી દેવામાં આવી હતી. ફરજ પ્રત્યે બેદરકારી,લાંબા સમયથી ફરજ પર બિનઅધિકૃત રીતે ગેરહાજર તેમજ કરાર આધારિત નિમણુંકની શરતોનો ભંગ થતો હોવાથી આયુષ તબીબ ડો.કપિલ વી.પટેલ અને ડો.નિધિ એ.પટેલના કરાર સમાપ્ત કરી સીડીએચઓ દ્વારા તેઓને ફરજમોકૂફ કરી દેવામાં આવ્યા હતા.

જેને પગલે આરોગ્ય કર્મચારીઓમાં સોંપો પડી ગયો હતો.જેથી આ બાબતે ડો.માઢકને પૂછતાં તેઓએ જણાવ્યું કે,રાપરના બે તબીબની સેવા સમાપ્ત કરવાનો હુકમનો કાગળ ઉતાવળ થઈ ગયો છે. આ મુદ્દે તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...