ભારી વર્ષા:ખીરસરા (વિં)માં એક કલાકમાં 4 ઈંચ ખાબકતાં ગામ વિખૂટું પડ્યું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિયાણી અને હાજાપર વચ્ચે પાપડી ધોવાઇ જતાં સર્જાઇ સમસ્યા

અબડાસા તાલુકાના ખીરસરા વિંઝાણમાં ગત (સોમવાર) રાત્રે એક કલાકમાં ધોધમાર ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. અનરાધાર વરસાદને પગલે મિયાણી-હાજીપીર વચ્ચેની પાડીનું ધોવાણ થઇ જતાં ગામ વિખૂટું પડી જવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા.

મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં એક કલાકમાં ધોધમાર ચાર ઈંચ જેટલો વરસી પડતાં નદીમાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા. ધસમસતા પ્રવાહના કારણે મિયાણી હાજાપર વચ્ચે ની પાપડી ધોવાઈ જતા ખીરસરા અને મિયાણી ગામ જિલ્લા મથકથી વિખૂટા પડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ ભારી વરસાદમાં પાપડી તૂટી પડતાં ગામ સંપર્ક વિહોણુ બન્યું હતું. જિલ્લા મથક ભુજ જવા ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે પાપડીનું મરંમત કામ કર્યું હતું. ફરી વરસાદ થતાં પાપડી તુટી જવાથી ખીરસરા અને મિયાણીના ગ્રામજનોની મુશ્કેલી માં વધારો થયો હતો.

હાલમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કચ્છમાં સતત સચરાચર વરસાદ પડી રહ્યો છે, ત્યારે અબડાસાના ખીરસરામાં પણ ગત રાત્રીએ અચાનક માત્ર એક જ કલાકમાં 4 ઇંચ વરસાદ પડતાં લોકોમાં ખુશીની લાગણી ફેલાઇ હતી.

નદીમાં પાણી આવતા ક્રોંકીટ કામનું ધોવાણ : ભ્રષ્ટાચારનો ઉઠ્યો આક્ષેપ
ગત રાત્રે પડેલા વરસાદથી ગામની નદીમા પાણી આવતા પાણી પુરવઠા વિગભાગ દ્વારા ચાર મહિના પહેલા પાણીની પાઇપ લાઇન પર કોન્ક્રિટ સિમેન્ટથી કામ કરવામાં આવ્યું હતું તે ધોવાઇ જતાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો હતો. આ કામ ક્યારે મંજૂર થયું અને કોણ આવીને કરી ગયું તે બાબતે સ્થાનિકોને ખબર નથી તેવું અબડાસા સરપંચ સંગઠનના મહામંત્રી રજાક હિંગોરાએ જણાવ્યું હતું. સમગ્ર કામની ઉંડાણ પૂર્વક તપાસ કરાય તો ભ્રષ્ટાચાર ખુલ્લો થાય તેવી સંભાવના છે તેમ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...