તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારસનું આ ચિત્ર સરસ નથી:કચ્છમાં ભૂતકાળમાં ૧૩ જગ્યાએ દેખાતા સારસ પક્ષી ચાલુ વર્ષે માત્ર નંદાસરમાં ચાર જ નોંધાયા !

ભુજ8 દિવસ પહેલાલેખક: રોનક ગજ્જર
  • કૉપી લિંક
સારસ બેલડી - Divya Bhaskar
સારસ બેલડી
  • નવ તાલુકામાં સર્વેક્ષણ હાથ ધરાયું હતું, 24 જેટલા સભ્યોની ટીમે કરી મથામણ
  • બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા યોજાઈ સારસ વસ્તી ગણતરી,બે દિવસ કરાયો સર્વે

સારસ પક્ષીની તાજેતરમા યોજાયેલી કચ્છમાં વસ્તી ગણતરીમાં માત્ર ચાર જ સારસની નોંધ થઇ છે.૯ તાલુકાના વિવિધ જળાશયોમાં આ વસ્તી ગણતરી હાથ ધરાઈ હતી. જો કે સારસનું આ ચિત્ર કચ્છમાં સરસ ન હોવાનું ફલિત થયું હતું.બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા આ વસ્તી ગણતરી યોજાઈ હતી જેમાં બે દિવસ સુધી વિવિધ ૯ તાલુકાઓમાં ૨૪ જેટલા સભ્યોની ટિમ કાર્યરત રહી હતી અને સારસ પક્ષીની નોંધ કરી હતી.આ સર્વેક્ષણમાં વન્યજીવ સાથે સંકળાયેલા સભ્યો અને વનવિભાગનો સ્ટાફ જોડાયો હતો.

બંને ડિવિઝનના ડીસીએફ મદદરૂપ બન્યા હતા.નોંધનીય બાબત છે કે ભારતમાં ઉત્તરાખંડ,રાજસ્થાન અને ગુજરાતમાં સારસની નોંધપાત્ર વસ્તી રહેલી છે.ખાસ કરીને મધ્યગુજરાતમાં તેની હાજરી મહત્વપૂર્ણ છે.આ વચ્ચે કચ્છમાં માત્ર ચાર જ સારસ રાપર વિસ્તારમાં નોંધાયા છે.વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડના આધિકારિક આંકડા અનુસાર ભારતમાં અંદાજિત ૧૫૦૦૦-૨૦૦૦૦ જેટલી સંખ્યામાં સારસ વસી રહ્યા છે જેની વૈશ્વિક વસ્તીનો અંદાજ ૨૫૦૦૦-૩૭૦૦૦ સુધી રહેલો છે.

વર્ષ 1976થી કચ્છમાં અત્યાર સુધી સારસની વસ્તી,1987માં રુદ્રમાતામાં 7 સારસ નોંધાયા હતા
બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા યોજાયેલી સારસ વસ્તી ગણતરીના ઝોનલ કોર્ડીનેટર અને વરિષ્ઠ પક્ષીનીરીક્ષક શાંતિલાલભાઈ વરુએ જણાવ્યું હતું કે,દેવીસર તળાવમાં ૧૯૭૬થી લઈને ૨૦૧૩ સુધીમાં ૧૨ વખત તેમણે સારસ નોંધ્યા છે,૧૯૭૮ અને ૧૯૮૩માં નિંગાળ તળાવમાં પણ સારસની જોડી નોંધાઈ હતી.વિજયસાગરમાં ૧૯૭૬,શિણાયમાં ૧૯૮૨ અને વિગોડીમાં ૧૯૮૭માં સારસ જોડલાંની નોંધ રહેલી છે. રુદ્રમાતા ડેમ વિસ્તારમાં ૧૯૮૭માં સૌથી વધુ ૭ સારસ નોંધાયા હતા.

ત્યારબાદ ૧૯૮૮માં ૪,૧૯૯૭માં ૫ અને ત્યારબાદ ૨૦૦૦,૨૦૦૧ અને ૨૦૦૩માં એક-એક સારસ પક્ષીની નોંધ થઇ હતી. ભીમસર ખાતે ૧૯૯૦,’૯૧,’૯૬’ માં એક અને ૨૦૦૦ અને ૨૦૦૪માં જોડીની નોંધ થયેલી છે. છારીઢંઢમાં ૧૯૯૨માં બે સારસ તો ભૂખી ડેમમાં ૧૯૯૪માં જોડી,૨૦૦૦ માં ૧ અને વર્ષ ૨૦૦૨માં ત્રણ સારસ નોંધાયા હતા. વેકરીયા ઢંઢમાં ૧૯૯૭માં ૪ અને રાપર મુંજાસર તળાવમાં ૨૦૦૯માં ૧ બચ્ચું જોવા મળ્યું હતું. બેરજીયા ડેમમાં ૧ જોડી ભૂતકાળમાં નોંધાયેલી છે તો ૨૦૨૧માં નંદાસરમાં ૪ સારસની નોંધ સર્વે દ્વારા કરાઈ હતી,આ નોંધ નીરવ સોલંકી અને નરેશ ડોડિયાએ કરી હતી.

વર્ષ 2013-14 માં 15 જેટલા સારસ નોંધાયા હતા,વોટર કેનાલ છતાંય સંખ્યા ઘટી
ઝોનલ કોર્ડીનેટર ડો.દેવેશભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે,જિલ્લામાં દસથી ઓછા હોવાનો અંદાજ હતો જેમાંથી ચાર જેટલા નોંધાયા છે.લાર્જ સ્કેલ પર સર્વે થાય તો સચોટ માહિતી મળી શકે છે.૨૦૧૩-૧૪માં સારસની કચ્છમાં સંખ્યા ૧૦-૧૫ વચ્ચે હતી જે ચાલુ વર્ષે ઓછી નોંધાઈ છે.પાણીની કેનાલ આવે તો સાઈડમાં તેના માટે હેબીટાટ ડેવલપ થાય છે અને બ્રીડીંગ પણ શક્યત છે.જો કે વિસ્તૃત સર્વે થાય તો સાચો આંકડો સામે આવી શકે તેવું પણ તેમણે ટાંક્યું હતું.

કચ્છમાં કયા કયા વિસ્તારોમાં કરાયું સર્વેક્ષણ ?
અબડાસાના બેરાચીયા ડેમ,ધનાવાડા,કંકાવટી ડેમ,નલિયા ઘાસિયા મેદાન અને ત્રંબૌ ડેમ,અંજારમાં નિંગાળ તળાવ,ભચાઉમાં ચિત્રોડ અને બનિયારી તળાવ,ભુજમાં દેવીસર તળાવ,રુદ્રમાતા ડેમ,ધોંસા જીલ અને વેકરીયા ઢંઢ,ગાંધીધામમાં શિણાય વોટરટેન્ક,માંડવીમાં વિજયસાગર ડેમ,મુન્દ્રા પોર્ટ સેઝ,નખત્રાણામાં ભૂખી ડેમ,ભીમાસર તળાવ,વિગોડી ડેમ,છારીઢંઢ,દુધઈ અને દેવીસર તળાવ અને રાપર તાલુકામાં ગેડી તળાવ,મૂંજાસર-પલાંસવા વિસ્તાર અને નંદાસર વિસ્તારમાં સર્વેક્ષણ હાથ ધરાયુ હતું. જેમાં માત્ર નંદાસરમાં ચાર સારસ પક્ષીઓની નોંધ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...