તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારા પર ભરોસો નહીં કે?:કચ્છમાં 5 મહિનામાં 23,821માંથી મહિલાના નામે માત્ર 5368 દસ્તાવેજ રજિસ્ટર થયા

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહિલાઓના નામે મિલકત તબદિલીમાં નોંધણી ફી સપૂર્ણ માફ છતાં ઓછા દસ્તાવેજ
  • એપ્રિલથી ઓગસ્ટ સુધી 5519 મહિલાને 2.44 કરોડની રજિસ્ટ્રેશન ફી માફ

મહિલાઓના નામે મિલકત તબદિલીના દસ્તાવેજમાં નોંધણી ફી સંપૂર્ણ માફ હોવા છતાં કચ્છમાં 5 મહિનામાં નોંધાયેલા કુલ 23821 દસ્તાવેજોમાંથી મહિલાઓના નામે માત્ર 5368 દસ્તાવેજો જ નોંધણી થયા છે.

ભુજના સબ રજિસ્ટ્રાર જયંતી ગોરે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે અેપ્રિલથી લઇને અોગસ્ટ સુધીમાં ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર, મુન્દ્રા, માંડવી, નખત્રાણા, નલિયા અને દયાપર સબ રજિસ્ટ્રાર કચેરી સહિત કચ્છમાં કુલ 23,821 દસ્તાવેજો નોંધણી થયા હતા, જેમાંથી મહિલાઅો નામે માત્ર 5368 જયારે પુરુષોના નામે 18,453 દસ્તાવેજો રજિસ્ટર થયા છે. 5 મહિનામાં જિલ્લામાં 5519 મહિલાઅોના નામે દસ્તાવેજો રજિસ્ટર થયા છે, જેમાં દસ્તાવેજ નોંધણી પેટે રૂ.2,44,88,952ની ફી માફ કરવામાં અાવી છે.

અત્રે અે નોંધવું રહ્યું કે, મહિલાઅોને પુરુષ સમોવડી બનાવવા અને સમાનતાના ધોરણે પુરુષની સરખામણીઅે મહિલાને પણ પૂરતા હક્ક, અધિકારો મળે તે દિશામાં સરકારે કમર કસી છે. મહિલાઅોના નામે પણ મિલકતની તબદિલી થાય તે માટે સરકારે દસ્તાવેજ નોંધણી ફીમાં સંપૂર્ણ છૂટ અાપી છે. સરકારના પરિપત્ર મુજબ જયારે સ્થાવર મિલકતની માત્ર મહિલાના નામે તબદિલી થતી હોય ત્યારે તેવા કિસ્સામાં દસ્તાવેજ રજિસ્ટર કરતી વખતે નોંધણી ફીમાં સંપૂર્ણ માફી અપાઇ છે તેમ છતાં કચ્છમાં માત્ર કહેવા પૂરતા જ મહિલાઅોના નામે દસ્તાવેજ થતા હોવાનું ચિત્ર સામે અાવ્યું છે.

જિલ્લામાં મહિલાઓના નામે 5 મહિનામાં થયેલા દસ્તાવેજ

મહિનોકુલ દસ્તાવેજમહિલાના નામે દસ્તાવેજનોંધણી ફી માફીની રકમ
એપ્રિલ35838633694375
મે23775672444783
જૂન624713676332708
જુલાઇ630013636512444
ઓગસ્ટ531412085504646

2020 પહેલા 40 ટકા મિલકત મહિલાઅોના નામે રજિસ્ટર થતી

અા અંગે ભુજના વકીલ જિતેન્દ્ર અેમ. ઝવેરીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, તા.10-7-2020થી સરકારે પાવર અોફ અેટોર્નીથી વેંચાણ દસ્તાવેજના કિસ્સામાં પાવરનામું રજિસ્ટર કરવાનું ફરજિયાત કરી નાખ્યું છે. અગાઉ પાવરનામું નોટરાઇઝ હોય તો ચાલતું અને નોટરી વકીલ જે-તે પાવરદારના ઘરે જઇને પાવરનામું નોટરાઇઝ કરી અાપતા પરંતુ હવેથી પાવરનામું ફરજિયાત રજિસ્ટર કરવું પડે છે, જેથી અમુક સમાજમાં નિયત નિયમોના કારણે મહિલાઅો બહાર નીકળતી નથી. સરકારના 2020ના પરિપત્ર અગાઉ 40 ટકા મિલકત મહિલાઅોના નામે રજિસ્ટર થતી હતી. ઉપરાંત મહિલાઅોના ખાતામાં કાયદેસર રીતે મોટી રકમ ન પણ હોય જેથી ફરજિયાત પાવરનામું અને મહિલાઅોના ખાતામાં અોછી રકમ અા બે કારણો થકી મહિલાઅોના નામે રજિસ્ટર દસ્તાવેજ ન થતા હોય તેવું બની શકે.

