ભાદરવો ભરપુર:કચ્છમાં છૂટી છવાઇ મેઘ મહેર સાથે દિવસે ગરમી પણ વરસી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દયાપર - Divya Bhaskar
દયાપર
  • રાજ્યના પાંચ સૌથી ઉષ્ણ પૈકી કચ્છના ચાર મથક
  • ભુજ, રાપર અને લખપત પંથકમાં ઝાપટા વરસ્યા

કચ્છમાં ભારે વરસાદ વરસે તે પહેલા વિખેરાઇ રહેલા વાદળા સાથે છૂટા છવાયા સ્થળો પર ઝાપટા પડ્યા હતા. બીજી બાજુ ભાદરવાએ અસલી મિજાજ દર્શાવાનું જારી રાખતાં ગરમી પણ વરસી હતી અને રાજ્યના સૌથી ઉષ્ણ પાંચ પૈકીના ચાર મથક કચ્છના રહ્યા હતા. ભુજ તાલુકાના કેરા, સુરજપર, સામત્રા, મોખાણા અને લખપત પંથકમાં ઝાપટા રૂપે મેઘરાજાની હાજરી રહી હતી. રાપર પંથકમાં ઝાપટાથી લઇ અડધો ઇંચ સાથે મેઘરાજાની હાજરી રહી હતી. દરમિયાન રવિવાર સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.

સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ભુજ તાલુકાના કેરા, સુરજપર, સામત્રા, મોખાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ એકાએક તેજ ગતિએ પવન ફૂંકાવાની સાથે છવાઇ ગયેલા કાળા ડિબાંગ વાદળોએ ઝાપટા વરસાવ્યા હતા જેને લઇને માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા અને ઠંડક પ્રસરી હતી.

રાપર તાલુકાના રામવાવ પટ્ટીના વાડી વિસ્તાર તેમજ સૂવઈ, ગવરીપર, જેસડા, ત્રંબો ગામો સહિત સીમાડાઓમાં ઝાપટાથી અડધો ઇંચ અને કેટલીક જગ્યાએ ઝરમર વરસ્યો હતો. જોકે રાપરમાં આકાશ કોરૂં રહેવાની સાથે દિવસભર પડેલી ગરમીમાં લોકો શેકાયા હતા.

લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં સાંજે 6 વાગ્યાના ગાળામાં ઝાપટું પડ્યું હતું તો ખટિયામાં પણ આ અરસામાં ઝાપટું વરસતાં ગામમાં પાણી વહી નીકળ્યા હતા. દિવસભર મેઘાવી માહોલ રહેતાં મેઘરાજા વરસી પડશે તેવી આશા લોકોએ સેવી હતી પણ ફળી ન હતી.મોટા ભાગના કચ્છમાં સવારથી સૂર્ય પ્રકાશ રહેવાની સાથે બફારા અને ગરમીએ જોર પકડ્યું હતું. મધ્યાહ્ને ભાદરવાનો આકરો તાપ પડતાં લોકો શેકાયા હતા. ચાલુ માસની શરૂઆતથી જ વરસાદી વાતાવરણ હોવા છતાં ગરમી ઘટવાનું નામ લેતી નથી.

ભુજ 37 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી ગરમ, નલિયા ત્રીજા સ્થાને
જિલ્લા મથક ભુજમાં મહત્તમ પારો એકાએક 3 આંક ઉંચકાઇને 37 ડિગ્રીએ પહોંચતાં રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. દિવસભર ગરમીના સામ્રાજ્યને પગલે શહેરીજનો અકળાયા હતા. બીજા ક્રમના ગરમ કંડલા એરપોર્ટ મથકે ઉંચું તાપમાન 35.2 ડિગ્રી રહેતાં ગાંધીધામ અને અંજાર વિસ્તારમાં ગરમીનું જોર જોવા મળ્યું હતું. 34.8 ડિગ્રી સાથે નલિયા ત્રીજા સ્થાને જ્યારે ચોથા ક્રમે કંડલા બંદરે 34.7 ડિગ્રી સાથે ગરમીની આણ વર્તાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...