નિર્ણય:ઈન્ચાર્જ મુખ્ય અધિકારી પાસેથી ચાર્જ પરત લીધા બાદ 24 કલાકમાં ફરી સોંપાયો !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપતિઅે પ્રાદેશિક કમિશનરને લેખિત અને માૈખિક રજુઅાત કરતા લેવાયો નિર્ણય
  • ભુજ મત વિસ્તારાના ધારાસભ્ય પાસે તઘલખી નિર્ણયની કરાઈ હતી ફરિયાદ

ભુજ નગરપાલિકાના પૂર્ણકાલિન મુખ્ય અધિકારી 22 દિવસની રજામાં ગયા બાદ અંજાર નગરપાલિકાના મુખ્ય અધિકારીને વધારાનો ચાર્જ સોંપાયો હતો. પરંતુ, માત્ર 9 દિવસમાં જ પરત લઈ લેવાયો હતો, જેથી શાસક પક્ષના નગરસેવકો અને પદાધિકારીઅો નારાજ થયા હતા. જે બાદ નગરપતિઅે પ્રાદેશિક કમિશનરને પત્ર લખી વધારાનો ચાર્જ પરત લેવાના નિર્ણયને બદલવા રજુઅાત કરી હતી. જેના પગલે ભુજ પાલિકાના ઈનચાર્જ મુખ્ય અધિકારી તરીકે અંજારના સી.અો.ને જ યથાવત રાખવાનો હુકમ થયો છે.

ભુજ નગરપાલિકાના પૂર્ણકાલિન મુખ્ય અધિકારી પરાક્રમસિંહ મકવાણા ગુજરાત જાહેર સેવા અાયોગની ગુજરાત વહીવટી સેવા વર્ગ-1ની પરીક્ષા અાપવા માટે 6ઠ્ઠીથી 27મી ડિસેમ્બર સુધી 22 દિવસની રજામાં ઉતરી ગયા છે, જેથી તેમના સ્થાને અંજારના પૂર્ણકાલિન મુખ્ય અધિકારી જીગર પટેલને ભુજ નગરપાલિકાનો વધારાનો ચાર્જ સોંપાયો હતો. જેમણે અાવતાવેંત ભુજ નગરપાલિકાના પૂર્ણકાલિન મુખ્ય અધિકારી પરાક્રમસિંહ મકવાણાઅે અનિર્ણાયત્મક સ્થિતિમાં મૂકેલી ફાઈલોના ઢગલાનો કલાકોમાં નિકાલ કરી દીધો હતો.

જે બાદ કચેરીમાં કર્મચારીઅોની નિયમિત અને સમયસર હાજરી બાબતે કડક પગલા ભર્યા હતા, જેમાં અેકાઉન્ટ અોફિસર વૈશાલીબા જાડેજાને મોડા અાવવા બદલ ખુલાસો માંગતી નોટિસ ફટકારી હતી. ત્યારબાદ અેકાઉન્ટ અોફિસર ઈનચાર્જ મુખ્ય અધિકારીની જાણ બહાર લાંબા રજામાં ઉતરી ગયા હતા, જેથી ઈનચાર્જ મુખ્ય અધિકારી જીગર પટેલે ફરી અેકાઉન્ટ અોફિસર વૈશાલીબા જાડેજાને 7 દિવસમાં ખુલાસો માંગતી બીજી નોટિસ ફટકારી હતી.

જે દરમિયાન તેમણે અેકાઉન્ટ અોફિસમાં અટકેલા કામોને ગતિ અાપવા ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ હિતેન્દ્રસિંહ જાડેજાને અેકાઉન્ટ અોફિસરનો વધારાનો ચાર્જ સોંપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. પરંતુ, રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનર ડો. ડી.બી. વ્યાસે 15મી ડિસેમ્બરે ઈનચાર્જ સી.અો. જીગત પટેલે પાસેથી ભુજ નગરપાલિકાનો વધારો ચાર્જ પરત લેવાનો હુકમ કર્યો હતો અને ભુજ નગરપાલિકાના ઈનચાર્જ સી.અો. તરીકે ગાંધીધામ નગરપાલિકાના પૂર્ણકાલિન સી.અો. દર્શનસિંહ ચાવડાને નિમવાનો હુકમ કર્યો હતો.

જેના પગલે શાસક પક્ષના નગરસેવકો અને પદાધિકારીઅો નારાજ થયા હતા, જેથી નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરે પ્રાદેશિક કમિશનરને માૈખિક અને લેખિત રજુઅાત કરી અંજારના સી.અો.ને યથાવત રાખવા માંગણી કરી હતી. તેમણે ભુજ મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષા ડો. નિમાબેન અાચાર્યને પણ અાર.સી.અેમ.ના તઘલખી નિર્ણયથી વાકેફ કર્યા હતા. જે બાદ 16મી ડિસેમ્બરે અંજારના સી.અો.ને જ ભુજ નગરપાલિકાના સી.અો. તરીકે યથાવત રાખવા હુકમ થયો છે.

સહીઅો બદલવાની પ્રક્રિયામાં કામની ગતિ ધીમી પડતી હતી : નગરપતિ
નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરે જણાવ્યું હતું કે, થોડા થોડા દિવસે મુખ્ય અધિકારી બદલે તો જન્મ મરણ, લગ્ન અને બેંકોમાં સહીઅો બદલવાની પ્રક્રિયામાં વિકાસ કામોની ગતિ ધીમી પડતી હતી. જે બાબત પક્ષમાં જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ અને ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન અાચાર્યનું ધ્યાન દોર્યું હતું. અાર.સી.અેમ.ને પણ પત્ર લખ્યો હતો.

હજુ મોટા ધડાકા ભડાકાની શક્યતા
ભુજ નગરપાલિકામાં રાતોરાત અને ટૂંકાગાળામાં ઈનચાર્જ મુખ્ય અધિકારી બદલવાના નિર્ણયથી શાસક પક્ષના નગરસેવકો અને પદાધિકારીઅો નારાજ થયા છે અને અેવું કૃત્ય કરાવનાર કોણ છે અેની તપાસ કર્યા બાદ સખત કાર્યવાહી કરે અેવી શક્યતા છે, જેથી હજુ મોટા ધડાકા ભડાકા બાકી છે.

અન્ય સમાચારો પણ છે...