આજે અનાથ દિવસ:કચ્છમાં 1 વર્ષમાં 600 બાળકોએ માતા કે પિતાની છત્રછાયા ગુમાવી

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનાથ બાળકોને સહાનુભૂતિ આપવાના ઉદ્દેશ્ય સાથે 6 જાન્યુઆરીના ઉજવાય છે વર્લ્ડ વોર ઓરફન ડે

આજે 6 જાન્યુઆરી,દર વર્ષે આ દિવસે વિશ્વમાં વર્લ્ડ વોર ઓરફન ડે ઉજવવામાં આવે છે.ભૂકંપ,મહામારી,યુદ્ધ જેવી કુદરતી આપદાઓના કારણે જે લોકો અનાથ બને છે અથવા માતા કે પિતાની છત્રછાયા ગુમાવે છે તેવા બાળકોને સહાનુભૂતિ આપવાના ઉદ્દેશ્યથી આ દિવસ મનાવવામાં આવે છે.વર્ષ 2021 દરમ્યાન કોરોના મહામારીની બીજી લહેરે કહેર મચાવતા અનેક પરિવારો વિખેરાઇ ગયા છે.કોરોનાની અસર દરેક બાબત અને ક્ષેત્રમાં થઈ છે પણ તેની ગંભીર અસર વાલીની છત્રછાયા ગુમાવનારા સંતાનો પર પણ થઈ છે જે ઘણી દુઃખની બાબત છે.

કચ્છમાં બીજી લહેર દરમ્યાન મુન્દ્રા તાલુકાના 3 બાળકોએ માતા - પિતાની છત્રછાયા ગુમાવતા સરકાર દ્વારા જવાબદારીના ભાગરૂપે દર મહીને 4 હજારની સહાય તેમજ ભણતરથી માંડી ઘડતર સુધીની જવાબદારી નિભાવવામાં આવે છે તો 600 જેટલા બાળકોએ મુખ્યત્વે કોવિડ તેમજ અન્ય બિમારીથી માતા અથવા પિતા ગુમાવ્યા છે.જેથી સહાનુભૂતિ દાખવવા માટે સરકાર આવા બાળકોને પણ માસિક 2 હજારની સહાય ચૂકવે છે.વાલીની તુલ્યમાં કોઈ આવી શકે તેમ નથી પણ સરકાર વાલી બનીને 24 વર્ષ સુધી ભણતર અને ઘડતરનો ખર્ચ ઉઠાવે છે.

મોટા ભાગના અનાથ બાળકો હયાત દાદા દાદી અથવા અન્ય પરિવારના સભ્યો સાથે રહે છે.તમામ અનાથ બાળકોમાંથી 95 ટકાથી વધુ પાંચ વર્ષથી વધુ ઉંમરના છે. જિલ્લામાં આમ તો અનાથ બાળકોનું પ્રમાણ ઓછું છે પણ કોવિડના કારણે જ આ સંખ્યા વધી છે તેમજ ઘણી સ્વૈચ્છીક સંસ્થાઓ અને સેવાભાવીઓ પણ ઓળખ આપ્યા વિના મદદ કરે છે.અનાથ બાળકોને માનસિક રીતે મજબૂત બનવા માટે ભુજના જાણીતા મનોચિકિત્સક દ્વારા મંતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા.

ભાવનાત્મક રીતે આવા બાળકો સાથે જોડાયેલા રહેવું : ડો.ગૌરાંગ જોશી
ભુજની લેવા પટેલ હોસ્પિટલના મનોચિકિત્સક ડો.ગૌરાંગ જોશીએ વર્લ્ડ વોર ઓરફન ડે નિમિતે પ્રકાશ પાડતા જણાવ્યું કે,જો આપ અનાથ બાળકના પાલ્ય માતા - પિતા છો અથવા પરિવારમાં કોઈ અનાથ છે તો તેને મનોવૈજ્ઞાનિક સપોર્ટ આપવો જોઈએ. જેમાં ભાવનાત્મક રીતે આવા બાળકો સાથે જોડાયેલા રહેવું,તેની ઉંમરના મિત્રો સાથે દોઢ થી બે કલાક સુધી રમત - ગમતમાં પરોવાયેલું રહે,ડિપ્રેશનનો ભોગ ન બને તે માટે વાતચીત કરવી,ખોટી અંધશ્રધ્ધા કે આશ્વસનો ન આપતા વાસ્તવિકતાથી સંપૂર્ણ માહિતીગાર કરવું.પૂરતી ઊંઘ,ખોરાક સહિતની દિનચર્યાનું ધ્યાન કરવું અને જરૂર જણાય તો મનોચિકિત્સકની સલાહ લઈને કાઉન્સેલિંગ કરવું જોઈએ.

આવા સંતાનો માટે અલાયદું ફંડ ઉભું કરવું જોઈએ : ડો.મહેશ ટીલવાણી
ભુજના જાણીતા મનોચિકિત્સક ડો.મહેશ ટીલવાણીએ જણાવ્યું કે,જે બાળકોએ નાની ઉંમરમાં માતા - પિતા અથવા વાલી ગુમાવ્યા છે તેવા સંતાનોને સંબધીઓ અને સમાજના આગેવાનો દ્વારા મોટીવેટ કરવા જોઈએ તેમજ સરકાર દ્વારા પણ વિવિધ યોજનાઓ અમલી બનાવાઈ છે. તેનો બાળકોને લાભ મળે સાથે ભવિષ્યની પરિસ્થિતિને ધ્યાને રાખી અનાથ બાળકો માટે અલગથી ફંડ ઉભું કરવામાં આવે તે જરૂરી છે.

અનાથ પુનવર્સનનું શ્રેષ્ઠ ઉદાહરણ
ભુજના કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં આશ્રય પામીને મોટા થયેલા પૂજાબેન જોશી હાલ ભુજ કેસીઆરસી ખાતે સરકારી નોકરીમાં સેવા આપે છે તેઓ શહેરના મનોચિકિત્સક ડો.ગૌરાંગ જોશીના પત્ની છે.જે ઓરફન પુનવર્સનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.સંપૂર્ણ સ્વીકાર જ સાચા અર્થમાં અનાથ વ્યક્તિનું પુનવર્સન ગણી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...