નિયમ મુજબ અવેજની કુલ રકમ પર 1 ટકા રજિસ્ટ્રેશન ફી
ભુજ સબ રજિસ્ટ્રાર કચેરીના સબ રજિસ્ટ્રાર જયંતી ગોરના જણાવ્યા મુજબ સરકારના નિયમ અનુસાર જયારે કોઇપણ દસ્તાવેજ રજિસ્ટર થાય છે ત્યારે જે-તે દસ્તાવેજની અવેજની કુલ કિંમતના અેક ટકો રકમ દસ્તાવેજ નોંધણી પેટે લેવાય છે પરંતુ જયારે માત્ર મહિલાના નામે સ્થાવર મિલકત ટ્રાન્સફર થાય ત્યારે નોંધણી ફીમાં સંપૂર્ણ મુક્તિ અપાય છે.

નોંધણી ફી મામલે પરિપત્ર અન્વયે અા છે જોગવાઇ
મહેસૂલ વિભાગના તા.11-6-04ના જાહેરનામા મુજબ ફક્ત મહિલાઅોના નામે તબદિલ થતી મિલકતના દસ્તાવેજોમાં નોંધણી ફીમાં સંપૂર્ણપણે માફી અપાશે. અા જાહેરનામાને ટાંકીને પુખ્ત ઉમર ધરાવતી હોય તેવી પરિણીત કે અપરિણીત, વિધવા, ત્યકતા મહિલાની તરફેણમાં થતા દસ્તાવેજોમાં નોંધણી ફી માફીનો લાભ મળશે. પુરુષ અને મહિલાના સંયુક્ત નામે મિલકત તબદિલ થતી હોય તો તેવા લેખમાં અા લાભ મળશે નહીં. અા લાભ માત્ર મિલકતની તબદિલી પૂરતો મર્યાદિત રહેશે અન્ય પ્રકારના કોઇ લેખમાં લાભ મળવાપાત્ર થશે નહીં અને અા માફી ફક્ત સ્થાવર મિલકતના લેખો પૂરતી મર્યાદિત રહેશે અેમ નોંધણી સર નિરીક્ષક અેમ.અેન. જોષીઅે તા.12-6-04ના પરિપત્રથી જણાવ્યું છે.

કુટુંબમાં ભવિષ્યમાં તકરાર ઉભી થાય તેવો લોકોમાં ભય
અા અંગે ગાંધીધામના વકીલ સુધીર ચંદાણીઅે જણાવ્યું હતું કે, કાયદાની નિયત જોગવાઇ મુજબ જો મહિલાના નામે દસ્તાવેજ થાય તો તે મિલકતનું માલિકીપણું મહિલાના નામે તબદિલ થઇ જાય છે, જેથી અમુક કિસ્સામાં લોકોને અંદરખાને અેવો પણ ભય હોય છે કે, મહિલાના નામે મિલકતનો દસ્તાવેજ થયા બાદ કુટુંબમાં કોઇ તકરાર ઉભી થાય તો તે મિલકતમાંથી કાયમને માટે હાથ ધોવા પડે. વધુમાં મોટાભાગે મહિલાઅો ઘરકામ કરતી હોય છે, જેથી અાવકનો કોઇ સ્ત્રોત નથી હોતો અને તેમના ખાતામાં પણ કાયદેસર રીતે તેટલી રકમ હોતી નથી, જેથી મહિલાના નામે દસ્તાવેજ થાય અને જો અવેજની રકમ મોટી હોય તો અા રકમ કયાંથી અાવી તેવી ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા તપાસ થાય અને મહિલાના વ્યવસાય મુજબ તેટલી રકમ ન મળે ત્યારે અાટલી મોટી રકમ કયાંથી અાવી તેવા પ્રશ્નો ઉભા થાય તે પણ સ્વાભાવિક છે, જેથી લોકો મહિલાના નામે દસ્તાવેજ કરવાનું ટાળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...