ભૂમાફિયા બેફામ બન્યા:ભુજ-માધાપરમાં દબાણો-અનધિકૃત બાંધકામો પર તંત્ર તવાઇ બોલાવશે

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટાભાગના કેસમાં સુનાવણી પૂર્ણ થઇ જતાં ગમે ત્યારે થઇ શકે છે કાર્યવાહી

ભુજ શહેર અને તેની ભાગોળે અાવેલા માધાપર, મિરજાપરમાં દબાણકારો બેફામ બન્યા છે અને ભાડાની હદમાં અનધિકૃત બાંધકામો ચણી દેવાયા છે. કોરોનાનું સંક્રમણ ઘટતાં દબાણ અને અનધિકૃત બાંધકામોના મોટાભાગના કેસોને તંત્ર દ્વારા પ્રાથમિક ધોરણે મહત્વ અાપી, સુનાવણી થઇ જતાં હવે ગમે ત્યારે તંત્ર તવાઇ બોલાવશે.

ભુજના પૂર્વ મદદનીશ કલેક્ટર મનીષ ગુરવાનીઅે ભુજ, માધાપર, મિરજાપર, સુખપરમાં દબાણકારો તેમજ ભાડાની હદમાં અનધિકૃત બાંધકામો સામે લાલઅાંખ કરતાં મોટા માથા ગણાતા ભૂમાફિયાઅો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ત્યાબાદ કોરોના મહામારીના કારણે કામગીરી પર રોક લાગી હતી. ગુરવાનીની બદલી થતાં તેમના સ્થાને ભુજના મદદનીશ કલેક્ટર તરીકે અાવેલા સનદી અધિકારી અતિરાગ ચપલોતે જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ ઘટતાં ભાડા અને નગરપાલિકાની હદમાં થયેલા દબાણો અને અનધિકૃત બાંધકામો અને હેતુફેરના કિસ્સામાં અાવેલી રજૂઅાતો, કેસોને વધુ મહત્વ અાપી, રોજકામ સહિત મોટાભાગના કેસોની સુનાવણી પૂર્ણ કરી દેવાઇ છે. વધુમાં મામલતદારને પણ દબાણના કિસ્સામાં સુનાવણી, રોજકામ કરી કાર્યવાહી કરવાના અાદેશો અપાયા છે. સરકારી જમીનો પરના દબાણો નહીં હટે તો લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી થશે. ભુજમાં ભુજિયા રીંગરોડ, માધાપર હાઇવે, મિરજાપર રોડ વગેેરે સ્થળોઅે ફરીથી ખડકાયેલા દબાણો પર તંત્ર દ્વારા ગમે ત્યારે તવાઇ બોલાવાશે.

રહેણાંક વિસ્તારમાં વ્યવસાયિક મંજૂરી બાદ કોમર્શીયલ ઉપયોગ
રહેણાકના સોસાયટી વિસ્તારોમાં 50 ચો.મી. વિસ્તારમાં વકીલ, ચાર્ટર્ડ અેકાઉન્ટસની અોફિસો શરૂ કરી વ્યવસાયની છૂટ છે પરંતુ ભુજમાં અુમક વિસ્તારોમાં અા રીતે વ્યવસાયિક મંજૂરી લીધા બાદ તેમાં શો-રૂમ શરૂ કરી દેવાયા છે, જેના કારણે ટ્રાફિક સહિતની સમસ્યાઅો ઉદ્દભવી હોવાની રજૂઅાતો અાવી છે, જેથી અાવા 3 જેટલા હેતુફેરના કિસ્સામાં પણ સંબંધિતોને નોટિસો અપાઇ હોવાનું ભાડાના મુખ્ય કારોબારી અધિકારી ચપલોતે જણાવ્યું હતું.

ભાડા મારફતે 17 કેસમાં અપાઇ નોટિસ
ભાડાના મુખ્ય કારોબારી અધિકારી અતિરાગ ચપલોતે જણાવ્યું હતું કે, ભુજ શહેર અને ભુજ-માધાપર રીંગરોડ પર નળ સર્કલથી લઇને માધાપરના દવાખાના સુધી ભાડાની હદમાં 17 જેટલા ભાડાની મંજૂરી લીધા વિના થયેલા બિન અધિકૃત બાંધકામો અને દબાણોના કેસોમાં સુનાવણી પૂર્ણ થઇ જતાં સ્વેચ્છાઅે દબાણો હટાવવાની સાથે અનધિકૃત બાંધકામો તોડી પાડવા માટે નમૂના ચ અને કલમ 36 અન્વયે સંબંધિતોને નોટિસો અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...