તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:ભુજ, નખત્રાણા, લખપત અને માંડવી પંથકમાં મેહુલિયાએ ઝરમર-ઝાપટા રૂપે હાજરી પુરાવી

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુડિયા - Divya Bhaskar
મુડિયા
  • દિવસભર મેઘાડંબર વચ્ચે મેઘરાજા મન મૂકીને ન વરસતા હોવાનો લોકોને વસવસો

મોટા ભાગના કચ્છમાં સવારથી રચાયેલા મેઘાડંબર વચ્ચે શનિવારે ચાર તાલુકામાં મેઘાએ ઝાપટા રૂપે હાજરી પૂરાવતાં મન મૂકીને વરસાદ વરસતો નથી તેવો વસવસો લોકોના મુખે ચર્ચાતો સંભળાયો હતો. ભુજ, નખત્રાણા, લખપત, માંડવી પંથકમાં છૂટા છવાયા ઝાપટા પડતાં માર્ગો ભીંજાયા હતા.ભુજમાં સવારે 11 વાગ્યાના અરસામાં ઝાપટા સાથે વધુ 5 મીલિ મીટર વરસ્યો હતો જેના કારણે માર્ગો ભીંજાયા હતા. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટી છવાઇ મેઘકૃપા થઇ હતી. વાદળછાયા માહોલ વચ્ચે તાપમાન ઘટી જતાં લોકોને ગરમીમાં રાહત રહી હતી.

નિરોણા
નિરોણા

લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ઉપરાંત દોલતપર, મેઘપર, વિરાણી, નરા, સિયોત, પાન્ધ્રોમાં ઝરમર અને માતાના મઢ, મૂડિયા, નવાનગર, બૈયાવા સહિતના વિસ્તારોમાં ઝાપટા પડ્યા બાદ મોડી સાંજે ધીમી ધારે મહેર થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. માહોલ સતત ગોરંભાયેલો રહેતાં આગામી દિવસોમાં સારો વરસાદ પડશે તેવી આશા લોકો સેવી રહ્યા છે. નખત્રાણામાં વહેલી સવારે અને બપોરે બે વાગ્યા બાદ હળવા ઝાપટા પડતાં માર્ગો ભીંજાયા હતા. પંથકના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર કે ઝાપટા રૂપે મેઘાએ હાજરી પુરાવી હતી.

માંડવીમાં સવાર, બપોર અને સાંજ એમ સમયાંતરે વધુ 10 મીલિ મીટર પાણી વરસ્યું હતું. આસપાસના ગામોમાં પણ ઝાપટા પડતાં સીમાડામાં ઘાસ ઉગી નીકળવાની આશાએ પશુ પાલકોમાં ચિંતા હળવી બની હતી. દરમિયાન બે-ત્રણ દિવસ સુધી ઝાપટાથી માંડી હળવો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ હતી. પાવર પટ્ટી વિસ્તારના મુખ્ય મથક નિરોણા ગામે બપોરે 3 થી 4 વાગ્યાના સમય ગlળામા જોરદાર ઝાપટું પડી જતાં શેરીઓ મા પાણી વહી નિકળ્યા હતા.

પુનરાજપુરમાં વીજ ટ્રાન્સફોર્મર પર વીજળી પડી
લખપત તાલુકાના પુનરાજપુરમાં મોડી સાંજે સાત વાગ્યાના અરસામાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જે દરમિયાન વીજ ટ્રાન્સફોર્મર પર વીજળી પડતાં વીજ પુરવઠો બંધ થવાની સાથે ગામમાં અંધારપટ છવાઇ ગયો હતો. જો કે, કોઇ અન્ય નુક્સાન થયું નથી તેમ શક્તિસિંહ સોઢાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...