કોરોનાનો કહેર:કચ્છમાં 3 દિ’ કોરા રહ્યા બાદ વધુ 2 કોરોનાગ્રસ્ત

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પેન્ડિંગ રિપોર્ટ બાબતે દિવ્ય ભાસ્કરે વ્યક્ત કરેલી ભીતિ બીજીવાર સાચી ઠરી
  • મદનપુરા અને ડેપાના યુવાન સંક્રમિત, કુલ આંક 69
  • વધુ 82 લોકોના સેમ્પલ લેવાયા
  • બહારના લોકોથી પોઝિટિવ દર્દીમાં વધારો

કચ્છમાં કોરોનાનો વિસ્ફોટ થયા બાદ શનિથી સોમ સુધી એકપણ પોઝિટિવ રિપોર્ટ ન આવતાં ત્રણ દિવસ કોરા ગયા હતા જેને પગલે દિવ્ય ભાસ્કરે પેન્ડિંગ રિપોર્ટ અંગે વ્યક્ત કરેલી દહેશત સાચી ઠરી હતી અને મંગળવારે ફરી બે કેસ નોંધાયા હતા. માંડવી તાલુકાના મદનપુરાના 49 વર્ષીય અને મુન્દ્રા તાલુકાના ડેપા ગામના 27 વર્ષના યુવાનને ચેપી વાયરસે ચપેટમાં લીધા હતા. તેની સાથે કચ્છમાં કુલ્લ આંક 69 પર પહોંચ્યો હતો. 82ના સેમ્પલ લેવાયા હતા. સોમવારે ભુજની જનરલ હોસ્પિટલમાં શંકાસ્પદ લક્ષણો સાથે ખસેડાયેલા માંડવી તાલુકાના મદનપુરાના 49 વર્ષના પુરૂષનો નમૂનો પરીક્ષણાર્થે મોકલાયો હતો અને મંગળવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો મુન્દ્રા તાલુકાના ડેપા ગામના 27 વર્ષના યુવાનને પણ કોરોના હોવાનું બહાર આવ્યું હતું. ત્રણ દિવસના વિરામ બાદ ફરી કોરોનાએ માથું ઉંચકતાં હરકતમાં આવેલા આરોગ્ય વિભાગે બન્ને ગામમાં કન્ટેઇન્મેન્ટ ઝોન બનાવવા અને દરેક ઘરે મોજણી કરવા સહિતના પગલા ભરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, દિવ્ય ભાસ્કર દ્વારા પેન્ડિંગ રિપોર્ટ બાબતે અગાઉ 8 પોઝિટિવ કેસ અંગે દહેશત વ્યક્ત કરાઇ હતી અને બીજા દિવસે 14 કેસ બહાર આવ્યા હતા. તેવીજ રીતે તાજેતરમાં  પેન્ડિંગ રાખવામાં આવેલા 10 રિપોર્ટ પૈકી પોઝિટિવ કેસ નોંધાશે તેવી ભીતિ દર્શાવાઇ હતી જે સાચી ઠરી છે અને બે કેસ તંત્ર દ્વારા જાહેર કરવામા આવ્યા છે. 

મેઘપરના દર્દી માટે વિશેષ માર્ગદર્શન અપાયું
હરીઓમ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા મેઘપર (બો)ના દર્દીને પેટની જટિલ બીમારી હોવાનું બહાર આવતાં વિશેષ માર્ગદર્શન અપાયું હતું.  દર્દીને સતાવતી એસિડ પેપ્ટિકની બીમારી બાબતે કઇ સારવાર આપી શકાય તે અંગે નિષ્ણાત ડો. પાર્થ જાની દ્વારા ટેલિ મેડિસીનના માધ્યમથી માહિતી પૂરી પાડવામા આવી હતી.

બન્ને દર્દી રાજ્ય બહારના, ક્વોરન્ટાઇન હતા
પોઝિટિવ જણાયેલા મદનપુરા અને ડેપા ગામના દર્દી હોમ ક્વોરન્ટાઇન હેઠળ રાખવામા આવ્યા હતા. બન્ને દર્દી ગુજરાત બહારથી આવ્યા હોતાં આરોગ્ય વિભાગની નિગરાની તળે હતા તેમ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું. 

નવા 4874 વ્યકિતઓનું સ્ક્રીનિંગ કરાયું
મહામારીને ફેલાતી રોકવા માટે લેવાઇ રહેલા પગલા અંતર્ગત નવા 4874 લોકોનું સ્ક્રીનિંગ કરાયું હતું તેની સાથે  અત્યાર સુધી કુલ 230505 લોકોના શરીરનું ટેમ્પરેચર માપવમા આવ્યું હતું જેમાંથી 2221 જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા.  2150 વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. 

19691 લોકોને નિગરાનીમાં રખાયા
કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે અત્યાર સુધી 19691 લોકોને કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા.  છેલ્લા 24કલાક દરમ્યાન 2080 જેટલા વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.  12324 જેટલા લોકોએ 14 દિવસનો કવોરન્ટાઇન પીરિયડ પૂર્ણ કર્યો છે. 2283 વ્યકિતઓને સંસ્થાકીય કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે, રાજ્ય બહારથી આવતા લોકો માટે 7 દિવસ ફરજિયાત સંસ્થાકીયે ક્વોરન્ટાઇન રહેવાનું હોય છે, જ્યારે 7 દિવસ તેઓને હોમ ક્વોરન્ટાઇન રહેવાનું હોય છે. જેનું પાલન ચુસ્તતાથી થાય તેની પણ દેખરેખ આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...