• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • In Bhuj, On The Occasion Of Prime Minister's Birthday, Rural Development Minister Arjun Singh Chauhan Handed Over Aid To The Beneficiaries.

ઉજવણી:ભુજમાં વડાપ્રધાનના જન્મદિન નિમિતે ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે લાભાર્થીઓને સહાય અર્પણ કરવામા આવી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પદાધિકારીઓએ સરકારની વિવિધ સહાય યોજના વિશે માહિતી આપી

ભુજ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિન નિમિતે યોજાયેલા ગરીબ હિતલક્ષી કૃતજ્ઞતા કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે વડાપ્રધાનના જન્મદિને તેમના અંત્યોદય વિકાસના સંકલ્પને સાકાર કરવા ગુજરાતમાં 400થી વધુ સ્થળોએ ગરીબ હિતલક્ષી કાર્યક્રમ દ્વારા ગુજરાત કૃતજ્ઞતા વ્યકત કરી રહ્યું છે. ગરીબોના બેલી એવાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને તેમના દીર્ધાયુની સૌ પ્રાર્થના કરીએ. ગરીબ, છેવાડાના અંતિતના લોકોને ઉન્નત કરવાનો પ્રયાસ સરકાર કરી રહી છે.

વિશેષમાં મંચ પરથી મંત્રી અર્જુનસિંહ ચૌહાણે કહ્યું હતું કે, સૌનો સાથ સૌનો વિકાસને વરેલી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકાર સૌની ચિંતા કરે છે. સમાજના દરેક વર્ગની સાથે રહી સતત સૌના વિકાસ માટે કાર્યાન્વિત સરકારની 250 ઉપરાંત વિવિધ યોજનાઓનો સીધો લાભ પ્રજાને પ્રત્યક્ષ મળે છે. અંત્યોદયને સાકાર કરવા સરકાર ગરીબોની પડખે ઉભી છે.ગરીબોના ઘરમાં ગેસ, વીજળી, અનાજ, રોજગારથી લઇ ગર્ભમાં બાળકના પોષણથી લઇ અંતિમક્રિયા સુધીની વિવિધ યોજના સહાયથી સરકાર ગરીબોની પડખે ઉભી છે. પૂ.મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા ત્યાં પ્રભુતાના વિચારને વડાપ્રધાન મોદીએ ચરિતાર્થ કરી સૌને પ્રેરણા પુરી પાડી છે. સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, દરેક સમાજના ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ સરકારે બનાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબો માટે વાસ્તવિક અર્થમાં અનેકવિધ સહાયના લાભો આપી પ્રજા ઉત્થાનના પ્રયત્નો કર્યા છે. કચ્છમાં પણ ઉજ્જવલા યોજના-2..0 કોરોના વેક્સિનેશન કામગીરી અને સ્વચ્છ ભારત મિશન તેમજ કોરોનામાં અનાથ બાળકો માટે મુખ્યમંત્રી બાળ સહાય યોજના હેઠળ લાભાર્થીઓને સહાય અપાશે.

પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાનું રૂ.5 લાખનું આરોગ્ય કવચ, મુદ્રા યોજના થકી રોજગારી, કિસાન સન્માનનિધિ, શૌચાલય સુવિધા, સ્વચ્છ ભારત, આત્મનિર્ભર ભારત, વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-19 હેઠળ કરાએલી કામગીરી વગેરેને રજૂ કરી સાંસદએ જણાવ્યું હતું કે, ગરીબો, ખેડૂતો, દિવ્યાંગો અને ખેલાડીઓ માટે પણ સતત ચિંતા કરતી સરકારે કોરોના વેક્સિન મહાઝુંબેશ હેઠળ નોંધનીય કામગીરી કરી છે. આ તકે સૌને કોરોના રસી લેવા આગ્રહ કરું છું.

ભુજ મદદનીશ કલેકટર અતિરાગ ચપલોતે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ઉજ્જવલા યોજના 2.0 હેઠળ નવા 11647 ગેસ કનેકશન ઈસ્યુ કરાશે. મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ જિલ્લામાં 514 સીંગલ પેરેન્ટ અને 60 અનાથ બાળકોના ખાતામાં રૂ.2 હજારની સીધી સહાય જમા કરાશે. સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય અંગે કામગીરી કરાશે તેમજ કોરોના વેકસીનેશન પ્રોગ્રામ હેઠળ કોરોના રસીનો પ્રથમ ડોઝ 100 ટકા પૂર્ણ કરનાર 220 ગામોના સરપંચોને સન્માન પ્રમાણપત્ર અપાશે. આજના દિને 55 વિધવા સહાય અને 21 વ્હાલી દિકરીના હુકમપત્રો આપવામાં આવશે.

કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવો દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 ના લાભાર્થીને કીટ અને SV કાર્ડ વિતરણ, મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની સહાય પ્રમાણપત્ર, વ્હાલી દિકરી યોજના હુકમપત્રો,ગંગાસ્વરૂપા વિધવા સહાય યોજના પત્રો, અન્નકીટ વિતરણ, શૌચાલયયુકત ગામો તેમજ 100 ટકા રસીકરણ થયેલા ગામના સરપંચોના સન્માન કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, માંડવી-મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી એપીએમસી ચેરમેન કેશુભાઇ પટેલ, પ્રભારી હિતેશભાઇ ચૌધરી, કલેકટર પ્રવિણા ડી.કે., નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, ડીઆરડીએ ઈન્ચાર્જ નિયામક આસ્થા સોલંકી તેમજ સમાજ અગ્રણીઓ, લાભાર્થીઓ અને વિવિધ સબંધિત કચેરીઓના અધિકારીશ્રીઓ, નગરજનો ઉપસ્થિત રહયા હતા.

સાંસદ દ્વારા પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળો યોજાયો
સાંસદ વિનોદ ચાવડા દ્વારા ભુજના ડો. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંત સૂરદાસ યોજના, (દિવ્યાંગ પેન્શન), દિવ્યાંગ લગ્ન સહાય, ઓળખકાર્ડ, માનવ ગરીમા યોજના અંતર્ગત ભરતકામ, સત્યવાદી રાજા હરીશચંદ્ર યોજનામાં અંત્યેષ્ઠી સહાય, NULM અંતર્ગત આરટીઝન કાર્ડ, વિધવા સહાય, વય વંદના યોજના, વૃધ્ધ પેન્શન દિવ્યાંગ રેલ સ્માર્ટ કાર્ડ, વિકલાંગતા પ્રમાણપત્ર, કુંવરબાઈનું મામેરૂ યોજના નાણાકીય સહાય, વગેરે યોજનાના લાભો અપાયા હતા.

મુન્દ્રા અને ઝપરામાં કાર્યક્રમ યોજાયો
મુન્દ્રા રોટરી હોલ ખાતે સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કીટ વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી. મુન્દ્રા તાલુકા કક્ષાનો કાર્યક્રમ ઝરપરામાં ચારણ સમાજવાડી ખાતે યોજાયો હતો. તાલુકા પંચાયત પ્રમુખ રાણીબેન ચાવડાની હાજરીમાં વિવિધ સહાયના પ્રમાણપત્રો અપાયા હતા.

નખત્રાણા તાલુકાના 19 સરપંચોનું સન્માન
નખત્રાણા તાલુકાના નેત્રામાં અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ સહાયના લાભો સાથે રસીકરણની સારી કામગીરી બદલ 19 ગ્રામપંચાયતના સરપંચઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અા તકે અધિકારીઅો, પદાધિકારીઅો હાજર રહ્યા હતા.

ભચાઉ તાલુકાના 300 લાભાર્થીઅોને સહાય અપાઇ
ભચાઉમાં પટેલ બોર્ડિંગ ખાતે પાલિકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉજ્વલા યોજનાના 300 લાભાર્થીઓ પૈકી 30 ને સ્ટેજ પરથી સહાય વિતરણ કરાઇ હતી. મુખ્યમંત્રી બાલ સખા યોજનાના બે લાભાર્થીઓને પણ સહાય અપાઇ હતી. ઉપરાંત પ્રજાપતિ સમાજવાડી, સામખિયાળી ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમમાં પણ વિવિધ યોજનાઓ હેઠળ સહાય અપાઇ હતી.

માંડવીમાં સહાય કિટનું વિતરણ કરાયું
માંડવીના ગોકુલ રંગભગન ખાતે પાલિકા કક્ષાનો કાર્યક્રમ નગર અધ્યક્ષા હેતલબેન સોનેજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. માંડવી કોરોનાકાળમાં કોરોનાથી માતા અથવા પિતા ગુમાવનાર નિરાધાર બાળકોને બે હજાર રૂપિયાની માસિક સહાય ડી.બી.ટી. થી ચુકવવામાં આવી હતી. ગરીબ લાભાર્થીઓને નિ:શુલ્ક અનાજનું વિતરણ કરાયું હતું. તાલુકા કક્ષાનો કાર્યક્રામ મસ્કા ખાતે યોજાયો હતો, જેમા ગ્રામીણ કક્ષાએ વિવિધ યોજનાઓના લાભર્થીઓને યોજનાઓના લાભ અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...