તાતી જરૂરીયાત:કચ્છમાં 12 વર્ષમાં માત્ર 15 નવા પોલીસ થાણા બન્યાં

ભુજ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિશાળ સીમાવર્તી જિલ્લામાં સતત વધતી વસ્તી વચ્ચે ટેક્નોલોજીના વ્યાપથી ગુનાખોરીનો ગ્રાફ ઊંચકાયો
 • ​​​​​​​પશ્ચિમ કચ્છના છ તાલુકાઓમાં 23 પોલીસ સ્ટેશન જ્યારે પૂર્વ કચ્છમાં 4 તાલુકામાં 15 મથકનો સમાવેશ

રાજ્યના સૌથી વિશાળ જિલ્લા કચ્છને સંવેદનશીલ ગણવામાં આવે છે કારણ કે, કચ્છ જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ રાજ્યમાં સૌથી વધુ ક્ષેત્રફળ તો ધરાવે છે પરંતુ રણ, દરિયા અને હવાઈની સરહદ પણ આ જિલ્લામાં આવેલી છે વર્ષો પૂર્વે કચ્છમાં ગુનાખોરીનો ગ્રાફ ઘણો ઓછો હતો પરંતુ જ્યારથી કંપનીઓ અને બંદરો શરૂ થયા છે ત્યારથી વસ્તી વધી છે સાથોસાથ દિવસો દિવસ ટેક્નોલોજીના વ્યાપથી ક્રાઇમના બનાવો વધી રહ્યા છે.

જેથી નવા પોલીસ મથકોની તાતી જરૂરીયાત ઉભી થઈ જેના કારણે છેલ્લા 12 વર્ષોમાં કુલ 15 પોલીસ સ્ટેશન આ જિલ્લામાં નવા બન્યા છે.પરંતુ હજી પણ માંગણી સંતોષાઈ ન હોય તેમ લોકો નવા પોલીસ મથકની માંગણી કરી રહ્યા છે મંત્રી જાહેરાત પણ કરે છે જેથી હવે જોવાનું એ છે કે, કચ્છમાં ક્રાઈમ રેશિયો અટકાવવા માટે વધુ નવા પોલીસ સ્ટેશનો ક્યારે નિર્માણ પામશે.

અન્ય જિલ્લાઓની સરખામણીએ કચ્છ જિલ્લામાં વિસ્તાર વધુ છે જેથી પોલીસની કામગીરી વધી જાય છે રાજ્યના અમુક જિલ્લાઓ કચ્છના એક તાલુકો જેવડા છે પણ આ સરહદી જિલ્લામાં પોલીસની હદ નાનકડા જિલ્લા જેવડી હોય છે. કોઈ સ્થળે ચોરી કે ખુનના મેસેજ મળે તો પોલીસ તરત દોડતી થાય પણ સ્થળ પર પહોંચવામાં અડધો કલાક તો વીતી જ જાય અને જો ભુજ કે ગાંધીધામથી ઉચ્ચ અધિકારીઓ છેવાડાના વિસ્તારમાં જવા નીકળે તો બે કલાક થઈ જાય છે.

જેથી ઘણી વખત અધિકારીઓ રાત્રીના સમયે પણ જે તે ગામડાઓમાં રોકાઈ જતા હોય છે જે દાખલા કચ્છમાં તાજા છે વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ રાજ્ય જેટલો પ્રદેશ છે પણ કચ્છ અલગ રાજ્ય તો ન બન્યું પણ આ જિલ્લાના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગલા પાડી દેવાયા જેથી બંને જિલ્લામાં નવા પોલીસ સ્ટેશન બનાવાયા હતા. જોકે અપેક્ષાઓ કદી પુરી ન થાય તેમ નવા પોલીસ મથકો બનવા છતાં કચ્છમાં ગુનાખોરીનું ગ્રાફ ઘટવાનું નામ લેતો નથી દરરોજ દારૂ,જુગાર,ચોરી,લૂંટ, અપહરણ, છેડતીના કિસ્સા બનતા હોય છે જે ખરેખર લાલબત્તી સમાન છે. પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં આવતા ભુજમાં એ ડિવિઝન, બી ડિવિઝન,માનકુવા,પધ્ધર, ખાવડા, માધાપર,મહિલા પોલીસ,એસીબી મળી કુલ આઠ પોલીસ થાણાનો સમાવેશ થાય છે જે જિલ્લામાં સર્વાધિક છે બાકી અબડાસામાં 5,માંડવી અને લખપતમાં 3 - 3, મુન્દ્રા અને નખત્રાણામાં 2 - 2 પોલીસ સ્ટેશન આવેલા છે ઉપરાંત પૂર્વ કચ્છમાં ગાંધીધામમાં 7,ભચાઉમાં 4, રાપર અને અંજારમાં 2 - 2 પોલીસ મથકો આવેલા છે.

