કોરોનાના વળતા પાણી:કચ્છમાં મે માસ સુધીમાં 54 ટકા 5279 દર્દીઓ છેલ્લા 3 માસમાં જ સાજા થઇ ગયા

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરોના 15માંથી સૌથી વધુ ભુજના 6, જિલ્લાના ગામડાના 14 પોઝિટિવ કેસ
  • બુધવારે નવા 29 સંક્રમિતોના ઉમેરા સામે વધુ 186 કોરોનાગ્રસ્ત સાજા થયા, 1 મોત

કચ્છમાં બુધવારે કોરોનાથી વધુ 1 દર્દીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. જે સાથે જિલ્લામાં અત્યાર સુધી કુલ મોતનો આંકડો 277 ઉપર પહોંચી ગયો છે. બીજી તરફ નવા 29 સંક્રમિતો ઉમેરાયા છે. પરંતુ, 186 કોરોનાગ્રસ્તો સાજા પણ થઈ ગયા છે. જે સાથે કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કુલ 10052 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધાનું નોંધાયું છે.

જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ મોકલેલી સરકારી યાદી મુજબ શહેરોમાં નવા 15 અને જિલ્લાના ગામડામાં નવા 14 સંક્રમિતોનો ઉમેરો થયો છે, જેથી જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંકડો 12369 ઉપર પહોંચી ગયો છે. શહેરોના નવા 15માંથી ભુજ શહેરમાં સર્વાધિક 6 કેસ છે. જે બાદ અંજારમાં 3, ગાંધીધામ, માંડવી, રાપરમાં 2-2 કેસનો સમાવેશ થાય છે. જ્યારે ગામડાના 14માંથી તાલુકા મુજબ જોઈએ તો ભુજ, માંડવી, રાપર તાલુકાના ગામડાના 3-3, અબડાસા, અંજાર, ભચાઉ, લખપત, નખત્રાણા તાલુકાના ગામડાના 1-1 કેસનો સમાવેશ થાય છે. આમ, જિલ્લાની હોસ્પિટલોમાં હવે 2205 દર્દી સારવાર હેઠળ છે.

છેલ્લા 3 માસથી સાજા થવાનો દર સતત વધી રહ્યો છે
કચ્છમાં 2020ના માર્ચ માસમાં કોરોનાએ પગપેસારો કર્યો હતો, જેમાં પ્રથમ લહેરે 2021ની 28મી ફેબ્રુઆરી એટલે કે પ્રથમ 12 માસ દરમિયાન 4599 લોકોને જપટમાં લીધા હતા અને 4404 દર્દીઓ સાજા થયા હતા. પરંતુ, 2021ના માર્ચ માસમાં બીજી લહેરે પગદંડો જમાવવાની શરૂઆત કરી હતી, જેથી 2021ના માર્ચ મહિનામાં વધુ 420 દર્દીઓ ઉમેરાયા હતા. જે બાદ એપ્રિલ મહિનામાં અંકુશ બહાર ગયેલા કોરોનાથી 3159 અને મે મહિનામાં અધધ 4132 દર્દીઓનો ઉમેરો થયો હતો. આમ, 2021ના માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં જ 7711 દર્દીઓ ઉમેરાઈ ગયા હતા. જોકે, 2021ના માર્ચમાં 317, એપ્રિલમાં 1000 ને મે મહિનામાં 3962 મળીને કુલ 5279 દર્દી સાજા પણ થયા છે. આમ, કચ્છમાં કોરોનાના કુલ 15 માસમાંથી છેલ્લા 3 માસ ભયંકર સાબિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...