સમસ્યા:ધ્રોબાણામાં ગૌચર દબાણથી વિકટ બનતો ચરિયાણનો પ્રશ્ન

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસવડા સમક્ષ ફરિયાદ છતાં કોઇ પગલા ન ભરાયાનો આક્ષેપ

ભુજ તાલુકાના સુમરાપોર, ધ્રોબાણામાં ચરિયાણ વિસ્તાર પર મોટાપાયે દબાણ કરવામાં આવી રહ્યું છે, જે અંગે પશ્ચિમ કચ્છ પોલીસવડા સમક્ષ ફરિયાદ અરજી કરાઇ હોવા છતાં કોઇ જ પગલા ભરાતા ન હોવાનો આક્ષેપ કરાયો છે.સરકારી તળાવો, આસપાસની ગાૈચર જમીનો પર દબાણ કરવામાં આવી રહ્યું છે. પ્રખ્યાત કાળા ડુંગર નજીક ગૌચર જમીન અને તળાવ પર માથાભારે શખ્સો દ્વારા કબ્જો કરવામાં આવ્યો છે.

હાલમાં 400 એકર જેટલી ગૌચર જમીન પર દબાણ કરીને ખેતી કરવામાં આવી રહી છે અને સરકારી તળાવ પણ માટીથી બૂરી દેવાયા છે. માથાભારે શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પાસા તળે પણ જઇ આવ્યા છે. આ શખ્સો રાજકીય ઓથ ધરાવતા હોઇ અને માથાભારે હોઇ તેમની સામે કોઇ બોલતું નથી. મોટાભાગની ગૌચર જમીન ખેતીના નામે ખેડી નખાતાં પશુધન માટે ચરિયાણનો પ્રશ્ન વિકટ બન્યો છે.

આ પંથકના લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેના થકી જ પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, જેથી પશુધન માટે ચરિયાણ વિસ્તાર જ ખતમ થઇ જશે તો ના છૂટકે માલધારીઓને હિજરત કરવાની ફરજ પડશે.

સુમરાપોર (ધ્રોબાણા)ના સાહેબ ઇશા સમાએ જણાવ્યું હતું કે, ગૌચર જમીન અને તળાવો પરનું દબાણ દુર કરવા, માથાભારે શખ્સો સામે ફોજદારી નોંધી પગલા ભરવા પશ્ચિમ કચ્છ પોલીસવડા સમક્ષ તા.24-11ના ફરિયાદ કરાઇ હોવા છતાં આજદિન સુધી આ દિશામાં કોઇ જ પગલા ભરાયા નથી.

અન્ય સમાચારો પણ છે...