ગાંધીધામ રેલવે પોલીસની હદનો વિસ્તાર તો જુઓ..
સામાન્ય રીતે કોઈ પોલીસ સ્ટેશનમાં 25 થી 30 કિમીનો વિસ્તાર આવરી લેવાતો હોય છે પણ ગાંધીધામ રેલવે સ્ટેશન એવું છે કે,એની હદની કોઈ સીમા નથી ગાંધીધામ રેલવે પોલીસની હદમાં નલિયાથી સામખીયાળી સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે. રેલવે લાઈન વિસ્તારમાં કોઈ અકસ્માત કે હોનારતની ઘટના બને તો ગુનો ગાંધીધામ રેલવે પોલીસમાં નોંધાતો હોય છે. જોકે તે આરપીએફ પોલીસની હદમાં આવતું પોલીસ મથક છે.

ગાગોદરમાં તો દાતાએ મકાન આપી દીધું પણ...
વાગડ વિસ્તારમાં ગુંડાગીરી અને દાદાગીરીના કારણે અહીં અવારનવાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાતી હોય છે.રાપર તાલુકામાં રાપર અને આડેસર પોલીસ સ્ટેશન આવેલા છે. જે એકબીજાથી ઘણા દૂર છે જેથી વર્ષો પૂર્વે હાઇવેપટ્ટીના ગાગોદર ગામમાં પોલીસ સ્ટેશનની જાહેરાત થઈ હતી પરંતુ હજી સુધી બન્યું નથી વાત તો ત્યાં સુધી છે કે એક દાતાએ નવા પોલીસ મથક માટે મકાન આપવાની પણ જાહેરાત કરી દીધી પણ ઈચ્છાશક્તિના અભાવે ગાગોદર પોલીસ થાણાથી વંચિત રહ્યું છે.

છેલ્લા 12 વર્ષમાં નવા બનેલા પોલીસ મથકોની યાદી

 • પૂર્વ કચ્છ ગાંધીધામ બી ડિવિઝન
 • આદિપુર મહિલા પોલીસ સ્ટેશન
 • એસીબી પૂર્વ કચ્છ ગાંધીધામ
 • દુધઈ
 • લાકડીયા
 • બાલાસર

પશ્ચિમ કચ્છ

 • માનકુવા
 • પધ્ધર
 • માધાપર
 • ભુજ મહિલા પોલીસ સ્ટેશન ગઢશીશા
 • માંડવી મરિન
 • મુન્દ્રા મરિન
 • નિરોણા
 • જખૌ મરીન

​​​​​​​ગાંધીધામથી ભચાઉનો હાઇવે ક્રાઇમનું એપી સેન્ટર
ગાંધીધામમાં બંદર તેમજ હજારો ફેકટરીઓ અને કંપનીઓના કારણે સુરજબારીથી મુન્દ્રા સુધીનો નેશનલ હાઇવે સતત ધમધમતો રહે છે પણ ખાસ તો ગાંધીધામથી ભચાઉ સુધીનો જે માર્ગ છે તે ક્રાઇમનું એપી સેન્ટર બની ગયું હોય તેમ દરરોજ અકસ્માત, ચોરી,લૂંટ,કોલસા મિક્સિંગ,બાયો ડીઝલ જેવા કિસ્સા બનતા રહે છે. જેથી પડાણાની આસપાસ પોલીસ મથક બનાવવામાં આવે તે સમયનો તકાજો બની ગયો છે.

