કોરોના અપડેટ:કચ્છ જિલ્લામાં કોરોનાના આજે નવા 48 કેસ નોંધાયા, 20 દર્દી સ્વસ્થ થયા

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓમિક્રોનનો વધુ 1 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 4 પર પહોંચી
  • કોરોના પોઝિટિવના એક્ટિવ કેસ વધીને 118 થયા

કચ્છમાં કોરોના સંક્રમણમાં સતત વધારા સાથે આજે 48 નવા કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને કુલ પોઝિટિવ એક્ટિવ કેસની સંખ્યા સદીને પાર કરી 118 પર પહોંચી જવા પામી છે. જોકે આ વચ્ચે રાહતની વાત એ છે કે 20 દર્દી સ્વસ્થ થતા ઘરે પરત ફર્યા છે. આજે નોંધાયેલા કેસમાં ભુજ શહેર 9, ગ્રામ્ય 3. ગાંધીધામ શહેર 28. મુન્દ્રા શહેર 1 કેસ. અંજાર ગ્રામ્ય 2 કેસ, ભચાઉ ગ્રામ્ય 1, માંડવી ગ્રામ્ય 1. નખત્રાણા ગ્રામ્ય 2. અબડાસા ગ્રામ્ય 1 સામે આવ્યા છે.

કચ્છ જિલ્લામાં મહામારી કોરોના હવે કાબુ બહાર જતી સ્પષ્ટ જોવા મળી રહી છે અને સંક્રમણથી કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ આજે એક સામટા 48 કેસ નોંધાવા પામ્યા છે. કોવિડ કેસમાં સતત વધારાના પગલે આજે કલેકટર કચેરી ખાતે સમહર્તા પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને કોવિડ કોર કમિટીની એક બેઠક યોજાઇ હતી. જિલ્લા કક્ષાની આ બેઠકમાં આરોગ્ય અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકરીઓ સાથે કોવિડ અંગે સમીક્ષા કરાઈ હતી.

જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કેસની સંખ્યા કુલ 12923 અને સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 12693 એ પહોંચી છે. કુલ મૃત્યુ આંક 282 નોંધાયેલ છે. ઑમરીકોનના 4 દર્દી સારવાર લઈ રહ્યા છે.

રામપરમાં ઓટલા પર બેસીને માસ્ક વિના ગોષ્ઠિ કરતા વૃદ્ધ મહિલા માટે લાપરવાહી જીવલેણ નીવડી
માંડવી તાલુકાના રામપર વેકરા ગામે બે - ત્રણ દિવસ પહેલા વૃદ્ધ મહિલાનું કોરોનાથી મોત નીપજ્યું છે.જેમાં મહત્વની બાબત એ સામે આવી છે કે,આ મહિલા ડાયાબિટીસ અને કેન્સરની બીમારીથી પીડિત હતા તેમ છતાં તેઓ ઘરની બહાર મહિલાઓ સાથે ગોષ્ટિ કરતા હતા. જેમાં માસ્ક ન પહેરવાની બેદરકારીના કારણે અચાનક શ્વાસની તકલીફ ઉપડતા સ્થાનિકે તબીબ પાસેથી દવા લીધી હતી પણ આરટીપીસીઆર ટેસ્ટમાં મહિલા પોઝિટિવ આવતા સારવાર કારગત નીવડે એ પહેલા જ તેમણે દમ તોડી દીધો હતો. શંકાસ્પદ મોત હોવાથી તંત્ર દ્વારા ચોપડે બતાવાયું નથી.

શાળામાં ધો.6 ની છાત્રા પોઝિટીવ આવતા ઓફલાઈન શિક્ષણ બંધ
ભુજની ભાગોળે આવેલી ખાનગી શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતી છાત્રાનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા શાળા દ્વારા તકેદારીના ભાગરૂપે આ વર્ગમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરીને બાળકોને આજથી ઓનલાઇન શિક્ષણમાં જોડાઈ જવા વાલીઓને ફોન કરીને જાણ કરવામાં આવી હતી.

જિલ્લામાં છેલ્લા 8 દિવસમાં 176 વ્યક્તિ બન્યા સંક્રમિત
કોરોનાના નવા કેસોએ 29 ડિસેમ્બરથી ફરી રફતાર પકડી લીધી છે ત્યારે 13 કેસ આવ્યા બાદ અનુક્રમે કેસો વધતા હોવાથી 5 જાન્યુઆરી સુધીના 8 દિવસમાં 176 વ્યક્તિ સંક્રમિત બની ગયા છે જે ખરેખર લાલબત્તી છે.

છેલ્લે 10 એપ્રિલના પણ 48 કેસ નોંધાયા હતા
કોવિડની બીજી લહેરની શરૂઆત એપ્રિલથી થઈ હતી તે સમયે 10 એપ્રિલના પણ જિલ્લામાં 48 કેસ આવ્યા હતા તે બાદ બુધવારે 5 જાન્યુઆરીના પણ યોગાનુયોગ 48 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...