કોરોના અપડેટ:કચ્છ જિલ્લામાં કોરોનાના આજે નવા 77 કેસ નોંધાયા, 20 દર્દી સ્વસ્થ થયા

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના પોઝિટિવના એક્ટિવ કેસ વધીને 175 થયા

કચ્છમાં કોરોના સંક્રમણમાં સતત વધારા સાથે આજે 77 નવા કેસ સામે આવ્યા છે. જેના કારણે કુલ પોઝિટિવ એક્ટિવ કેસની સંખ્યા સદીને પાર કરી 175 પર પહોંચી જવા પામી છે. જોકે, આ વચ્ચે 20 દર્દી સ્વસ્થ થતા ઘરે પરત ફર્યા છે. આજે નોંધાયેલા કેસમાં ભુજ શહેર 17, ગ્રામ્ય 12, ગાંધીધામ શહેર 29, મુન્દ્રા શહેર 2 કેસ-ગ્રામ્ય 1, અંજાર શહેર 1 ગ્રામ્ય 3 કેસ, ભચાઉ ગ્રામ્ય 1, માંડવી 1 ગ્રામ્ય 7, લખપત ગ્રામ્ય 1 અને નખત્રાણા ગ્રામ્ય 2 કેસ સામે આવ્યા છે.

જિલ્લામાં કોરોના બીમારી હવે કાબુ બહાર જતી સ્પષ્ટ જોવા મળી રહી છે અને જે આ મહામારીની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂક્યાંનું સ્પષ્ટ દર્શાવી રહી છે. કારણ કે એક રિપોર્ટ મુજબ પ્રથમ લહેર વખતે કોરોનાના કેસ 15 દિવસે ડબલ થતા, બીજી લહેરમાં 10 દિવસે ડબલ થતા જ્યારે આ ત્રીજી લહેરમાં બે દિવસમાં ડબલ કેસ થઈ રહ્યા છે. જે અતિ ગંભીર બાબત ગણી શકાય. આમ છતાં સત્તા પક્ષના નેતાઓ અને મોટા ભાગના લોકો ભીડમાં જોવા મળી રહ્યા છે. જાણે કોરોના બીમારી અંગેની ચિંતા માત્ર સમાચાર માધ્યમો પૂરતી સીમિત હોય એવું પણ વર્તાઈ રહ્યું છે. જોકે વહિવટી તંત્ર દ્વારા બચાવ અંગે એક બાદ એક બેઠકનો દોર શરૂ થઈ ચૂક્યો છે.

જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કેસની સંખ્યા કુલ 13 હજાર અને સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 12 હજાર 713એ પહોંચી છે. કુલ મૃત્યુ આંક 282 નોંધાયેલ છે. ઓમિક્રોનના 4 દર્દી સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...