ભારતનગરમાં નવા પોલીસ મથકની ઉગ્ર માંગણી
ગાંધીધામના મુખ્ય ગણાતા ભારતનગર વિસ્તારમાં કેટલાય વર્ષોથી નવા પોલીસ મથકની માંગણી કરવામાં આવી છે પણ સંતોષાતી નથી જે તે સમયે અહીં ખાતમુહૂર્ત પણ કરી દેવાયું હતું. ભારત નગર વિસ્તારમાં કુલ 25 થી 30 હજારની વસ્તી છે. આ વિસ્તારમાં દરરોજ ક્રાઇમના બનાવો જોતા નવું પોલીસ સ્ટેશન બનવું જરૂરી છે. ગાંધીધામની પચરંગી વસ્તી અને કંપનીઓના વ્યાપને જોતા અહીં બે નહિ પણ ચાર પોલીસ સ્ટેશન હોવા જોઈએ તેવો મત પણ પ્રબુદ્ધ નાગરિકોએ વ્યક્ત કર્યો હતો.

પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની હદનો અસામાજિક તત્વોને ઉઠાવ્યો છે ભરપૂર લાભ
પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસની હદ ભુજ અને અંજારની વચ્ચે આવે છે.હાઇવે રોડ પર પોલીસની હદ દર્શાવતા બોર્ડ આવેલા છે પણ ગામ કે સીમમાં આવા કોઈ બોર્ડ નથી. જેથી જિલ્લા પોલીસની હદનો ગેરલાભ ઉઠાવી અસામાજિક તત્વો જુગાર અને દારૂના ગોરખધંધા કરી રહ્યા છે થોડા સમય પૂર્વે, ચુબડક સીમમાં જુગાર કલબ પકડાઈ પણ હદની માયાજાળમાં રતનાલ ઓપીના જવાબદારો બચી ગયા હતા. ખરેખર જિલ્લા પોલીસની હદનું યોગ્ય માર્કિંગ જરૂરી છે. જો રતનાલમાં આઈટીઆઈ બની શક્તિ હોય તો પોલીસ સ્ટેશન કેમ નહિ તે સવાલ પણ ઉઠાવાયો છે.

આ પોલીસ મથકો જાહેર થઈ ગયા પણ બનશે ક્યારે ?
ભુજમાં માધાપર પોલીસ સ્ટેશન તો શરૂ થઈ ગયું પણ આ સિવાય માંડવી તાલુકામાં કોડાયપુલ,મુન્દ્રામાં પ્રાગપર અને અંજારમાં મેઘપર બોરીચી ખાતે નવા પોલીસ મથક બનાવવાની જાહેરાત થઈ છે પણ અમલવારી ક્યારે થશે તે તો સમય બતાવશે.મેઘપરમાં તો નવું પોલીસ મથક બનાવવા દબાણો હટાવી જગ્યા પણ નક્કી કરી લેવાઈ છે. ત્યારે હવે નવા પોલીસ મથકો ઝડપથી શરૂ થાય તો બેકાબૂ કાયદો વ્યવસ્થા કાબૂમાં આવે તેવી આશા વ્યક્ત કરાઇ છે.

બંને જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન નવા બન્યા પણ....
પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તાજેતરમાં નવા બન્યા છે.જોકે તે પોલીસની મહત્વની બ્રાન્ચ છે ત્યાં ભોગગ્રસ્તની અરજી લઈ તપાસ કરવામાં આવે છે.બાદમાં જે તે પોલીસ મથકમાં ગુનો દાખલ કરાતો હોય છે આ ઉપરાંત એલસીબી અને એસઓજી પણ આ દિશામાં જ કામ કરતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...